ભારતીય મૂળના લેખક અહેમદ ઈસ્સોપનું નિધન, શેક્સપિયરનું સાહિત્ય લોકપ્રિય કર્યું હતું
ઇસ્સોપના પારિવારિક મિત્ર અસલમ ખોતાએ જણાવ્યું કે, તેમને થોડા દિવસ અગાઉ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું દેહાવસાન થયું છે
જોહાનિસબર્ગઃ ભારતીય મૂળના જાણીતા લેખક અને પૂર્વ શિક્ષણશાસ્ત્રી એવા અહેમદ ઈસ્સોપનું દક્ષિણ આફ્રિકામાં નિધન થયું છે. તેઓ 88 વર્ષના હતા. ઇસ્સોપના પારિવારિક મિત્ર અસલમ ખોતાએ જણાવ્યું કે, તેમને થોડા દિવસ અગાઉ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું દેહાવસાન થયું છે. તેમની દફનવિધિ તેમના ગૃહનગર લેનાસિયામાં મંગળવારે કરવામાં આવી હતી.
ઈસ્સોપનો જન્મ 1931માં ભારમતાં થયો હતો અને બાળપણમાં જ તેઓ દક્ષિણ આફ્રિકા જતા રહ્યા હતા. અહીં તેમણે અનેક ડિગ્રીઓ મેળવી હતી અને જુદી-જુદી શિક્ષણ સંસ્થાઓમાં શિક્ષક તરીકે સેવાઓ આપી હતી. અંગ્રેજી સાહિત્ય અને ખાસ કરીને શેક્સપિયરને લોકપ્રિય બનાવવામાં તેમના યોગદાનને કારણે તેમને ખુબ જ ખ્યાતિ મળી હતી.
તેમના પ્રકાશિત થયેલા 13 લેખનકાર્યોમાં મોટાભાગનામાં તેમણે દક્ષિણ આફ્રિકાના સમાજમાં ભારતીય સમુદાયની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ તેમણે ત્યાંની ગોરી સરકારના શાસનકાળ દરમિયાન ભારતીય સમુદાય સામે આવેલી મુશ્કેલીઓને પણ તેમણે પોતાના સાહિત્યમાં ઉજાગર કરી છે. તેમના ધારદાર લેખનને કારણે તેમને સરકારના પ્રતિબંધોનો પણ સામનો કરવો પડ્યો છે.
વર્ષ 2018માં તેમને દક્ષિણ આફ્રિકાના પ્રતિષ્ઠિત 'સાઉથ આફ્રિકા લિટરરી એવોર્ડ'માં લાઈફટાઈમ એવોર્ડ એનાયત કરાયો હતો.
જૂઓ LIVE TV....