નવી દિલ્હી: બાંગ્લાદેશમાં હાલમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં શેખ હસીનાની અવામી લીગે પ્રચંડ બહુમત મેળવ્યો છે. વિરોધીઓના તો સૂપડાં સાફ થઈ ગયા. આ જીત સાથે તેઓ સતત ત્રીજીવાર વડાપ્રધાન બનશે. તેમની આ જીત ભારત માટે સારા સમાચાર છે અને તેનાથી નેબરહૂડ ફર્સ્ટ પોલીસીને મજબુતાઈ પણ મળશે. ભારતે ચૂંટણી પરિણામનું સ્વાગત  કરવામાં જરાય મોડું ન કર્યું અને ઔપચારિક જાહેરાત બાદ પીએમ મોદી પહેલા એવા વૈશ્વિક નેતા હતાં જેમણે હસીનાને આ જીત બદલ અભિનંદન પણ પાઠવ્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં કહેવાયું છે કે અમે બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણી સફળતાપૂર્વક યોજાઈ તેનું સ્વાગત કરીએ છીએ. લોકતંત્ર, વિકાસ અને બંગ બંધુ શેખ મુજીબુર્રેહમાનની સોચ પર વિશ્વાસ વ્યક્ત કરવા બદલ અમે બાંગ્લાદેશની જનતાને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. પીએમ મોદીએ હસીનાને ફોન કરીને જીત બદલ શુભેચ્છાઓ પાઠવી. તેમણે આશ્વાસન આપ્યું કે ભારત અને બાંગ્લાદેશની ભાગીદારી હસીનાની દૂરંદ્રષ્ટિવાળી લીડરશીપમાં વધુ મજબુત થશે. 


વડાપ્રધાને એમ પણ કહ્યું કે ભારત પાડોશી દેશ તરીકે બાંગ્લાદેશને ખુબ મહત્વ આપે છે. જે ક્ષેત્રીય વિકાસ, સુરક્ષા અને સહયોગમાં એક નીકટનું ભાગીદાર છે અને ભારતની નેબરહૂડ ફર્સ્ટ પોલીસીનો મુખ્ય સ્તંભ છે. સૌથી પહેલા અભિનંદન પાઠવવા બદલ હસીનાએ પણ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો. 


બાંગ્લાદેશમાં હસીનાની જીત કેમ છે મહત્વની
આતંકવાદ સામેની લડાઈ, સંપર્ક માર્ગ બનાવવામાં પહેલ અને ક્ષેત્રીય સહયોગના મામલે બાંગ્લાદેશે ભારતને સતત સાથ આપ્યો છે. સાઉથ એશિયામાં ચીનના વધતા હસ્તક્ષેપ વચ્ચે બંગાળની ખાડી અને ઉત્તર પૂર્વમાં ભારતની યોજનાઓમાં હસીના એક મોટી ભૂમિકા ભજવી શકે છે. 


આવામી લીગના નેતૃત્વવાળા ગઠબંધને 300 સભ્યોવાળી સંસદમાં 288 બેઠકો કબ્જે કરી છે. જો કે વિપક્ષે ચૂંટણીને ઢોંગ ગણાવતા ફગાવી છે. મતદાન દરમિયાન હિંસામાં 18 લોકોના મોત પણ થયા હતાં જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયાં. વિપક્ષી નેશનલ યુનિટી ફ્રન્ટ (યુએનએફ)ને સાત બેઠકો મળી જ્યારે અન્યને ફાળે 3 બેઠકો ગઈ. વિપક્ષી નેશનલ યુનિટી ફ્રન્ટે ચૂંટણી આયોગને તત્કાળ ચૂંટણી રદ કરીને નિષ્પક્ષ વચગાળાની સરકાર હેઠળ ફરીથી ચૂંટણી કરવાની માગણી કરી હતી. જો કે ચૂંટણી પંચે આ માગણી ફગાવી દીધી હતી.