અભિનંદને તોડી પાડ્યું હતું તે F-16ના PAK પાઈલટને ભારતીય સમજીને ભીડે મારી નાખ્યો?
પાકિસ્તાનમાં ફસાયેલા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની શુક્રવારે ભારત વાપસી થઈ ગઈ. પરંતુ અભિનંદને પાકિસ્તાનના જે F-16 વિમાનને તોડી પાડ્યું હતું તેનો પાઈલટ પાકિસ્તાનના એક જૂઠ્ઠાણાના કારણે કઈ દુનિયામાં ખોવાઈ ગયો છે તે કોઈને જાણ નથી.
નવી દિલ્હી: પાકિસ્તાનમાં ફસાયેલા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની શુક્રવારે ભારત વાપસી થઈ ગઈ. પરંતુ અભિનંદને પાકિસ્તાનના જે F-16 વિમાનને તોડી પાડ્યું હતું તેનો પાઈલટ પાકિસ્તાનના એક જૂઠ્ઠાણાના કારણે કઈ દુનિયામાં ખોવાઈ ગયો છે તે કોઈને જાણ નથી. પાકિસ્તાનનો F-16નો પાઈલટ ક્યાં છે? શું તે જીવિત છે કે પછી માર્યો ગયો છે? પાકિસ્તાન કે ત્યાંનું મીડિયા પણ આ પાઈલટ વિશે કોઈ ફોડ પાડતું નથી. હકીકતમાં પાકિસ્તાને ભારતના બે વિમાનને નિશાન બનાવીને તેના 2 પાઈલટને પકડ્યા હોવાનો દાવો કર્યો હતો. હવે આ જ દાવો જૂઠ્ઠાણું બની ગયું અને પાકિસ્તાન પર ભારે પડી રહ્યું છે. અમેરિકાએ પણ F-16નો ભારત સામે ઉપયોગ કરાતા પાકિસ્તાનને જવાબ માટે તલબ કર્યું છે.
અહેવાલો મુજબ વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાનના જે એફ 16 ફાઈટર વિમાનને તોડી પાડ્યું હતું તેના પાઈલટનું નામ વિંગ કમાન્ડર શહજાજુદ્દીન હતું. કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ જ્યારે ભારતીય વિંગ કમાન્ડર અભિનંદને એફ 16 તોડી પાડ્યું ત્યારે તે વિમાનનો પાઈલટ શહજાદુદ્દીન ઈજેક્ટ થઈને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પડ્યો હતો. કેટલાક પુષ્ટિ ન થઈ હોય તેવા અહેવાલો મુજબ સ્થાનિક લોકોએ તેની પીટાઈ કરીને મોતને ઘાટ પહોંચાડી દીધો. જો કે પાકિસ્તાને હજુ આ પાઈલટ અંગે કઈ જ ખુલાસો કર્યો નથી કે તેના મોતનો સ્વીકાર કર્યો નથી.
ભારત સામે F-16નો ઉપયોગ કરી પાકિસ્તાન મુશ્કેલીમાં મૂકાયું, અમેરિકાએ આપ્યો 'મોટો ઝટકો'
પાકિસ્તાને તો ભારત સામેના અભિયાનમાં એફ 16નો ઉપયોગ કર્યો હોવાની વાત જ નકારી કાઢી છે. પરંતુ ત્યારબાદ ભારતે પુરાવા સાથે દેખાડી દીધુ કે પાકિસ્તાને એફ 16 વિમાનથી ભારતની એરસ્પેસ ઓળંગી અને હુમલો કરવાની કોશિશ કરી. ત્યારબાદ ભારતીય વિમાને એફ 16ને તોડી પાડ્યું હતું. પાકિસ્તાને આ 'ડોગ ફાઈટ'માં કોઈ વિમાન તેમનું ક્રેશ થયું તે વાત પણ સ્વીકારી નથી.
પહેલા પાકિસ્તાને એવો દાવો કર્યો હતો કે તેણે ભારતના બે પાઈલટને પકડ્યા છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા અબ્દુલ ગફૂરે કહ્યું હતું કે એક પાઈલટની ધરપકડ કરાઈ છે જ્યારે બીજો ઘાયલ પાઈલટ હોસ્પિટલમાં છે. ત્યારબાદ ગફૂરે પલટી મારી અને કહ્યું કે તેમની પાસે ભારતનો એક જ પાઈલટ છે. અહેવાલો મુજબ જે પાઈલટ હોસ્પિટલમાં દાખલ હતો તે પાકિસ્તાની પાઈલટ હતો અને તેનું મોત થઈ ચૂક્યું છે.
ભારતે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે ડોગ ફાઈટમાં તેનું એક પ્લેન ક્રેશ થઈ ગયું અને પાઈલટ મિસિંગ છે. ભારતે એમ પણ કહ્યું હતું કે તેમના વિમાને એક એફ 16 વિમાનને તોડી પાડ્યું હતું અને તેનો કાટમાળ સરહદ પાર પડ્યો હતો. તેમણે કહ્યું હતું કે વિમાનનો પાઈલટ એક વીડિયોમાં પ્લેનમાંથી નીચે કૂદતો પણ જોવા મળ્યો હતો.
પુલવામાના આરોપી મસૂદને બચાવવા પાકિસ્તાનના ધમપછાડા, વિદેશ મંત્રીએ જાહેરમાં કહ્યું- 'જૈશ જવાબદાર નથી'
પાકિસ્તાનના કથિત મૃતક પાઈલટના પરિવાર સાથે સંબંધ ધરાવતા હોવાનો દાવો કરતા લંડનના એક વકીલ ખાલિદ ઉમરે સોશિયલ મીડિયા પર આખી ઘટના વિસ્તૃત રીતે વર્ણવી છે.
ઉમરે પોતાની પોસ્ટમાં જણાવ્યાં મુજબ દુખદ છે કે પાકના કબ્જાવાળા કાશ્મીર (પીઓકે)માં ઈજેક્ટ થયા બાદ પાકિસ્તાની પાઈલટ જીવિત હતો. પરંતુ ભીડે તેને ભારતીય સમજીને ખુબ પીટ્યો. જ્યારે ખબર પડી કે તે અમારો જ માણસ છે તો શહજાઝને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં તે મૃત્યુ પામ્યો. તે રિટાયર્ડ એર માર્શલનો પુત્ર હતો. બે એર માર્શલના પુત્ર (અભિનંદન અને શહજાઝ)એ આકાશમાં લડત લડી, બંને જમીન પર પડ્યાં પરંતુ એક જીવિત ન બચ્યો.