ભારત-પાકિસ્તાનનું યુદ્ધ થાય તો પણ આ વિસ્તારોમાં નહીં કરી શકાય હુમલો, જાણો કારણ
27 જાન્યુઆરી 1991 ના રોજ હસ્તાક્ષર કરાયેલ કરારની કલમ-II ની જોગવાઈઓ અનુસાર આ મથકોની સૂચિની અદલાબદલી કરવામાં આવે છે.
નવી દિલ્હીઃ શું તમે ક્યારેય વિચાર્યું છેકે, જો ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થાય તો શું સ્થિતિ થાય? બન્ને દેશો પાસે મોટી માત્રામાં પરમાણું બોમ્બ જેવી વિનાશક તાકાત છે. આ બોમ્બ જો એક બીજાના દેશ પર નાંખવામાં આવે તો શું હાલત થાય? આ સવાલ જ એટલે ભયાનક છે કે તેના વિચાર માત્રથી પણ ડર લાગે છે. ત્યારે હવે એ જાણીએ કે ભારત અને પાકિસ્તાને હાલમાં પોતપોતાના પરમાણું મથકોની યાદી એક એકબીજાને સોંપી શું છે તેની પાછળનું કારણ?
ભારત અને પાકિસ્તાને રવિવારે એકબીજાને તેમના પરમાણુ મથકોની યાદી સોંપી છે જેના પર દુશ્મનાવટ વધવાના કિસ્સામાં હુમલો કરી શકાશે નહીં. બંને પાડોશી દેશો છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી આવું કરી રહ્યા છે. તેની પાછળ બંને દેશો વચ્ચે એક સમજૂતી છે, જે અંતર્ગત બંનેએ આ યાદી આપવાની હોય છે. 31 ડિસેમ્બર 1988 ના રોજ હસ્તાક્ષર કરાયેલ કરાર હેઠળ પરમાણુ લક્ષ્યો અને ઉપકરણો પર હુમલા પ્રતિબંધિત છે. 27 જાન્યુઆરી 1991 ના રોજ હસ્તાક્ષર કરાયેલ કરારની કલમ-II ની જોગવાઈઓ અનુસાર આ મથકોની સૂચિની અદલાબદલી કરવામાં આવે છે.
કરાર હેઠળ, પાકિસ્તાનમાં પરમાણુ સાઇટ્સ અને ઉપકરણોની સૂચિ રવિવારે ઇસ્લામાબાદમાં વિદેશ મંત્રાલયમાં ભારતીય હાઇ કમિશનના પ્રતિનિધિને સત્તાવાર રીતે સોંપવામાં આવી હતી. તેમજ, ભારતીય વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના પ્રતિનિધિને તેના પરમાણુ સાઇટ્સ અને ઉપકરણોની સૂચિ પણ સોંપી છે. આ અદલાબદલી બંને દેશો વચ્ચે કાશ્મીર મુદ્દે તેમજ સીમાપાર આતંકવાદને લઈને તણાવ વચ્ચે થઈ છે. મે 2008માં હસ્તાક્ષર કરાયેલ કોન્સ્યુલર એક્સેસ પરના કરારની જોગવાઈઓ હેઠળ આ યાદીઓની આપ-લે કરવામાં આવે છે.