રૂસની યાત્રા પર પીએમ મોદી, સોચી શહેરમાં રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી મુલાકાત
પીએમ મોદીએ સોચીમાં કહ્યું કે, ભારત અને રશિયા લાંબા સમયથી મિત્રો રહ્યાં છે. હું આભારી છું કે રાષ્ટ્રપતિ પુતિને મને સોચીમાં આ અનૌપચારિક બેઠક માટે આમંત્રિત કર્યા છે.
સોચી (રૂસ): વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે સોચી શહેરમાં મુલાકાત કરી. બંન્ને નેતાઓ એકબીજાને ગળે મળ્યા. ત્યારબાદ બંન્ને નેતાઓએ પોતાનું અનૌપચારિક શિખર સંમેલન શરૂ કરી દીધું. પીએમ મોદીએ સોચીમાં કહ્યું કે, ભારત અને રશિયા લાંબા સમયથી મિત્ર રહ્યાં છે. હું આભારી છું કે રાષ્ટ્રપતિ પુતિને મને સોચીમાં આ અનૌપચારિક બેઠક માટે આમંત્રિત કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, રશિયાએ ભારતને એનસીઓ (SCO)માં કાયમી સભ્યદપ અપાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું કે, અમે ઈન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC) પર અને BRICS માટે મળીને કામ કરી રહ્યાં છીએ.
આ અનૌપરાચિક શિખર બેઠકમાં વૈશ્વિક અને ક્ષેત્રિય મુદ્દા સિવાય ઈરાનની સાથે પરમાણુ સમજુતીથી અમેરિકાનું દૂર થવા પર વિશેષ રૂપે ચર્ચા થશે. સત્તાવાર સૂત્રો પ્રમાણે મોદી અને પુતિન વચ્ચે કોઇપણ એજન્ડા વગર વાતચીત થશે.
પીએમે પુતિનને કહ્યું, મને ફોન પર શુભેચ્છા આપવાનો અવસર મળ્યો હતો, પરંતુ આજે મળીને શુભેચ્છા આપવાનું સૌભાગ્ય મળ્યું. ભારતના સવાસો કરોડ દેશવાસિઓ તરફથી તમને ખૂબ-ખૂબ શુભકામનાઓ. વર્ષ 2000માં પદભાર સંભાળ્યા બાદ તમારો ભારત સાથે અતૂટ સંબંધ રહ્યો છે.
પીએમ મોદીએ પુતિનને કહ્યું કે, પ્રથમવાર રૂસના રાષ્ટ્રપતિ બન્યા બાદ તમે ભારત આવ્યા હતા, તે સમયે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા. આ દરમિયાન તમે ભારતને જીવંત લોકતંત્ર ગણાવ્યું હતું. તેને લઈને ભારતના લોકો તમને આજે પણ યાદ કરે છે. ભારત અને રૂસ જૂના મિત્રો છે અને તેનો સંબંધ અતૂટ છે.