શું છે પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચે છે વિવાદ, ખુબ લાંબો છે દુશ્મનાવટનો ઈતિહાસ, જાણો વિગત
1947માં UNએ ફિલિસ્તીનને યહૂદી અને અરબ રાજ્યમાં વહેંચી દીધું હતું. જો કે ગાઝા પટ્ટી, વેસ્ટ બેંક અને ગોલન હાઈટ્સ વિસ્તાર પર વિવાદ હજુ યથાવત્ છે. ગાઝા પટ્ટી પર હાલમાં હમાસ સંગઠનનો કબજો છે. ગાઝાથી જ હમાસ પોતાની ગતિવિધિઓ ચલાવે છે.
નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચેના વિગ્રહનું કારણ સદીઓ જૂની દુશ્મનાવટ છે. બંનેના સંબંધ એટલી હદ સુધી વણસેલા છે કે તેમાં સમાધાનની કોઈ ફોર્મુલા કામ નથી આવી, વિસ્તાર અને ધર્મના વિવાદનો આ જંગ અનેક જિંદગીઓ છીનવી ચૂક્યો છે. ત્યારે નવા યુદ્ધે આગમાં ઘી ઉમેરવાનું કામ કર્યું છે. શું છે આ વિવાદની પૃષ્ઠભૂમિ અને પરિણામ, જોઈએ આ અહેવાલમાં..
ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો જંગ નવો નથી. ઈઝરાયલની સ્થાપના થઈ ત્યારથી જ બંને પક્ષો યુદ્ધે ચઢેલા છે. બંને દેશો વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ સામાન્ય બાબત છે. જો કે છેલ્લા ઘણા સમયથી સંઘર્ષ વિરામ જેવી સ્થિતિ હતી. જો કે હમાસના અચાનક હુમલાથી સ્થિતિ વણસી ગઈ છે..
હમાસે જે રીતે ઈઝરાયલ પર હુમલો કર્યો છે, તેને જોતાં સ્પષ્ટ છે કે આ હુમલો મોટા પાયા પર આયોજન કર્યા બાદ કરાયો છે. બંને દેશો વચ્ચેના તણાવને સમજવા માટે ગાઝા પટ્ટીના વિવાદને સમજવો પડે. કેમ કે આ વિવાદ જ બંને દેશો વચ્ચેના વિવાદના મૂળમાં છે.
ગાઝા પટ્ટી ભૂમધ્ય સમુદ્રના કાંઠે આવેલો નાનકડો વિસ્તાર છે. જે ઈજિપ્ત અને ઈઝરાયલના મધ્ય ભાગમાં આવેલો છે. પેલેસ્ટાઈન તરીકે પણ ઓળખાતું ફિલિસ્તીન અરબી અને મુસ્લિમ બહુમતિ ધરાવતો વિસ્તાર છે. તેના પર હમાસ સંગઠનનું શાસન છે. ઈઝરાયલ વિરોધી હમાસની સ્થાપના 1987માં કરવામાં આવી હતી. જેને તુર્કી અને કતાર તરફથી ફંડિંગ કરાય છે. ઈરાન પણ હમાસને હથિયાર અને પૈસા આપે છે. ફિલિસ્તીન સહિતના કેટલાક મુસ્લિમ દેશો ઈઝરાયલને યહૂદી રાજ્ય નથી માનતા.
આ પણ વાંચોઃ ઈઝરાયલે આતંકવાદી હમાસના ઠેકાણા પર હુમલો કર્યો, 198 લોકોના મોત, 1690 ઘાયલ
જ્યારે પેલેસ્ટાઈન સમગ્ર ઈઝરાયલને મુસ્લિમ દેશ માનીને આ પ્રદેશની માગ કરે છે. આ જ કારણ છે કે પેલેસ્ટાઈન અને ઈઝરાયલ છેલ્લા એક હજાર વર્ષથી જંગે ચઢેલાં છે.
2005 સુધી ગાઝા પટ્ટીમાં ઈઝરાયલ અને હમાસની સેનાઓ સામસામે હતી. જો કે આ જ વર્ષે ઈઝરાયલે પોતાની સેનાને પાછી બોલાવતાં સંઘર્ષ ઘટ્યો હતો. જો કે બંને તરફથી દુશ્મનાવટ યથાવત્ છે. ઈઝરાયલે હમાસને આતંકી સંગઠન જાહેર કર્યું, પણ તેનાથી હમાસને કોઈ ફરક ન પડ્યો. ઈઝરાયલનો સામનો કરવા હમાસે પોતાને વધુ મજબૂત બનાવવાનું ચાલુ રાખ્યું.
હમાસ સંગઠનમાં 27 હજાર લોકો જોડાયેલા છે. આ સેનાને 6 રિજનલ બ્રિગેડ, 25 બટાલિયન અને 106 કંપનીઓમાં વહેંચવામાં આવી છે
ગાઝાને ગાઝા પટ્ટી કેમ કહેવાય છે તે સમજવા માટે આ નકશો જોવો જરૂરી છે. માત્ર 365 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પેલેસ્ટાઈન મૂળના 23 લાખ લોકો વસે છે. વેસ્ટ બેન્ક, ગાઝાપટ્ટી, ગોલાન હાઇટ્સ અને જેરુલસેમ જેવા વિસ્તારો પર હમાસ પોતાનો દાવો કરે છે. પેલેસ્ટાઈન આ વિસ્તારમાં પોતાનું અલગ રાજ્ય સ્થાપવા માગે છે. જો કે ઈઝરાયલને હમાસની આ માગ મંજૂર નથી. 1967માં ઈઝરાયલની સેનાએ ગાઝા પટ્ટી વિસ્તાર પર હુમલો કરીને તેના પર કબ્જો કર્યો હતો. ત્યારથી બંને પક્ષો વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે.
પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચેની દુશ્મનાવટ વચ્ચે બંને દેશોના સમર્થન માટે પણ દુનિયા બે ભાગમાં વહેંચાયેલી છે. ભારત અને અમેરિકા જેવા દેશો ઈઝરાયલને સમર્થન આપે છે.
આ પણ વાંચોઃ આખરે હમાસ શું છે? ઇઝરાયેલ સામે લડવા કોણ આપે છે રૂપિયા, કેટલું છે શક્તિશાળી
આ જ કારણ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈઝરાયલ પર થયેલા હુમલાને વખોડી કાઢ્યો છે, તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, ઈઝરાયલમાં થયેલા આતંકવાદી હુમલાના સમાચાર મળતાં ઉંડો આઘાત લાગ્યો છે. અમારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ નિર્દોષ પીડિતો અને તેમના પરિવારજનો પ્રત્યે છે. આ મુશ્કેલીની ક્ષણમાં અમે ઈઝરાયલ સાથે ઉભા છીએ.
અમેરિકાએ પણ ઈઝરાયલ પરના હુમલાને વખોડ્યો છે. જ્યારે ઈરાને પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું છે.
બંને દેશો વચ્ચે નવેસરથી શરૂ થયેલો આ સંઘર્ષ અત્યાર સુધીનો સૌથી ભીષણ અને લોહિયાળ બની રહે તેવી શક્યતા છે. કેમ કે બંને પક્ષ પાસે અત્યાધુનિક હથિયારો છે. બંને દેશોની સેનાઓ એકબીજાના દેશોમાં પ્રવેશી ચૂકી છે. ઈઝરાયલ હવે હમાસ વિરુદ્ધ અંતિમ તબક્કાનું યુદ્ધ લડશે, તેમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી.
આ યુદ્ધની અસરો ફક્ત મધ્ય પૂર્વ સુધી સીમિત ન રહેતાં રશિયા અને યુક્રેન યુદ્ધની જેમ સમગ્ર દુનિયામાં જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube