જાણો કોણ છે એ ખાલિસ્તાની આતંકવાદી નિજ્જર જેના માટે કેનેડાએ ભારત સાથે વેર બાંધ્યું
હાલમાં જ જી20 સમિટમાં દુનિયાભરના દેશોના વડાઓ ભારતના મહેમાન બન્યા હતાં. ત્યારે કેનેડાના પ્રધાનમંત્રી પણ ભારત આવ્યાં હતાં. જોકે, કેનેડા પહોંચ્યા બાદ તેમના સૂર બદલાઈ ગયા છે. એમના નિવેદનો પરથી સ્પષ્ટ લાગે છેકે, ભારત અને કેનેડાના સંબંધો બગડ્યાં છે....પણ શું છે એની પાછળનું કારણ એ પણ જાણીએ...
Hardeep Singh Nijjar Canada: સોમવારથી ભારત અને કેનેડાના સંબંધોમાં ભારે તણાવ છે. આ સંઘર્ષનું મૂળ કારણ ખાલિસ્તાન નેતા હરદીપ સિંહ નિજ્જર છે જેની જૂનમાં બ્રિટિશ કોલંબિયામાં હત્યા કરવામાં આવી હતી. પીએમ જસ્ટિન ટ્રુડોએ ભારત પર હત્યાનો દોષી હોવાનો આરોપ લગાવ્યો છે. કેનેડાએ સોમવારે ટોચના ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા. કેનેડાએ પોતાની ધરતી પર ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસ વચ્ચે આ પગલું ભર્યું છે. આ માટે તેણે ભારતને જવાબદાર ઠેરવ્યું છે.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે ભારત સરકારના એજન્ટો અને ખાલિસ્તાની આતંકવાદીની હત્યા વચ્ચે સંબંધ છે. આ વર્ષે 18 જૂને બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુદ્વારાની બહાર તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જરે સ્વતંત્ર ખાલિસ્તાની દેશના સ્વરૂપમાં શીખ વતનને સમર્થન આપ્યું હતું. જુલાઈ 2020માં ભારતે તેને 'આતંકવાદી' જાહેર કર્યો હતો.
ટ્રુડો કહી રહ્યા છે કે તેઓ કેનેડાના નાગરિક છે-
નિજ્જર પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) સાથે સંકળાયેલો હતો. તેઓ ગુરપતવંત સિંહ પન્નુન પછી સંગઠનમાં બીજા નંબરે હતા. ભારતના પંજાબ પોલીસના દસ્તાવેજો અનુસાર, તે જલંધરના ભરસિંહ પુરા ગામનો રહેવાસી હતો અને 1996માં કેનેડા ગયો હતો. જોકે, ગ્લોબલ ન્યૂઝનું કહેવું છે કે તે 1997માં કેનેડા આવ્યો હતો. નિજ્જર એ જ ગુરુદ્વારાના પ્રમુખ હતા જ્યાં તેમની હત્યા કરવામાં આવી હતી. આ પહેલાં તે કેનેડામાં પ્લમ્બર તરીકે કામ કરતો હતો. રસપ્રદ વાત એ છે કે, ટ્રુડો જેની વકીલાત કરી રહ્યા છે તે નિજ્જરે દેશમાં પ્રવેશવા માટે નકલી પાસપોર્ટનો ઉપયોગ કર્યો હતો અને પછી તેણે શરણાર્થી હોવાનો દાવો કર્યો હતો.
લગ્ન દ્વારા ઇમિગ્રેશન મેળવ્યું-
તેનો શરણાર્થી દાવો નકારી કાઢવામાં આવ્યો હતો, પરંતુ માત્ર 11 દિવસ પછી નિજ્જરે એક મહિલા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન ખરેખર કેનેડામાં ઇમિગ્રેશન મેળવવાનો એક માર્ગ બની ગયો. જોકે નિજ્જર હંમેશા પોતાને કેનેડાનો નાગરિક માનતો હતો. નિજ્જર કેનેડામાં શીખોને ખાલિસ્તાન પર જનમત માટે અપીલ કરી રહ્યો હતો. ખાલિસ્તાનનો ઉદ્દેશ્ય પંજાબ, ભારતને અલગ દેશ બનાવવાનો છે. નિજ્જરે આ હેતુ માટે સરેમાં શીખ ઇમિગ્રન્ટ્સ વચ્ચે અનૌપચારિક લોકમતનું આયોજન કર્યું હતું.
નિજ્જરની સંપત્તિમાં ઝડપથી વધારો થયો-
ખાલિસ્તાન તરફી પ્રવૃતિઓમાં સામેલ થવાને કારણે તેમની સંપત્તિ વર્ષોથી ઝડપથી વધી હતી.) જગતાર સિંહ તારાની આગેવાની હેઠળના બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના સભ્યપદ સાથે આતંકવાદમાં નિજ્જરની સંડોવણી શરૂ થઈ હતી. આ પછી તેણે પોતાનું સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF) બનાવ્યું. ભારતમાં ખાલિસ્તાનીઓને ઓળખવા, જોડવા, તાલીમ આપવા અને ધિરાણ આપવા બદલ તેની સામે 10 થી વધુ FIR નોંધવામાં આવી છે.