કોણ છે આ લોકો જે ક્યારે નથી થતા ઘરડા? જાણો 150 વર્ષ સુધી જીવતા જુવાનીયાઓની કહાની
અનિયમિત જીવનશૈલીના કારણે દુનિયાભરમાં મોટાભાગના લોકો શારીરિક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. પરંતુ પાકિસ્તાનની એક ઘાટીમાં આ બધી સમસ્યાઓથી ઘણા દૂર છે. પાકિસ્તાનની હુંજા ઘાટીમાં હુંજા સમુદાયના લોકો શારીરિક રીતે ઘણા મજબૂત હોય છે અને તેમને ભાગ્યે જ હોસ્પિટલ જવાની જરૂર પડે છે.
નવી દિલ્લીઃ સાંભળવામાં વિચિત્ર લાગે છે કે ભૂખ લાગે તો અખરોટ, અંજીર, જરદાલુ ખાઓ, તરસ લાગે તો નદીનું પાણી પી લો, હળવી બીમારી હોય તો આજુબાજુ ઉગાડેલી જડીબૂટીથી સારવાર કરો, ક્યાંક જવાનું હોય તો કિલોમીટર સુધી ચાલીને જાઓ અને 120 વર્ષનું સ્વસ્થ જીવન પસાર કરો. સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે શહેરોમાં રહેનારા લોકોને દવાઓનો ડોઝ વધવા લાગે છે. પરંતુ કાશ્મીરમાં હુંજા ઘાટી એક એવી જગ્યા છે જ્યાંના લોકોને એ ખબર નથી કે દવા આખરે શું હોય છે. અહીંયાના લોકો સામાન્ય રીતે 120 વર્ષ કે તેનાથી વધારે જીવતા રહે છે અને મહિલાઓ 65 વર્ષની ઉંમર સુધી ગર્ભધારણ કરી શકે છે.
જ્યારે લંડન એરપોર્ટ પર ઉતર્યો 152 વર્ષનો માણસ:
1984માં લંડનના હિથ્રો એરપોર્ટ પર અબ્દુલ મોબટ નામનો એક વ્યક્તિ પહોંચ્યો. આમ તો અહીંયા દરરોજ હજારો મુસાફર આવતા જતાં હોય છે પરંતુ અબ્દુલ સૌથી અલગ નીકળ્યો. એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન બધા ઓફિસર હેરાન રહી ગયા જ્યારે તેમણે અબ્દુલના પાસપોર્ટ પર તેમના બર્થ-ડે યરની જગ્યા પર સન 1832 લખેલું હતું. તેમને કદાચ એવું લાગ્યું કે આ કોઈ પ્રકારની ભૂલ છે. જેના કારણે અબ્દુલની ઉંમર વિશે ક્રોસ ચેક કરવામાં આવ્યું. કોઈને એ વિશ્વાસ થતો ન હતો કે સામે ઉભેલી વ્યક્તિની ઉંમર 152 વર્ષ છે. અને આ ઉંમરમાં તે એકદમ સહી સલામત તેમની સામે ઉભું છે. આ ઘટનાનો ઉલ્લેખ 1984માં હોંગકોંગમાં છપાયેલા એક રોચક લેખમાં કરવામાં આવ્યું હતું. 152 વર્ષનો આ વ્યક્તિ એક હુંજા હતો,.
હુંજા સમુદાયના લોકોને કેન્સર સ્પર્શ કરી શકતું નથી:
ગિલગિટ-બાલ્ટિસ્તાનના પહાડોમાં આવેલી હુંજા ઘાટી ભારત અને પાકિસ્તાનની વચ્ચે નિયંત્રણ રેખાની પાસે આવેલી છે. આ પ્રજાતિના લોકોની સંખ્યા લગભગ 87,000 છે. આધુનિક સમયમાં દિનચર્યાનો ભાગ બની ચૂકેલી હાર્ટ એટેકની બીમારી, ઓબેસિટી, બ્લડ પ્રેશર, કેન્સર જેવી બીમારીનો હુંજા જનજાતિના લોકોએ ભાગ્યે જ નામ સાંભળ્યું હશે. તેમના સારા સ્વાસ્થ્યનું રહસ્ય તેમની જીવનશૈલી છે. અહીંયાના લોકો પહાડોની સ્વચ્છ હવા અને પાણીમાં પોતાનું જીવન વ્યતીત કરે છે.
જે ઉગાડે છે તે જ ખાય છે:
આ લોકો ખૂબ ચાલે છે અને કેટલાંક મહિના સુધી માત્ર જરદાલુ જ ખાય છે. આ લોકો તે જ ખાય છે જે જમીનમાં ઉગાડે છે. જરદાલુ સિવાય સૂકા મેવા, શાકભાજી અને અનાજમાં પણ જવ, બાજરી અને બકવ્હીટ આ લોકોનો મુખ્ય આહાર છે. તેમાંથી ફાઈબર અને પ્રોટીનની સાથે શરીર માટે જરૂરી મિનરલ્સ હોય છે. આ લોકો અખરોટનો વધારે ઉપયોગ કરે છે. તડકામાં સૂકવેલા અખરોટમાં બી-17 કમ્પાઉન્ડ મળી આવે છે, જે કેન્સરથી બચાવવામાં મદદગાર રહે છે.
હુંજા સમુદાયની મહિલાઓ 65 વર્ષે પણ બાળકને આપી શકે છે જન્મ:
દુનિયામાં આજે પણ લોકો આ સમુદાય વિશે વધારે કંઈ જાણતા નહીં હોય. પરંતુ તેમના વિશે જાણવા જેવું ઘણું બધું છે. અમે અહીંયા વાત કરી રહ્યા છીએ નોર્થ પાકિસ્તાનના કારાકોરમ પર્વતમાળાની હુંજા વેલીમાં રહેનારા હુંજા સમુદાયના લોકોની. તેમની વસ્તી તો વધારે નથી પરંતુ તેમને દુનિયાના સૌથી લાંબી ઉંમર ધરાવતા, ખુશ રહેનારા અને સ્વસ્થ લોકોમાં ગણવામાં આવે છે. હુંજા સમુદાયના સ્વાસ્થ્યનું અનુમાન તેના પરથી લગાવી શકાય કે આજ સુધી આ સમુદાયનો એકપણ માણસ કેન્સરનો શિકાર બન્યો નથી. હુંજા સમુદાયની મહિલાઓ 65 વર્ષની ઉંમર સુધી બાળકને જન્મ આપી શકે છે.
સિકંદરને માને છે વંશજ:
સિકંદરને પોતાના વંશજ માનનારા હુંજા સમુદાયના લોકોની અંદરની અને બહારની તંદુરસ્તીનું રહસ્ય અહીંયાની આબોહવા છે. અહીંયા ગાડીઓનો ધુમાડો પણ નથી અને પ્રદૂષિત પાણી પણ નથી. લોકો ખૂબ મહેનત કરે છે અને વધારે ચાલે છે. જેનું પરિણામ એ છે કે અહીંયા લગભગ 60 વર્ષ સુધી લોકો યુવાન જેવા જ લાગે છે અને મૃત્યુ સુધી બીમારીથી દૂર રહે છે. હુંજા ધાટી અત્યારે પાક અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેમાં છે.
દુનિયાભરના ડોક્ટર છે હેરાન:
દુનિયાભરના ડોક્ટરોએ પણ માન્યું કે તેમની જીવનશૈલી જ તેમના લાંબા આયુષ્યનું રહસ્ય છે. તે લોકો સવારે વહેલા ઉઠી જાય છે. આ ઘાટી વિશે અને તેના લોકો વિશે જાણકારી મળ્યા પછી ડૉ.જે.મિલ્ટન હોફમેને હુંજા લોકોના દીર્ઘાયુ થવાનું રહસ્યની માહિતી મેળવવા માટે હુંજા ઘાટીનો પ્રવાસ કર્યો. તેમનો નિષ્કર્ષ 1968માં આવેલ પુસ્તક હુંજા- સીક્રેટ્સ ઓફ ધ વર્લ્ડ્સ હેલ્ધીએસ્ટ એન્ડ ઓલ્ડેસ્ટ લિવિંગ પીપલમાં પ્રકાશિત થયો હતો. આ પુસ્તકને માત્ર હુંજાના જીવનશૈલીની સાથે સાથે સ્વસ્થ જીવનના રહસ્યોને ઉજાગર કરવાની દિશામાં એક માઈલસ્ટોન માનવામાં આવે છે.
કુદરતની નજીક ખુશ અને સ્વસ્થ:
શહેરી જિંદગીએ ભલે માણસ માટે સુવિધાઓના દરવાજા ખોલ્યા હોય, પરંતુ તેના બદલામાં ભારે કિંમત પણ વસૂલ કરી છે. કુદરતની નજીક રહેનારા લોકો આજેપણ ખુશ અને સ્વસ્થ છે. આધુનિકતાની આંધળી દોટમાં આપણે તો ભાગી રહ્યા છીએ પરંતુ બીમારીઓનો ભારો વધતો જાય છે અને ઉંમરની દોરી નાની થતી જાય છે.