Xi Jinping and Joe Biden Talk: પોતાના વિસ્તારવાદી વલણના કારણે દુનિયા માટે જોખમ બની રહેલું ચીન  હવે દુનિયાના એકમાત્ર સુપરપાવર અમેરિકાને પણ ધમકાવી રહ્યું છે. તેણે અમેરિકાને એકવાર ફરીથી ધમકી આપી કે જો તેણે તાઈવાન મામલે ટાંગ અડાવી તો તેને ખુબ ભારે પડશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે ગુરુવારે ટેલિફોન પર થયેલી વાતચીતમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે ધમકીભર્યા શબ્દોનો ઉપયોગ કરતા કહ્યું કે તાઈવાન મામલો ઉઠાવીને અમેરિકા આગ સાથે ખેલી રહ્યું છે અને તેના પર ચીન ચૂપ બેસશે નહીં. જિનપિંગની ખુલ્લી ધમકી છતાં બાઈડેન ચૂપચાપ સાંભળતા રહ્યા અને વેપારી સંબંધો વધારવા પર ભાર મૂકતા રહ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'તાઈવાન ચીનનું અભિન્ન અંગ'
જો બાઈડેન સાથે લગભગ સવા બે કલાક ચાલેલી વાતચીતમાં શી જિનપિંગે કહ્યું કે તાઈવાન ચીનનું જ એક અંગ છે અને તે તાઈવાનની સ્વતંત્રતાને સપોર્ટ કરનારી તાકાતોનો વિરોધ કરે છે. ચીની રાષ્ટ્રપતિએ કહ્યું કે ચીનના સાર્વભૌમત્વ અને ક્ષેત્રીય અખંડિતતાની સુરક્ષા કરવી એ ચીનના દોઢ અબજ લોકોની દ્રઢ ઈચ્છા છે. આ દ્રઢ ઈચ્છાને કોઈ પણ રીતે ટાળી શકાય નહીં. જિનપિંગે અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસીના આગામી તાઈવાન પ્રવાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે આમ કરીને અમેરિકા આગ સાથે ખેલી રહ્યું છે અને ઈતિહાસ સાક્ષી છે કે જે આગ સાથે ખેલે છે તે તેનાથી જ નષ્ટ થઈ જાય છે. 


અમેરિકાએ પરિણામ ભોગવવું પડશે
જો બાઈડનને સલાહ આપતા શી જિનપિંગે કહ્યું કે આશા છે કે અમેરિકા નેન્સી પેલોસીના મામલાને જોશે અને પોતાની એક ચીનની નીતિથી કોઈ પણ હાલતમાં તે પાછળ હટશે નહીં. ચીને કહ્યું કે જો પેલોસી તાઈવાનના પ્રવાસે જશે તો તે એક ઉશ્કેરણીજનક કાર્યવાહી ગણશે અને અમેરિકાએ તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે. 


ચીની રાષ્ટ્રપતિએ કહ્યું કે હાલના સમયમાં દુનિયામાં અશાંતિ અને બદલાવનો દોર ચાલુ છે. આવામાં દુનિયાભરના લોકો આશા રાખે છે કે ચીન અને અમેરિકા મળીને વિશ્વ શાંતિને જાળવી રાખવામાં મદદ કરશે અને વૈશ્વિક આર્થિક વિકાસને આગળ વધારશે. બંને દેશોએ આ વૈશ્વિક જવાબદારીને ગંભીરતાથી ઉઠાવવી જોઈએ. શીએ કહ્યું કે તાઈવાનના મુદ્દે ચીનનો દ્રષ્ટિકોણ દુનિયા જાણે છે અને તેને વારંવાર દોહરાવવાની જરૂર નથી. 


અમેરિકાએ ચીનને કરી હતી ભલામણ
ફોન કોલ દરમિયાન બંને નેતાઓએ અમેરિકા અને ચીનના સંબંધને આગળ વધારવાની વાત કરી. આ સંવાદ અમેરિકાની  ભલામણ પર કરાયો હતો. આ અગાઉ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા પ્રવક્તા જ્હોન કિર્બીએ બુધવારના રોજ બંને દશોના સંબંધો વિશે જાણકારી આપી હતી. કિર્બીએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ જો બાઈડેન ચીની રાષ્ટ્રપતિ સાથે વાતચીતના રસ્તા ખુલ્લા કરવાની જરૂરીયાત મહેસૂસ કરે છે. 


'તાઈવાનની સ્વતંત્રતાનું સમર્થન નહીં'
બેઠકમાં બાઈડેને આશ્વાસન આપ્યું કે તેઓ તાઈવાનની સ્વતંત્રતાનું સમર્થન કરતા નથી કે ક્યારેય કરશે નહીં. બાઈડેને કહ્યું કે અમેરિકા વન ચાઈના પોલીસીને માને છે અને તે તેના પર ટકી રહેશે. વાતચીત દરમિયાન બંને નેતા ભવિષ્યમાં ફેસ ટુ ફેસ મિટિંગ કરવા માટે પણ સહમત થયા. બંને નેતાઓએ અમેરિકા અને ચીન વચ્ચેના કારોબારી સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા કરી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube