ચોમાસામાં અમદાવાદના રસ્તા કેમ અપાવે છે ચંદ્રની યાદ? ઘરેથી નીકળો તો તમારા જોખમે નીકળજો!

અમદાવાદ મહાનગર પાલિકાના સત્તાધીશો તમને આ અનુભવ શહેરમાં જ કરાવશે, એ પણ મફતમાં! તમે અમદાવાદના રસ્તા પર નીકળશો તો ચંદ્રની ખાડાવાળી જમીન પર હોવાનો અહેસાસ થશે.

ચોમાસામાં અમદાવાદના રસ્તા કેમ અપાવે છે ચંદ્રની યાદ? ઘરેથી નીકળો તો તમારા જોખમે નીકળજો!

ઝી બ્યુરો/અમદાવાદ: શહેરના રસ્તાની ગુણવત્તા પર કોઈ પણ સીઝનમાં ગર્વ લઈ શકાય તેમ નથી. એમાં પણ ચોમાસામાં તો રસ્તાનું હોવું, ન હોવું એક સમાન થઈ જાય છે. આ ચોમાસામાં પણ એવું જ થયું છે. ઠેર ઠેર રસ્તા પર ગાબડાંનું સામ્રાજ્ય છે. લોકો જીવના જોખમે રસ્તા પર નીકળે છે. ચંદ્રની જમીનના દ્રશ્યો તો તમે જોયા હશે. પણ જો તમારે આ પ્રકારની જમીન પર ચાલવાનો પ્રત્યક્ષ અનુભવ લેવો હોય તો ચંદ્ર પર જવાની જરૂર નથી.  

અમદાવાદ મહાનગર પાલિકાના સત્તાધીશો તમને આ અનુભવ શહેરમાં જ કરાવશે, એ પણ મફતમાં! તમે અમદાવાદના રસ્તા પર નીકળશો તો ચંદ્રની ખાડાવાળી જમીન પર હોવાનો અહેસાસ થશે. આ અનુભવ તમને નહીં ગમે, પણ ચંદ્ર પર હોવાની ધારણા કરીને તમે વાસ્તવિકતાને ભૂલી શકો છો. ચોમાસમાં શહેરના રસ્તાની આ દુર્દશા રસ્તાની ગુણવત્તા પ્રત્યેની સત્તાધીશોની ગંભીરતા છતી કરે છે. વરસાદ ઓછો પડે કે વધારે ચોમાસામાં અમદાવાદનું ખાડા અને ભૂવાનગરી બનવું નક્કી જ હોય છે. 

અત્યારે અમદાવાદના દરેક ઝોન અને દરેક વિસ્તારમાં જોવા મળશે. વરસાદ વચ્ચે ખાડામાં પાણી ભરાય, ત્યારે વાહનચાલકોની હાલત કફોડી બનતી હોય છે. અકસ્માત અને વાહન સ્લીપ થઈ જવાની ઘટનાઓ જીવલેણ પણ સાબિત થાય છે. શહેરની જનતા જ્યાં બિસ્માર રસ્તાથી ત્રસ્ત છે, ત્યાં મનપાના શાસકોએ જનતાની હાલાકીમાંથી આનંદ અને ગૌરવ લેવાની તક પણ ઝડપી લીધી. કેવી રીતે? તમે જ સાંભળી લો..

રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન એ વાત પર હાશકારો અનુભવે છે કે જે તૂટ્યા છે, તે રસ્તા જૂના છે, નવા નથી. પણ મૂળ મુદ્દો એ છે કે રસ્તા તૂટ્યા છે, લોકોને હાલાકી પડી રહી છે, ત્યારે આ વાત સત્તાધીશો માટે ગૌરવ લેવાની નહીં, પણ શરમ કરવાની છે. નવા રસ્તા બનાવવાનું તો દૂર, તંત્ર તૂટેલા રસ્તા પર પેચવર્ક પણ નથી કરી શક્યું. 

રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેનનો ચોમાસાની અનિશ્વિતતા અંગનો દાવો હાસ્યાસ્પદ છે. કદાચ તેઓ નથી જાણતા કે હવામાન વિભાગ દરરોજ વરસાદની આગાહી જાહેર કરે છે. એમાં પણ ઓગસ્ટ મહિનો આખો કોરો ગયો છે. સત્તાધીશોની ઈચ્છાશક્તિ હોત તો શહેરના દરેક રસ્તા પરના ખાડાં પૂરવા પૂરતો સમય હતો. કેમ કે ચોમાસાની સીઝન તો ઓક્ટોબર સુધીની હોય છે, પણ તંત્ર માટે આ સામાન્ય સમજ પણ કદાચ રોકેટ સાયન્સ જેવી છે. 

સવાલ એ છે કે શું આ બિસ્માર રસ્તા પર નીકળતો અમદાવાદી વર્લ્ડ હેરિટેજ સિટીના રહેવાસી હોવાનો ગર્વ અનુભવી શકશે? ખરાબ રસ્તાને કારણે કોઈ વ્યક્તિને ઈજા થાય કે જીવ ગુમાવે તો તેના માટે જવાબદાર કોણ? તંત્ર આટલી હદ સુધી સંવેદનહીન કેમ બની જાય છે. આ સવાલોના જવાબ મળશે, ત્યારે તંત્ર ખરા અર્થમાં જવાબદાર કહેવાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news