B'day SPL : હોટલમાં ધોયા વાસણ અને કામ કર્યું કોલસા વીણવાનું, ઓમ પુરીના જીવનના કિસ્સાઓ છે રસપ્રદ 

66 વર્ષની વયે દિગ્ગજ એક્ટર ઓમ પુરીનું અવસાન થઈ ગયું હતું

B'day SPL : હોટલમાં ધોયા વાસણ અને કામ કર્યું કોલસા વીણવાનું, ઓમ પુરીના જીવનના કિસ્સાઓ છે રસપ્રદ 

નવી દિલ્હી : બોલિવૂડથી માંડીને હોલિવૂડ સુધીની ફિલ્મોમાં પોતાની દમદાર એક્ટિંગથી ખાસ સ્થાન મેળવી ચૂકેલા એક્ટર ઓમ પુરીનો જન્મ 18 ઓક્ટોબર, 1950ના દિવસે થયો હતો. 66 વર્ષની વયે ઓમ પુરીનું અવસાન થયું હતું અને તેઓ જીવંત હોત તો આજે પોતાનો 68મો જન્મદિવસ સેલિબ્રેટ કરતા હોત. અંબાલામાં જન્મેલા ઓમ પુરીએ એક તબક્કે પૈસાની કમીના કારણે હોટેલમાં વાસણ ધોવા પડ્યા હતા. 

પંજાબી પરિવારમાં જન્મેલા ઓમ પુરીના પિતા રેલવેમાં કર્મચારી હતા અને તેમને સિમેન્ટની ચોરીના આરોપમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. આ સંજોગોમાં પરિવાર બેઘર થઈ ગયો હતો અને તેમની આર્થિક હાલત બગડી ગઈ હતી. મોટાભાઈ વેદ પ્રકાશ પુરીએ રેલવે પ્લેટફોર્મ પર કુલીનું કામ કર્યું હતું અને ઓમ પુરીએ એક ઢાબા પર વાસણ ઘસવાનું શરૂ કરી દીધું હતું. આ સિવાય ઓમ પુરી પોતાના મોટા ભાઈના બાળકો સાથે નજીકના રેલવે ટ્રેકથી કોલસા વીણવાનું કામ પણ કરતા હતા. 

કોલેજમાં ઓમ પુરીનો પરિચય પંજાબી થિયેટરના પિતા ગણાતા હરપાલ તિવાના સાથે થયો અને તેમને થિયેટરમાં રસ પડવા લાગ્યો. ઓમ પુરી પંજાબથી નીકળીને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, દિલ્હીમાં એક્ટિંગમાં પાઠ ભણવા લાગ્યા. એનએસડીમાં તેમની મુલાકાત નસિરુદ્દીન શાહ સાથે થઈ અને તેણે ઓમ પુરીને પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં એડમિશન લેવાની સલાહ આપી. 

ઓમ પુરીએ પોતાની કરિયરની શરૂઆત મરાઠી નાટક પર આધારિત ફિલ્મ 'ઘાસીરામ કોતવાલ'થી કરી હતી અને 1980માં આવેલી 'આક્રોશ' ઓમ પુરીની સૌથી પહેલી હિટ ફિલ્મ સાબિત થઈ હતી. તેમણે પોતાના જીવનમાં લગભગ 300થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. ઓમ પુરીએ બોલિવૂડ સિવાય 'ઇસ્ટ ઇઝ ઇસ્ટ', 'સિટી ઓફ જોય' અને 'વુલ્ફ' જેવી હોલિવૂડની ફિલ્મોમાં કામ કર્યુ હતું. ઓમ પુરીનું 6 જાન્યુઆરી, 2017ના દિવસે 66 વર્ષની વયે હાર્ટ અટેકને કારણે અવસાન થઈ ગયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news