Iran-Israel Conflict: રશિયા અને યુક્રેન બાદ હવે બીજા બે દેશો વચ્ચે છેડાયું છે યુદ્ધ. આ દેશો છે ઈરાન અને ઈઝરાયેલ. ભારત સહિત હાલ દુનિયાભરની નજર આ બન્ને દેશોની ગતિવિધીઓ પર છે. કારણકે, ક્યારેય પણ કોઈ બે દેશો વચ્ચે યુદ્ધ થાય તો એ માત્ર બે દેશો પુરતું સીમિત નથી રહેતું પણ સમગ્ર દુનિયા પર તેનો પ્રભાવ પડે છે. ઈરાને ઈઝરાયલ પર હવાઈ હુમલો શરૂ કર્યો છે. 200 ડ્રોન અને મિસાઈલ છોડી ઈરાને ઈઝરાયલમાં રીસતરનો હાહાકાર મચાવ્યો છે. વળતો જવાબ આપવા નેતન્યાહૂએ વોર કેબિનેટની મીટિંગ કરી છે. સાથે આ મામલે ઈઝરાયેલે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનને ફોન કર્યો અને સમગ્ર મામલે વિગતવાર વાતચીત કરી છે. આ મામાલે હવે ઈઝરાયેલ પણ જવાબી કાર્યવાહી કરશે તે અંગે પણ અમેરિકાને જાણકારી આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે. ઈરાને ઈઝરાયેલ તરફ સેંકડો ડ્રોન છોડ્યા છે. બીજી તરફ ઈઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમ તૈયાર છે. ઈરાની ડ્રોન લોન્ચ થયા બાદ ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) હાઈ એલર્ટ પર છે. ઈઝરાયેલના સૂત્રોએ દાવો કર્યો છે કે સરહદમાં પ્રવેશતા પહેલા 100 ડ્રોનને રોકવામાં આવ્યા હતા. તે જ સમયે, જોર્ડન, ઇરાક અને લેબનોને તેમની એરસ્પેસ બંધ કરી દીધી હતી. ઈરાનના ડ્રોન હુમલા પર ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ઈઝરાયેલની સેના ઈરાન સામે લડવા માટે તૈયાર છે. સેનાની સાથે સામાન્ય લોકો પણ મજબૂત છે.


ઈઝરાયેલ બદલો લેશે-
તણાવ વચ્ચે જોર્ડન સહિત અનેક દેશોએ એરસ્પેસ બંધ કરી દીધી છે. વિમાનોને એરસ્પેસમાં પ્રવેશ ન કરવાનો આદેશ છે. ઈરાની ડ્રોન હુમલા પર ઈઝરાયેલી સેનાએ કહ્યું કે અમે કોઈપણ પ્રકારના હુમલાનો સામનો કરવા માટે તૈયાર છીએ. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈરાન પર ટૂંક સમયમાં હવાઈ હુમલો થઈ શકે છે. ઈઝરાયેલની વાયુસેનાની તૈયારીઓ જોરદાર છે. ઈરાન સામે જવાબી કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે.


ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર ઈઝરાયલના મિલિટરી બેસને નુકસાન થયું છે. ઈઝરાયલની સેનાએ કહ્યું કે અમે ઈરાનમાં કેટલાક ડ્રોન ઉડતા જોયા છે, જેને અહીં પહોંચવામાં થોડા કલાકો લાગશે. ઈરાનની સેનાએ લગભગ 200 ડ્રોન અને મિસાઈલોથી ઈઝરાયલ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. ઈઝરાયલની સેનાએ શનિવારે મોડી રાત્રે આ હુમલાની જાણકારી આપી હતી. અમેરિકી સેનાએ કેટલાક ડ્રોન તોડી પાડ્યા છે. તે જ સમયે ઈઝરાયલના આયર્ન ડોમે ઈરાન દ્વારા છોડવામાં આવેલી મિસાઇલોને અટકાવી દીધી હતી.


ઈઝરાયલની એક ન્યૂઝ ચેનલે અહેવાલ આપ્યો છે કે ઈરાને ડ્રોન હુમલા શરૂ કર્યા છે. અહીં માહોલ તંગ બન્યો છે. સીરિયા અને જોર્ડનમાં કેટલાક ડ્રોનને ઠાર કરવામાં આવ્યા છે. જોકે, 1 એપ્રિલના રોજ ઇઝરાયલે સીરિયામાં ઈરાની એમ્બેસી નજીક હવાઈ હુમલો કર્યો હતો. જેમાં ઈરાનના બે ટોચના આર્મી કમાન્ડર સહિત 13 લોકો માર્યા ગયા હતા. આ પછી ઈરાને બદલો લેવા ઈઝરાયલ પર હુમલો કરવાની ધમકી આપી હતી. તણાવ વચ્ચે નાટોના સભ્ય તુર્કીએ કહ્યું છે કે તે ઈરાન વિરુદ્ધ તેની એરસ્પેસનો ઉપયોગ કરવા દેશે નહીં.


બે દેશોની લડાઈ વચ્ચે ભારતનો શાંતિ સંદેશઃ
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેની લડાઈ મુદ્દે ભારતે શાંતિનો પ્રસ્તાવ મૂક્યો છે. ભારતે કહ્યું- તણાવ ખતમ કરી શાંતિથી વિવાદનો ઉકેલ લાવવાની જરૂર છે.
ભારતના વિદેશ મંત્રાલયે ઈરાનના ઈઝરાયલ પરના હુમલાને લઈને નિવેદન જાહેર કર્યું છે. મંત્રાલયે કહ્યું, "ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલો વિવાદ ક્ષેત્રની શાંતિ અને સુરક્ષા માટે જોખમ છે. અમે તાત્કાલિક તણાવને સમાપ્ત કરવા અને હિંસા બંધ કરવાની અપીલ કરીએ છીએ. બંને દેશોએ રાજદ્વારી દ્વારા વિવાદનો ઉકેલ લાવવો જોઈએ." વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે આ મામલે નજર રાખી રહ્યા છીએ. બંને દેશોમાં હાજર અમારા દૂતાવાસ ત્યાં રહેતા ભારતીય નાગરિકોના સંપર્કમાં છે. વિસ્તારમાં શાંતિ જાળવવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.