નવી દિલ્હી: તાજેતરમાં આફ્રિકન કન્ટ્રી પૈકી એક એવા ગામ્બિયામાં મોતનું તાંડવ સર્જાયું છે. એક બે નહીં પણ એક બાદ એક 66 બાળકોના મોત નિપજ્યાં છે. આ બાળકોના મોત પાછળ દવાઓ જવાબદાર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ દવાઓ સામાન્ય કફ સિરપ છે. એટલું જ નહીં ગામ્બિયામાં 66 બાળકોના મોતના છાંટા છેક ભારત સુધી આવ્યાં છે. તેનું કારણ છેકે, ભારતમાં બનેલી 4 કફ સિરપ આના માટે જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એજ કારણ છેકે, WHO એ ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (DCGI) ને કફ સિરપ અંગે ચેતવણી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલેકે, (WHO)એ ચેતવ્યા છે કે પશ્ચિમ આફ્રિકન દેશ ગામ્બિયામાં 66 બાળકોના મોતનું કારણ ભારતમાં બનેલી ચાર કફ સિરપ સાથે હોઇ શકે છે. તે પછી કેન્દ્ર સરકારે હરિયાણા સ્થિત એક ફાર્માસ્યુટિકલ ફર્મ દ્વારા નિર્મિત કફ સિરપની તપાસ શરૂ કરી દીધી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે WHO એ ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (DCGI) ને કફ સિરપ અંગે ચેતવણી આપી છે. સૂત્રોએ જણાવ્યું કે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને તરત જ આ મામલો હરિયાણા રેગ્યુલેટરી ઓથોરિટી સમક્ષ ઉઠાવ્યો અને વિગતવાર તપાસ શરૂ કરી.


કફ સિરપનું ઉત્પાદન હરિયાણાના સોનીપતમાં મેસર્સ મેઇડન ફાર્માસ્યુટિકલ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. સૂત્રોએ જણાવ્યું કે અત્યાર સુધી મળેલી માહિતી મુજબ એવું લાગે છે કે કંપનીએ આ ઉત્પાદનોની નિકાસ માત્ર ધ ગામ્બિયામાં જ કરી હતી. કંપનીએ હજુ સુધી આરોપોનો જવાબ આપ્યો નથી. WHO એ ચેતવણી આપી છે કે સીરપ પશ્ચિમ આફ્રિકન દેશની બહાર પણ મોકલવામાં આવ્યા હોઈ શકે છે અને વૈશ્વિક જોખમ “શક્ય” છે. WHOના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે બુધવારે મીડિયાને જણાવ્યું હતું કે શરદી અને ઉધરસની કફ સિરફ કિડનીની ગંભીર ઇન્જરી અને 66 બાળકોના મૃત્યુ સાથે સંભવિત રીતે સંકળાયેલા છે.”


મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે WHOએ હજુ સુધી મૃત્યુ સંબંધિત મામલાઓની વિસ્તૃત માહિતી આપી નથી. તેમણે કહ્યું કે WHO એ હજુ સુધી ઉત્પાદનોના ઉત્પાદકની પુષ્ટિ કરતા લેબલની માહિતી અને ફોટા શેર કર્યા નથી. અત્યાર સુધી WHO એ પણ માહિતી આપી નથી કે આ મૃત્યુ ક્યારે થયા છે.