વિશ્વમાં સૌ પ્રથમ વખત મેલેરિયાની રસી કરાઈ લોન્ચ
પાઈલોટ પ્રોગ્રામ અંતર્ગત RTS, S નામની આ રસી માલાવીમાં 2 વર્ષ સુધીના બાળકોને આપવામાં આવશે
નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા બુધવારે વિશ્વની સૌ પ્રથમ મેલેરિયાની રસી લોન્ચ કરવામાં આવી છે. પાઈલોટ પ્રોગ્રામ અંતર્ગત માલાવીમાં 2 વર્ષ સુધીના બાળકોને આ રસી આપવામાં આવશે.
WHO દ્વારા આ અંગે માહિતી આપતા જણાવાયું કે, 'RTS,S, નામની આ રસીને માલાવીમાં પાઈલોટ પ્રોગ્રામ અંતર્ગત લોન્ચ કરવામાં આવી છે. અહીં 2 વર્ષ સુધીના બાળકોને આ રસી આપવામાં આવશે. આગામી સપ્તાહમાં ઘાના અને કેન્યામાં પણ આ રસીને લોન્ચ કરવામાં આવશે.'
આજે પણ ઘાતક બિમારી છે મેલેરિયા
- મેલેરિયા આજે પણ વિશ્વમાં સૌથી મોટો ઘાતક રોગ છે અને દર બે મિનિટે એક બાળકનું મેલેરિયાના કારણે મોત થાય છે.
- આફ્રિકામાં દર વર્ષે 2.50 લાખ બાળકો મેલેરિયાને કારણે મોતને ભેટે છે.
- WHOના જણાવ્યા પ્રમાણે 5 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને મેલેરિયા થવાનું જોખમ સૌથી વધુ હોય છે.
- સમગ્ર વિશ્વમાં દર વર્ષે 4,35,000 લોકો મેલેરિયાના કારણે મૃત્યુ પામે છે.
આ અંગે માહિતી આપતા WHOના ડિરેક્ટર જનરલ ડો. ટેડરોસ અધાનોમ ગેબ્રિયેસુસે જણાવ્યું કે, "મચ્છરદાની અને અન્ય પગલાંઓ દ્વારા છેલ્લા 15 વર્ષમાં આપણે મેલેરિયા પર ઘણો બધો કાબુ મેળવી લીધો છે. મેલેરિયાને નાથવા માટે આપણે વધુ લડાઈ લડવાની જરૂર છે અને આ રસી તેમાં મહત્વનો ભાગ ભજવશે. મેલેરિયાની આ રસીને કારણે હવે લાખો બાળકોનો જીવ બચાવી શકાશે."
જો ભારતીય ગુપ્તચર અધિકારીઓની વાત માની હોત તો શ્રીલંકા શ્રેણીબદ્ધ વિસ્ફોટથી બચી જતું
30 વર્ષની મહેનતના અંતે નિર્માણ
મેલેરિયાની રસી RTS,Sનું નિર્માણ 30 વર્ષની મહેનતના અંતે થયું છે. આ પ્રથમ અને એકમાત્ર રસી છે જે બાળકોમાં થયેલા મેલેરિયાને એક ચોક્કસ ધોરણ સુધી નીચે લઈ જાય છે. આ રસીના પ્રાયોગિક પરિણામમાં જાણવા મળ્યું છે કે, તેના વડે મેલેરિયાના 10 કેસમાંથી 4 કેસને બચાવી શકાય છે અને જીવનું જોખમ હોય એવા મેલેરિયાના કિસ્સામાં 10માંથી 3ને બચાવી શકાય છે.
ગ્લેક્સો સ્મિથક્લાઈમ દ્વારા રસીનું નિર્માણ
આ રસીનું નિર્માણ ગ્લેક્સ સ્મિથક્લાઈમ(GSK) દ્વારા કરવામાં આવ્યું છે. કંપની દ્વારા માલાવી, ઘાના અને કેન્યામાં પાઈલોટ પ્રોગ્રામ માટે 10 મિલિયન (1 કરોડ) રસી દાનમાં આપવામાં આવી છે.