જુલિયન અસાન્જે વિરુદ્ધ આરોપ ઘડાયા: વિકિલીક્સ
વિકિલીક્સના સંસ્થાપક જૂલિયન અસાન્જે પર અમેરિકી કોર્ટમાં આરોપ નક્કી કરાયા છે. અસાન્જેએ વર્ષ 2010માં મોટી સંખ્યામાં અમેરિકી ખાનગી દસ્તાવેજોને સાર્વજનિક કર્યા હતાં
વોશિંગ્ટન: વિકિલીક્સના સંસ્થાપક જૂલિયન અસાન્જે પર અમેરિકી કોર્ટમાં આરોપ નક્કી કરાયા છે. અસાન્જેએ વર્ષ 2010માં મોટી સંખ્યામાં અમેરિકી ખાનગી દસ્તાવેજોને સાર્વજનિક કર્યા હતાં. વિકિલીક્સે જણાવ્યું કે પ્રોસીક્યુટર્સે કોર્ટમાં અસાન્જે વિરુદ્ધ આરોપપત્ર દાખલ કર્યું છે. અસાન્જે વિરુદ્ધ કયા કયા આરોપ લગાવવામાં આવ્યાં છે, તેની હજુ સુધી કોઈ સૂચના નથી.
વિકિલીક્સે ટ્વિટર પર લખ્યું કે "અમેરિકાના ન્યાય વિભાગે 'દુર્ઘટનાવશ' વિકિલીક્સના પ્રકાશક જૂલિયન અસાન્જે વિરુદ્ધ સીલબંધ રખાયેલા આરોપો (આરોપોનો ડ્રાફ્ટ)નો જે ખુલાસો કર્યો તે તેની સાથે અસંગત કોઈ મામલામાં કટ એન્ડ પેસ્ટની ભૂલ લાગી રહી છે."
સહાયક અમેરિકી એટોર્ની કેલેન ડ્વેયરે અસાન્જે વિરુદ્ધ આરોપો લગાવવા અંગે અજાણતામાં ખુલાસો કર્યો જે હજુ પણ સીલબંધ છે. એટોર્નીએ કોઈ બીજા મામલે આરોપ પત્ર દાખલ કર્યું હતું અને જજને તેને સીલબંધ રાખવાની ભલામણ કરી હતી. ડ્વેયરે લખ્યું કે આરોપોને 'અસાન્જેની ધરપકડ સુધી સીલબંધ રાખવાની જરૂર' રહેશે.
અત્રે જણાવવાનું કે જૂલિયન અસાન્જે શારીરિક શોષણ અને બળાત્કારના આરોપમાં ધરપકડથી બચવા માટે ઈક્વાડોરમાં શરણ લઈ રહ્યા છે. અસાન્જેએ સ્વીડનમાં પ્રત્યાર્પણથી બચવા માટે 2012માં ઈક્વાડોરના દૂતાવાસમાં આશરો લીધો હતો. ત્યારબાદ સ્વીડને અસાન્જે પરથી સેક્સ અપરાધ સંબંધિત મામલાને હટાવ્યો હતો.
સ્વીડનના વકીલોએ ગત વર્ષ કેસ બંધ કરતા કહ્યું હતું કે અસાન્જેને નજીકના ભવિષ્યમાં સ્વીડન લાવવાની કોઈ શક્યતા નથી. આમ છતાં અસાન્જે દૂતાવાસમાં જ રહ્યાં કારણ કે જામીનનો મામલો ખતમ થવાના કારણે લંડનમાં તેમના પર ધરપકડની તલવાર લટકી રહી હતી. તેમના પર આરોપ છે કે સ્વીડનમાં પ્રત્યાર્પણથી બચવા માટે તેમણે જામીનની શરતો તોડીને દૂતાવાસમાં શરણ લીધી.