વોશિંગટનઃ એક અભૂતપૂર્વ પગલું ભરતાં વ્હાઈટ હાઉસે CNNના એક વરિષ્ઠ પત્રકાર પર ખરાબ વર્તનનો આરોપ લગાવીને તેમનો પ્રેસ પાસ સસ્પેન્ડ (અસ્થાયી સમય માટે અમાન્ય) કરી દીધો છે. આ અગાઉ બુધવારે યોજાયેલી એક પત્રકાર પરિષદ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને CNNના વ્હાઈટ હાઉસના સંવાદદાદા જિમ અકોસ્ટા વચ્ચે સામ-સામે આક્ષેપબાજી થઈ હતી. વ્હાઈટ હાઉસે અકોસ્ટાના વર્તનને 'ખરાબ અને અપમાનજનક' જણાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું થયું પત્રકાર પરિષદમાં? 
અકોસ્ટા અને ટ્રમ્પ વચ્ચે એ વખતે બોલાચાલી થઈ ગઈ જ્યારે CNN સંવાદદાતાએ બેસી જવાના રાષ્ટ્રપતિના આદેશને સ્વીકાર્યો નહીં અને અમેરિકાની સરહદ તરફ વધી રહેલા મધ્ય અમેરિકન પ્રવાસીઓ અંગે તેમનો અભિપ્રાય જાણવા માટે તેઓ સતત પ્રશ્નો કરતા રહ્યા. 


અકોસ્ટાનો પાસ સસ્પેન્ડ કરી દેવાયા બાદ ટ્રમ્પ સરકાર અને મીડિયા વચ્ચે તણાવ વધી ગયો છે. લગભગ એક કલાક અને 26 મિનિટ સુધી ચાલેલી પત્રકાર પરિષદમાં ડોનાલ્ડ ટ્રમ્પને આ પ્રકારનો સવાલ પુછવા માટે પત્રકારને 'અભદ્ર' કહેવોય હતો. 


પત્રકાર પરિષદમાં ડોનાલ્ડ ટ્રમ્પે સૌથી પહેલા જે પત્રકારોને પ્રશ્નો પુછવા જણાવ્યું હતું તેમાં અકોસ્ટાનો સમાવેશ થતો હતો. અકોસ્ટાએ જણાવ્યું કે, હું ચૂંટણી પ્રચારના અંતિમાં તમારા દ્વારા એક નિવેદનને પડકારવા માગું છું. 


અકોસ્ટાએ ટ્રમ્પને પુછ્યું કે, 'જેવું કે તમે જાણો છો, આ ટોળું એ કોઈ હુમલો નથી. આ મધ્ય અમેરિકામાંથી અમેરિકાની સરહદ તરફ વધી રહેલા પ્રવાસીઓનો એક સમુહ છે.' ટ્રમ્પે મજાક કરતા જવાબ આપ્યો કે, 'માહિતી આપવા બદલ તમારો આભાર. હું તેનું સ્વાગત કરું છું.'


આ રીતે ધીમે-ધીમે સવાલ-જવાબ તણાવપૂર્ણ થઈ ગયો અને ટ્રમ્પે ગુસ્સે થતા કહ્યું કે, 'ઈમાનદારી સાથે તમારે મને દેશ ચલાવવા દેવો જોઈએ. તમે CNN ચલાવો. અને જો તમે તેને સારી રીતે કરશો તો તમારું રેટિંગ સુધરશે.' પછી ટ્રમ્પે મોટા અવાજે કહ્યું, 'બસ, હવે બહુ થયું.'



વ્હાઈટ હાઉસનો જવાબ
અકોસ્ટાના વર્તનને 'ખરાબ અને અપમાનજનક' ઠેરવતાં વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ સારા સેન્ડર્સે બુધવારે એક નિવેદન આપ્યું કે, 'આજની ઘટનાના પરિણામ સ્વરૂપે વ્હાઈટ હાઉસ સંબંધિત રિપોર્ટરનો 'હાર્ડ પાસ' નવા આદેશ સુધી સસ્પેન્ડ કરે છે. અમે એ ક્યારેય સહન નહીં કરીએ કે કોઈ રિપોર્ટર વ્હાઈટ હાઉસ ઈન્ટર્ન તરીકે કામ કરી રહેલી યુવતી પર પોતાનો હાથ મુકે. આવું વર્તન તદ્દન અસ્વીકાર્ય છે.'


નિર્ણય લોકશાહી માટે જોખમઃ CNN
આ દરમિયાન CNNએ અકોસ્ટાનો બચાવ કરતા જણાવ્યું કે, ટ્રમ્પ સરકારનો નિર્ણય લોકશાહી માટે ખતરો છે. CNNએ વધુમાં જણાવ્યું કે, 'આજની પત્રકાર પરિષદમાં પડકારજનક પ્રશ્નો પુછવાને કારણે બદલાની કાર્યવાહી સ્વરૂપે અકોસ્ટાનો પાસ સસ્પેન્ડ કરાયો છે. આ અભૂતપૂર્વ નિર્ણય આપણા દેશની લોકશાહી માટે જોખમી છે.'


વ્હાઈટ હાઉસ પત્રાકર સંગઠનના પૂર્વ અધ્યક્ષ જેફ મેસને વ્હાઈટ હાઉસના આરોપને ફગાવી દીધો છે કે, અકોસ્ટાએ મહિલા ઈન્ટર્ન પર પોતાનો હાથ મુક્યો હતો. મેસને ટ્વીટ કરીને જણાવ્યું કે, હું આજની પત્રકાર પરિષદમાં અકોસ્ટાની બાજુમાં જ બેઠો હતો અને તેણે યુવાન ઈન્ટર્ન પર પોતાનો હાથ મુક્તા જોયો નથી.