રાજપૂતો નવો ઈતિહાસ બનાવશે : છેલ્લી ઘડીએ ક્ષત્રિય મહાસંમેલનમાં કરાયો મોટો ફેરફાર
Parsottam Rupala : સૌરાષ્ટ્રની ભૂમિ પર રાજપૂતોનું શક્તિ પ્રદર્શન, રૂપાલાના ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ પહેલા તખ્તો તૈયાર, રાજ્યભરમાંથી બસો ભરાઈને ક્ષત્રિયો રાજકોટના રતનપર પહોંચશે
Trending Photos
Rajkot News ગૌરવ દવે/રાજકોટ : કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીથી ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. આગામી 16 તારીખના પરસોતમ રૂપાલા પોતાની ઉમેદવારી નોંધાવે તે પહેલાં જ રાજકોટનું ક્ષત્રિય અસ્મિતા સંમેલન ક્ષત્રિયોનું શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. હવે આ લડાઈ પરસોતમ રૂપાલા VS ક્ષત્રિય સમાજ ન રહીને ક્ષત્રિય VS ભાજપ થવા જઈ રહી છે. આ વિવાદ ચરમસીમાથી વટીને હવે પ્રતિષ્ઠાના જંગ સુધી આવી ગયો છે. બન્ને પક્ષેથી કોઈ નમતુ જોખવા તૈયાર નથી. ઉલ્ટાનું હવે તો લડી લેવાના મુડમાં છે. બીજીબાજુ ક્ષત્રિયોનું આંદોલન કરવામાં આક્રમક બનતુ જાય છે. ગામોગામ વિરોધાત્મક કાર્યક્રમ આપીને અટકાયત વહોરવા લાગ્યા છે.
અઢી લાખથી વધુ ક્ષત્રિયો ઉમટશે
આવતીકાલે લડતની દેશવ્યાપી લડાયક રણનીતિ ઘડવા માટે ભારતભરમાંથી કરણી સેના અને ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન રતનપર મંદિર નજીક બોલાવવામાં આવી છે. લાખોની સંખ્યામાં ક્ષત્રિયો આ મહાસભામાં ઉમટી પડવાના છે. સાંજે 5 વાગ્યે મહાસભા રાખવામા આવી છે. રાજ્યભરમાંથી 1300 બસ અને 4600 ફોરવહીલર સહિતના વાહનોમાં ક્ષત્રિયો રાજકોટ આવવા રવાના પણ થઇ ગયા હોવાનું સંમેલનના આયોજકોમાંથી જાણવા મળ્યું છે. મહાસભા માટે સંબંધિત ડિપાર્ટમેન્ટની મંજૂરી ૫૦ હજાર લોકોની માંગવામા આવી છે. પરંતુ ધારણા એવી છે કે, ૨ લાખથી વધુ ક્ષત્રિયો સભામાં આવશે તેવુ માનવામા આવે છે.
મહાસંમેલનનુ સ્થળ બદલાઈ શકે છે
મહાસંમેલન પહેલા રતનપર સામેના મેળાના મેદાનમાં યોજાવાનું જાવાનું હતુ. પરંતુ આયોજકોના કહેવા મુજબ ત્યાં જગ્યા ટૂંકી પડે તેમ હોવાથી રતનપરથી રાજકોટ આવતા મંદિરથી નજીકમાં જ ૪૦ વિઘા જગ્યામાં સંમેલન રાખવા છેલ્લી ઘડીનો સમય ફેરફાર કરાયો છે. સંમેલન સ્થળથી બન્ને બાજુ એક કિલોમીટરથી ક્ષત્રિયના ઝંડા અને કમાન મુકવાનું કામ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજની 92 સંસ્થાની ક્ષત્રિય સંકલન સમિતિ ગુજરાત પ્રદેશના મુખ્ય સંકલનકર્તા રમજુભા જાડેજાએ zee 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ સંમેલનમાં દેશભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહેશે. ક્ષત્રિય સમાજની માંગ એક જ છે કે પરસોતમ રૂપાલાની ટીકીટ રદ્દ કરવામાં આવે. રતનપર ખાતે યોજાનાર સંમેલનમાં આગામી રણનીતિ ઘડવામાં આવશે. કાઠી ક્ષત્રિય સમાજ પણ ગરાસિયા ક્ષત્રિયોની સાથે છે અને મોટી સંખ્યામાં આવતીકાલે ઉપસ્થિત પણ રહેશે. શાંતિ પૂર્ણ વાતાવરણની અંદર આ સંમેલન મળે અને રણનીતિ થાય તે માટે પોલીસ સાથે પણ સંવાદ કરી મંજૂરી માંગવામાં આવી છે. ક્ષત્રિય સમાજના યુવાનોને પણ લોકોને અડચણરૂપ ન થાય અને ટ્રાફિક હોઈ કે તમામ જગ્યાએ સાથ સહકાર આપવા અપીલ કરી છે. એટલું જ નહીં વાહનોમાં કોઈ પણ લોકો હથિયાર લઈને ન આવે તેની પણ અપીલ કરી છે
મુંબઇ, રાજસ્થાન, યુ.પી., એમ.પી. સહિત રાજ્યમાંથી ક્ષત્રિયો રાજકોટ ઉમટશે
‘ન ભૂતો, ન ભવિષ્ય’ એવુ ક્ષત્રિય મહાસંમેલન રાજકોટના આંગણે યોજાય તેવી તૈયારી ચાલી રહી છે. ક્ષત્રિય સમાજના આગેવાન કૃપાલસિંહે જણાવ્યુ હતુ કે, મુંબઇ, રાજસ્થાન, યુ.પી., એમ.પી. સહિત દેશભરમાંથી બસ અને પ્રાઇવેટ વાહનો સાથે સમાજના લડવૈયાઓ રાજકોટ આવવા નીકળી ગયા છે. આ તમામ સાથે ક્ષત્રિય સમાજની કોર કમિટી પળે પળના સંપર્કમાં છે.
રાજસ્થાનથી કરણી સેના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા આવશે
ક્ષત્રિય સમાજના સૂત્રોના કહેવા મુજબ, રાજસ્થાનથી કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા રાજકોટના ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ઉપસ્થિત રહેશે. મહિપાલસિંહ મકરાણા ધંધુકા સંમેલનમાં પણ હાજર રહ્યા હતા. જોકે મહિપાલસિંહ મકરાણા રાજકોટ થી ક્ષત્રિય સમાજને હુંકાર કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે