કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ્દ તો અન્ય આઠે નામ લીધા પરત... અને સુરતમાં આ રીતે ખીલી ગયું કમળ

ગુજરાતની 26 લોકસભા સીટ પર 7 મેએ મતદાન થવાનું છે. જે માટે આજે ઉમેદવારી ફોર્મ પરત લેવાની છેલ્લી તારીખ હતી. જેમાં સુરતથી ભાજપના ઉમેદવાર બિનહરીફ થઈ ગયા છે. એટલે કે ચૂંટણીનું પરિણામ આવે તે પહેલાં ભાજપનું ખાતું ખુલી ગયું છે. 

કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ્દ તો અન્ય આઠે નામ લીધા પરત... અને સુરતમાં આ રીતે ખીલી ગયું કમળ

સુરતઃ પરીક્ષા પહેલાં જ જો તમને તમારા પરિણામની ખબર હોય તો તમે નિશ્ચિંત હો છો.. તમારા મનમાંથી હાર જીતનો કે નાપાસ થવાનો ડર જતો રહે છે.. આ પ્રકારના ખુશમિજાજમાં જ હાલ ભાજપ છે.. ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન 7મી મેના રોજ થવાનું છે અને સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનું પરિણામ 4 જૂને આવવાનું છે.. જોકે, આ પહેલાં જ ભાજપનો વિજય થઈ ચૂક્યો છે.. જી હાં, સુરતમાં એવો ચમત્કાર થયો છેકે, ચૂંટણી પહેલાં જ વિજેતા જાહેર થઈ ગયા છે.. ભાજપના મુકેશ દલાલે કેવી રીતે કર્યો આ કમાલ,, જુઓ આ રિપોર્ટમાં.. 

હકીકતમાં ગુજરાતની તમામ 26 સીટો પર મતદાન ત્રીજા તબક્કામાં એટલે કે 7 મેએ થવાનું છે, જે માટે ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ અને ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 22 એપ્રિલ હતી. રાજ્યની સુરત લોકસભા સીટથી કોંગ્રેસ અને ભાજપ સહિત કુલ 11 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ભાજપમાંથી મુકેશ દલાલ, કોંગ્રેસના નિલેશ કુંભાણી, બસપાથી પ્યારેલાલ ભારતી, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીથી અબ્દુલ હામિદ ખાન, ગ્લોબલ રિપબ્લિકન પાર્ટીથી જયેશ મેડાવા, લોગ પાર્ટીથી સોહેલ ખાને ફોર્મ ભર્યું હતું. આ સિવાય અજીત સિંહ ઉમટ, કિશોર દાયાણી, બારૈયા રમેશભાઈ અને ભરત પ્રજાપતિ અપક્ષ મેદાનમાં  હતા. આ સિવાય કોંગ્રેસે પોતાના વૈકલ્પિક ઉમેદવાર સુરેશ પડસાલાનું ફોર્મ ભરાવ્યું હતું, પરંતુ તેનું ફોર્મ પણ પ્રસ્તાવકોને કારણે રદ્દ કરી દેવામાં આવ્યું હતું. 

ભાજપની ફરિયાદ બાદ કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ પ્રસ્તાવકોને કારણે રદ્દ થઈ ગયું. ત્યારબાદ બાકી અન્ય 8 ઉમેદવારોએ પણ પોતાની દાવેદારી પરત ખેંચી હતી. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થયા બાદ ચર્ચા શરૂ થઈ હતી કે અન્ય બધા ઉમેદવાર પોતાની દાવેદારી પરત લઈ લેશે. તેને લઈને અલગ-અલગ અટકળો લગાવવામાં આવી રહી હતી. બધાની નજર બસપા ઉમેદવાર પ્યારેલાલ ભારતી પર હતી. પરંતુ તેમણે પણ અન્ય ઉમેદવારોની જેમ પોતાનું ફોર્મ પરત લઈ લીધું અને ભાજપને આ સીટ મળી ગઈ. એટલે કે ભાજપે બિનહરીફ જીત મેળવી લીધી છે. સુરત લોકસભા સીટ પર 1989થી ભાજપનો કબજો રહ્યો છે. આ પહેલા પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈ અહીંથી પાંચ વખત સાંસદ રહ્યાં છે. 

કોંગ્રેસનું ઉમેદવારનું આ રીતે રદ્દ થયું ફોર્મ
નોંધનીય છે કે ગુજરાતની 26 લોકસભા સીટ પર કોંગ્રેસ અને આપ ગઠબંધનમાં લડી રહ્યાં છે. આ ક્રમમાં સુરતથી નિલેશ કુંભાણીને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ તે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ત્રણમાંથી એકપણ પ્રસ્તાવકને હાજર રાખી શક્યા નહીં. ત્યારબાદ ચૂંટણી અધિકારીએ કુંભાણીનું ફોર્મ રદ્દ કરી દીધુ હતું. ભાજપે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્માં તેના ત્રણ પ્રસ્તાવકોની સહીને લઈને સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસ ઉમેદવારના પ્રસ્તાવકમાં તેનો બનેવી, ભાણેજ અને ભાગીદારની સહી હોવાનો દાવો કર્યો હતો, પરંતુ ત્રણેય પ્રસ્તાવકો ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થયા નહીં. 

કોંગ્રેસે રાખ્યો હતો વૈકલ્પિક ઉમેદવાર
જો ચૂંટણી અધિકારીઓ દ્વારા તપાસ બાદ મુખ્ય ઉમેદવારની ઉમેદવારી રદ્દ કરી દેવામાં આવે કે ઉમેદવારનું મૃત્યુ થઈ જાય તો તેવામાં વૈકલ્પિક ઉમેદવાર પાર્ટીનો ચહેરો બની જાય છે. મોટા ભાગની રાજકીટ પાર્ટી એક વૈકલ્પિક કે એક કવરિંગ ઉમેદવારને બેકઅપના રૂપમાં મેદાન પર ઉતારે છે. આ ઉમેદવારની ઉંમરવાદી પરત લેવાની અંતિમ તારીખ સુધી યોગ્ય રહે છે. જ્યારે મુખ્ય ઉમેદવારનું ફોર્મ ચૂંટણી કાર્યાલય દ્વારા મંજૂર કરવામાં આવે છે, તો વૈકલ્પિક ઉમેદવારની ઉમેદવારી અમાન્ય જાહેર કરી દેવામાં આવે છે. 

કોંગ્રેસે કહ્યું- મેચ ફિક્સિંગ
તો કોંગ્રેસ નેતા જયરામ રમેશે તેને મેચ ફિક્સિંગ ગણાવ્યું છે. તેમણે એક્સ પર લખ્યું- લોકતંત્ર ખતરામાં છે. તમે ઘટનાક્રમ સમજો. સુરત જિલ્લા ચૂંટણી અધિકારીએ સુરત લોકસભા માટે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ ત્રણ પ્રસ્તાવકોની સહીમાં સત્યાપનમાં વિસંગતિઓને કારણે રદ્દ કરી દીધું. સમાન આધાર પર, અધિકારીઓએ સુરતથી કોંગ્રેસના ડમી ઉમેદવાર સુરેશ પડસાલાનું ફોર્મ રદ્દ કરી દીધું. કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર વગરની રહી ગઈ છે. મતદાન પહેલા અન્ય ઉમેદવારોએ ફોર્મ પરત લઈ લીધા છે. ભાજપ એટલું ડરેલું છે કે સુરત લોકસભાને મેચ-ફિક્સ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જ્યાં તે 1989થી સતત જીતી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news