કેમ અચાનક પોતાના ગધેડાઓને ચીન મોકલી રહ્યું છે પાકિસ્તાન? કેમ પાકિસ્તાનના ગધેડાઓના પ્રેમમાં પડ્યું છે ચીન?
શું તમે જાણો છો કે, પાકિસ્તાનમાં ગધેડો અત્યારે એક રાજકીય મુદ્દો બની ગયો છે. પાકિસ્તાનના ગધેડાઓ અંગે બજેટ સત્રમાં પણ ચર્ચા કરવાની ફરજ પડી. એટલું જ નહીં પાકિસ્તાનના ગધેડાઓ પ્રત્યે ચીનને બહુ પ્રેમ છે એનું શું કારણ છે એ પણ જાણવા જેવું છે. આવા રસપ્રદ સવાલોના જવાબ જાણીએ આ આર્ટિકલમાં...
Donkey in Pakistan: પાકિસ્તાનના ગધેડાઓ પ્રત્યે ચીનને કેમ પ્રેમ છે? બન્ને દેશોના ગધેડાઓ અલગ-અલગ છે કે પછી સેઈમ છે? પાકિસ્તાનના ગધેડાઓને ભેગા કરીને ચીન શું કરવા બેઠું છે? પાકિસ્તાન કેમ અચાનક પોતાના ગધેડાઓને ચીન મોકલી રહ્યું છે? પાકિસ્તાનની સંસદમાં "ગધે રાજા કી સરકાર નહીં ચલેગી" નાં નારા કેમ લાગ્યાં આવા અનેક સવાલો હાલ ચર્ચાનો વિષય બન્યાં છે. ત્યારે આ તમામ સવાલોનો જવાબ તમને આ આર્ટિકલમાં મળી જશે.
હવે ગધેડાના આધારે આવક વધારવાના પાકિસ્તાનનાં દિવસો આવ્યા છે. સરકારે નાણાંકીય વર્ષ 2021-22નાં આંકડા જાહેર કર્યા. જે મુજબ, પાકિસ્તાનમાં આ વર્ષે ગધેડાની સંખ્યામાં વધારો થયો છે, સાથે જ ઘેડા, બકરા, ભેંસની સંખ્યા પણ વધી છે. આ અઠવાડિયે, પાકિસ્તાને નાણાકીય વર્ષ 2021-22 માટે હાથ ધરાયેલા તેના આર્થિક સર્વેના ડેટા જાહેર કર્યા છે. જે મુજબ દેશમાં અન્ય પ્રાણીઓની સરખામણીમાં ગધેડાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પાકિસ્તાન પોતાની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે કૃષિ અને પશુપાલનને પ્રાથમિકતા આપી રહ્યું છે. ચીનમાં ગધેડાની નિકાસ આ વ્યવસ્થાનો મોટો ભાગ છે.
દેશમાં 5.7 મિલિયન ગધેડા છે:
તાજેતરના સર્વે અનુસાર, 2021-2022માં પાકિસ્તાનમાં ગધેડાની વસ્તી વધીને 5.7 મિલિયન નોંધાઈ. અગાઉના નાણાંકીય વર્ષની વાત કરીએ તો, 2019-2020માં આ સંખ્યા 5.5 મિલિયન હતી. વિશ્વમાં સૌથી વધુ ગધેડા ધરાવતા દેશોમાં પાકિસ્તાન ત્રીજા ક્રમે છે.
ભેંસ, ઘેટા અને બકરાની સંખ્યામાં પણ વધારો થયો:
નાણાંમંત્રી મિફતાહ ઈસ્માઈલ દ્વારા બહાર પાડવામાં આવેલા આર્થિક સર્વેમાં દર્શાવાયુ છે કે, પાકિસ્તાનની GDP અગાઉની ઈમરાન ખાન સરકાર દ્વારા નિર્ધારિત લક્ષ્ય કરતાં વધુ ઝડપથી વધી છે. સર્વેક્ષણમાં દેશમાં રાજકીય ઉથલપાથલ છતાં GDPનો વૃદ્ધિ દર 5.97 ટકા રહેવાનો અંદાજ છે. દર વર્ષે ગધેડાની વસ્તીમાં 1 મિલિયનનો વધારો દર્શાવે છે કે પાકિસ્તાન પશુઓની નિકાસમાં કેટલુ અગ્રેસર છે.
પશુધન 4.4 ટકા વધ્યું:
પાકિસ્તાનનું કૃષિ ક્ષેત્ર તેના GDPમાં 14 ટકાનું યોગદાન આપે છે. એક્સપ્રેસ ટ્રિબ્યુને અહેવાલ આપ્યો છે કે ‘કૃષિ ક્ષેત્રે 4.4 ટકા વૃદ્ધિ નોંધાવી છે જે મુખ્યત્વે પાકમાં 6.6 ટકા અને પશુધનમાં 3.3 ટકાના વધારાને કારણે છે.’ પાકિસ્તાનમાં 8 મિલિયનથી વધુ ગ્રામીણ પરિવારો પશુ ઉત્પાદનનો વ્યવસાય ધરાવે છે. એક ન્યૂઝના અહેવાલ અનુસાર, ‘પશુધનનું કુલ મૂલ્યવૃદ્ધિ રૂ. 5,269 અબજ (2020-21) થી વધીને રૂ. 5,441 અબજ (2021-22) થઈ ગઈ છે, જે 3.26%ની વૃદ્ધિ દર્શાવે છે.’
ચીનને ગધેડાની જરૂર છે:
પાકિસ્તાનમાં વધી રહેલા ગધેડાની વસ્તી પર ધ્યાન એટલા માટે દોરાય છે, કારણકે પાકિસ્તાન મોટી સંખ્યામાં ચીનમાં ગધેડાની નિકાસ કરે છે. ચીનમાં આ પ્રાણીની ઘણી માંગ છે. ચીની દવાઓમાં ગધેડાની ચામડી અને જિલેટીનનો ખૂબ ઉપયોગ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીનની કંપનીઓ પાકિસ્તાનમાં ગધેડાના ઉત્પાદનમાં $3 બિલિયનનું રોકાણ કરવા તૈયાર છે. પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા બંનેની સરકારે ખાસ કરીને ચીનમાં ગધેડાઓની નિકાસ કરવા માટે પ્લાન્ટ સ્થાપ્યા છે.
ગધેડાની ચામડીનો ઉપયોગ દવામાં થાય છે:
ચીન વિશ્વમાં ગધેડાનું સૌથી મોટું સંવર્ધક દેશ હોવાનું કહેવાય છે. ચીનનો બાયોટેક ઉદ્યોગ ગધેડાની ચામડીનો ઉપયોગ ચાઈનીઝ દવાના પરંપરાગત મુખ્ય ઘટક તરીકે કરે છે. તેનો ઉપયોગ બ્લડ સર્ક્યુલેશન સુધારવા, એનિમિયા અને પ્રજનન સમસ્યાઓની સારવાર માટે પણ થાય છે. ઈસ્લામાબાદ અને બેઈજિંગ વચ્ચેની 'ઓલ-વેધર' મિત્રતા પણ ગધેડા પર આધારિત છે.
ગધેડો પણ રાજકીય મુદ્દો બની જાય છે:
પાકિસ્તાન માટે ગધેડો કેટલો મહત્વનો છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 2021માં પાકિસ્તાનની હિટ એનિમેટેડ ફિલ્મ ધ ડોન્કી કિંગ ચીનમાં રિલીઝ થઈ હતી. તે રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ છે. ગયા વર્ષે જ્યારે ગધેડાઓની સંખ્યા વધી ત્યારે ઈમરાન ખાન સરકારને નેશનલ એસેમ્બલીના બજેટ સત્રમાં જોરદાર વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ વિરોધીઓએ "ગધે રાજા કી સરકાર નહીં ચલેગી" નાં નારા લગાવ્યા હતા.