નવી દિલ્હીઃ યુક્રેનના બુચા શહેરમાં રશિયન સૈનિકોની ક્રૂરતા સામે આવ્યા બાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં રશિયાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માંથી સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. 93 દેશોએ આ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે 24 દેશો તેની વિરુદ્ધમાં હતા. જ્યારે, 58 દેશોએ મતદાનથી અંતર બનાવીને રાખ્યું અને તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે નવી દિલ્હીએ અત્યાર સુધી આ મુદ્દે તટસ્થ વલણ અપનાવ્યું છે. તેમણે ભૂતકાળમાં પણ યુએનમાં મતદાન કરવાનું ટાળ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજદ્વારી એકમાત્ર વિકલ્પ
ભારતે રશિયાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માંથી બાકાત રાખવાના મતદાનમાં ભાગ ન લેવા અંગે પોતાનું વલણ આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય રાજદૂત ટીએસ તિરુમૂર્તિએ આ મુદ્દે કહ્યું, 'અમે બગડતી પરિસ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત છીએ અને તમામ દુશ્મનાવટને ખતમ કરવાના અમારા આહ્વાનને પુનરાવર્તિત કરીએ છીએ. જ્યારે નિર્દોષ માનવ જીવન જોખમમાં હોય, ત્યારે રાજદ્વારી એકમાત્ર વિકલ્પના રૂપમાં ગણવો જોઈએ.


'ભારત માત્ર શાંતિનો પક્ષ પસંદ કરશે'
પોતાના નિર્ણયનું કારણ દર્શાવતા ભારતે જણાવ્યું છે કે યુક્રેનમાં સંઘર્ષની શરૂઆતથી જ અમે શાંતિ, વાતચીત અને રાજદ્વારી માધ્યમથી મામલાના સમાધાનના પક્ષમાં છીએ. ભારત સ્પષ્ટપણે માને છે કે લોહી વહેવડાવીને અને નિર્દોષ લોકોના ભોગે કોઈ ઉકેલ શોધી શકાતો નથી. જો ભારતે કોઈપણ પક્ષ પસંદ કરવો હોય તો તે પક્ષ શાંતિ માટે અને હિંસાનો તાત્કાલિક અંત લાવવાનો છે.


ગત મહિને પણ મતદાન કર્યું ન હતું
યુક્રેન સંકટ અંગે ભારતે અત્યાર સુધી તટસ્થ વલણ અપનાવ્યું છે. નવી દિલ્હી તરફથી અનેક અવસરો પર જણાવાયું છે કે ભારત શાંતિના પક્ષમાં છે અને આશા રાખે છે કે વાતચીત દ્વારા તમામ સમસ્યાઓનો ઉકેલ મળી જશે. તમને જણાવી દઈએ કે ગયા મહિને પણ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ યુક્રેન વિરુદ્ધ રશિયાના હુમલાની કડક નિંદા કરતો પ્રસ્તાવ પસાર કર્યો હતો. ભારતે આ ઠરાવ પર મતદાનમાં ભાગ લીધો ન હતો.


યુએનમાં ભારતનું સૌથી મોટું નિવેદન
જો કે, આ અઠવાડિયાની શરૂઆતમાં ભારતે યુક્રેનના બુચામાં નાગરિકોની હત્યાની નિંદા કરતા યુએન સુરક્ષા પરિષદમાં તેનું અત્યાર સુધીનું સૌથી મજબૂત નિવેદન જાહેર કર્યું હતું અને સ્વતંત્ર તપાસની હાકલ કરી હતી. ભારતે કહ્યું હતું કે બુચા વિશેના અહેવાલો હેરાન કરનાર છે. અમે આ હત્યાઓને સ્પષ્ટપણે વખોડીએ છીએ અને સ્વતંત્ર તપાસની હાકલને સમર્થન આપીએ છીએ. ઉલ્લેખનીય છે કે, આ પહેલા 2011માં કોઈપણ સભ્ય દેશને UNHRCમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube