ભાજપ બ્રહ્માસ્ત્ર વાપરશે : ગુજરાતમાં લોકલ નેતાઓ 'ફેલ', મંત્રીઓને પણ છૂટ્યા પરસેવા

BJP Candidate List : ભાજપ માટે હાલ હાથે કરેલા હૈયે વાગ્યા જેવી સ્થિતિ છે... આંતરિક વિવાદમાં સ્થિતિ એટલી ડામાડોળ થઈ રહી છે કે ચૂંટણી પ્રચારનો મુદ્દો બાજુમાં ધકેલાયો છે અને ઉમેદવારોમાં એટલો ફફડાટ વ્યાપ્યો છે કે ક્યાંક વિરોધને કારણે ટિકિટ ન કપાઈ જાય, એક બે નહીં 3થી 4 લોકસભા અને વિધાનસભા સીટ પર ભાજપીઓ જ ઉમેદવારોને હરાવવા મેદાને ઉતર્યા છે. એટલે કોંગ્રેસ ગેલમાં અને ભાજપમાં કાળો કકળાટ છે.  

ભાજપ બ્રહ્માસ્ત્ર વાપરશે : ગુજરાતમાં લોકલ નેતાઓ 'ફેલ', મંત્રીઓને પણ છૂટ્યા પરસેવા

Lok Sabha Election: હમેં તો અપનો ને લૂંટા ગૈરો મેં તો કહા દમ થા, મેરી કિશ્તી હી વહી ડૂબી જહાં પાની કમ થા... ભાજપના દરેક લોકસભા અને વિધાનસભાના ઉમેદવારોને આજે આ અહેસાસ થઈ રહ્યો છે. શિસ્તબદ્ધ પાર્ટી ગણાતી ભાજપમાં અસંતોષના ભવાડા ચાલી રહ્યાં છે અને ઉમેદવારો ચૂંટણી પ્રચારને બદલે એ ડરમાં જીવી રહ્યાં છે કે ક્યાંક ટિકિટ ના કપાઈ જાય.... ભાજપના સ્થાનિક નેતાઓ ઉકળતો ચરું ઠારવામાં ફેલ ગયા છે હવે દિલ્હી હાઈકમાન્ડ મેદાનમાં નહીં ઉતરે તો ભાજપમાં અસંતોષની આગ ભડકો બનશે શિસ્ત બદ્ધ પાર્ટી ભાજપની આબરૂના લીરેલીરા ઉડાવશે. 

ગુજરાતમાં ભાજપે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો કબજે કરી હતી. પાર્ટીએ 2024માં ક્લીન સ્વીપની હેટ્રિક બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. પાર્ટીએ તમામ 26 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે, પરંતુ કેટલીક બેઠકો પર ઉમેદવારોનો વિરોધ હવે ચૂંટણીનો મુદ્દો બની ગયો છે. આજે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ પણ સોશિયલ મીડિયામાં કહ્યું છે ભાજપમાં કકળાટ અને કોંગ્રેસ ટનાટન... ભાજપ ભલે ધાનાણીની ટ્વીટનો વિરોધ કરે પણ આ જ વાસ્તવિકતા છે. ભાજપમાં અસંતોષનો ચરું એટલો ઉકળ્યો છે કે ભાજપના સ્થાનિક નેતાઓ ફેલ ગયા છે. 

એક કે બે બેઠકોની વાત નથી પણ કોંગ્રેસના આયાતી ઉમેદવારોનો વિરોધ એટલો વધી ગયો છે કે એક તબક્કે ઈનામદારના કેસમાં સીઆર પાટીલે કહેવું પડ્યું કે પાર્ટીમાં કોને લેવા અને કોને ના લેવા એ એક ધારાસભ્ય નક્કી નહીં કરે આમ છતાં ભાજપના સ્થાનિક નેતાઓનો પનો ટૂંકો પડી રહ્યો છે અને ભાજપમાં અસંતોષ વધી રહ્યો છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે ગુજરાત સૌથી સરળ રાજ્ય માનવામાં આવતું હતું, પરંતુ રાજ્યની અડધો ડઝન જેટલી બેઠકો પર પાર્ટીની અંદર અને બહારથી આવી રહેલા વિરોધને કારણે પાર્ટીની બેચેની વધી ગઈ છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) March 27, 2024

 

આગની ચીનગારી વડોદરાથી ઉઠી તો પાર્ટીએ નવા ઉમેદવારની જાહેરાત કરીને વડોદરામાં સ્થિતિ પર કાબૂ મેળવી લીધી છે પણ વલસાડ, સાબરકાંઠા, રાજકોટ અને પારેબંદરમાં સ્થિતિ સારી નથી. હવે આજે વિજાપુર વિધાનસભામાં સીજે ચાવડા વિરોધી સૂર ઉઠ્યો છે. પાર્ટીએ લોકસભા ચૂંટણી પહેલા પાંચ લાખના માર્જિન સાથે તમામ બેઠકો જીતવાની જાહેરાત કરી હતી. પાર્ટીએ ઉમેદવારોની જાહેરાત પહેલા જ તમામ 26 બેઠકો માટે ચૂંટણી કાર્યાલયો પણ ખોલી દીધા હતા. ભાજપ સંગઠનના અધિકારીઓમાં એ બાબતની નારાજગી વધી રહી છે કે કોંગ્રેસના આયાતીઓનો દબદબો ભાજપમાં વધી રહ્યો છે.  

ગુજરાતમાં ભાજપના ઉમેદવારો સામે જે પ્રકારે બયાનબાજી કરવામાં આવી છે તે તદ્દન આશ્ચર્યજનક છે. ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે. હવે ભાજપ માટે એ સમય આવી ગયો છે કે ભાજપ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરે... આ વિરોધ અમિત શાહ કે પીએમ મોદી વિના શાંત થાય એમ નથી. ભાજપના મોટા ચહેરાઓ પણ વિરોધથી અછૂત નથી. રાજકોટથી ચૂંટણી લડી રહેલા પરશોત્તમ રૂપાલા પણ વિરોધનો સામનો કરી રહ્યા છે. પોરબંદરમાં પેરાશૂટ એન્ટ્રીના કારણે મનસુખ માંડવિયા માટે પણ પરિસ્થિતિ અનુકૂળ ન હોવાનું કહેવાય છે. માંડવિયા માટે ભાજપે અનુકૂળ સ્થિતિ ઉભી કરી દીધી છે પણ સ્થાનિકમાંથી વિરોધ થઈ રહ્યો છે. 

ભાજપના ઉમેદવારોનો કેમ થઈ રહ્યો છે વિરોધ?

1. વડોદરાઃ  પાર્ટીએ ઉમેદવાર બદલવો પડ્યો

વડોદરા ભાજપની સલામત બેઠક ગણાય છે. આ બેઠક પર સીટીંગ સાંસદ રંજનબેન ભટ્ટને રીપીટ કરવામાં આવતા ભડકો થયો હતો. ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો.જ્યોતિ પંડ્યાએ ખુલ્લેઆમ વિરોધ કરતાં પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા. આ પછી શહેરમાં પોસ્ટરો અને સોશિયલ મીડિયા પર વિરોધ થયો હતો. ભાજપના વર્તમાન સાંસદ પર પણ ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. આ પછી તેમણે પોતે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. હવે ભાજપે ડો.હેમાંગ જોષીના નામની જાહેરાત કરવામાં આવી હતી. આરોપ છે કે હવે રંજનબેન ભટ્ટના નજીકના ધારાસભ્ય કેતન ઇનામદારના સમર્થકો દ્વારા જોશીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

2. સાબરકાંઠામાં ઉમેદવાર બદલાયા પછી પણ વિરોધ

ઉત્તર ગુજરાતની આ બેઠક માટે ભાજપે અગાઉ ભીખાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કર્યા હતા. ઠાકોરને બદલે ડામોર હોવાનો વિવાદ વધતાં ભાજપે ભીખાજી ઠાકોરને બદલી દીધા છે. આ પછી પક્ષે પ્રાથમિક શાળાના શિક્ષક શોભનાબેન બારૈયાને ઉમેદવાર જાહેર કર્યા હતા. હવે સાબરકાંઠામાં ઠાકોર સમર્થકો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે સાબરકાંઠામાં જો કોઈ ચાલી શકે તો તે ભીખાજી ઠાકોર છે. ઠાકોરના સમર્થકોએ મોટી રેલી પણ કાઢી હતી. કોંગ્રેસે અહીંથી પૂર્વ સીએમ અમરસિંહ ચૌધરીના પુત્ર ડો. તુષાર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે.

શોભનાબેન બરૈયા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બરૈયાના પત્ની છે. મહેન્દ્ર સિંહ કોંગ્રેસના નેતા હતા. તેઓ 23 ઓગસ્ટ, 2022ના રોજ ભાજપમાં જોડાયા હતા. આવી સ્થિતિમાં કોંગ્રેસના પૂર્વ નેતાની પત્નીને લોકસભાની ટિકિટ આપવા પર ભાજપ સંગઠનમાં વિરોધ થઈ રહ્યો છે. નેતાઓ કહી રહ્યાં છે કે તમને આખા જિલ્લામાં કોઈ ના મળ્યું કે જેઓ પ્રાથમિક સભ્ય ન હતા તેમને લોકસભાની ટિકિટ આપી દેવી પડી છે. ભાજપની એવી તો કઈ મજબૂરી છે. 

કમલમમાં કકળાટ, જ્યારે કોંગ્રેસ ટનાટન છે! સાબરકાંઠા માંડ થાળે પડ્યું, તો વિજાપુરમાં વિરોધનું વંટોળ ઉઠ્યું

3. વલસાડમાં ધવલ પટેલ સામે જબરદસ્ત વિરોધ

આદિવાસી સમુદાય માટે અનામત વલસાડ લોકસભા બેઠક પરથી 38 વર્ષીય ધવલ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ BJP અનુસૂચિત જનજાતિ મોરચાના રાષ્ટ્રીય સોશિયલ મીડિયા ઈન્ચાર્જ છે. જેઓએ ભારતના આદિવાસી નાયકો પર બે પુસ્તકો લખ્યા છે. તેનની વિરુદ્ધ અનેક પેમ્ફલેટ અને પત્રો વાયરલ થયા છે. ધવલ પટેલ પહેલાવાર ચૂંટણી લડી રહ્યાં છે.  તેમનો મુકાબલો વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સામે છે. ધવલ પટેલના વિરોધ પાછળનું સૌથી મોટું કારણ તે નવસારીના રહેવાસી હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં તેઓ વલસાડ માટે પેરાશૂટ ઉમેદવાર ગણાય છે. 

કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં B.Tech કર્યા બાદ ધવલ પટેલે માર્કેટિંગમાં MBAની ડિગ્રી લીધી છે. તેઓ આદિવાસી સમાજની ધોડિયા પેટા જ્ઞાતિમાંથી આવે છે. તેમનો વિરોધ કરવામાં પાર્ટી અને વિપક્ષ બંનેનો હાથ હોવાનું માનવામાં આવે છે. આ પત્રો વાયરલ થયા બાદ એવી ચર્ચા છે કે સ્થાનિક સંગઠનના આગેવાનો તેમની ઉમેદવારીથી ખુશ નથી. ધવલ પટેલ સુરતમાં રહે છે. આ પણ તેમના વિરોધનું એક કારણ જણાવવામાં આવી રહ્યું છે.

4. રાજકોટ-પોરબંદરમાં બહારથી દેખાય એવું નથી

ભાજપે તેના લોકપ્રિય નેતા પરષોત્તમ રૂપાલાને સૌરાષ્ટ્રના મુખ્ય શહેર રાજકોટથી મેદાનમાં ઉતાર્યા છે. અહીંનો દરબાર (ક્ષત્રિય) સમાજ રૂપાલાની ઉમેદવારીનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યો છે. આ માટે રૂપાલાનું નિવેદન જવાબદાર હોવાનું કહેવાય છે. ક્ષત્રિય સમાજ અવાજ ઉઠાવી રહ્યો છે ત્યારે ભાજપના અન્ય નેતાઓ પણ રૂપાલાને સંપૂર્ણ રીતે સ્વીકારી રહ્યા નથી. રૂપાલા મૂળ અમરેલી જિલ્લાના છે. આ બેઠક માટે પૂર્વ સીએમ વિજય રૂપાણીના નામની પણ વિચારણા કરવામાં આવી હતી. તો મોહન કુંડારિયાથી લઈને ભરત બોઘરા સુધી લાઈનમાં ઉભા હતા. જેઓને કાપીને ભાજપે અમરેલીથી પેરાશૂટ ઉતાર્યા છે.

બીજી તરફ પોરબંદરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા માથે પેરાશૂટ ઉમેદવાર છે. પરિસ્થિતિઓ તેમના માટે પણ અનુકૂળ નથી, અહીંથી રાદડિયાએ પણ ટિકિટ માગી હતી. રમેશ ધડૂકે તો નામ જાહેર થતાં જ માંડવિયાને જીતાડવાની હાકલ કરી હતી પણ પાર્ટીએ ટિકિટ કાપી એનો કચવાટ ક્યાંય એમ જ જાય એમ નથી.  કોંગ્રેસે પોરબંદરથી લલિત વસોયાને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ સ્થાનિક અને જમીનથી જોડાયેલા નેતા છે. માંડવીયા મૂળ ભાવનગરના છે. માંડવિયા માત્ર જીતવા જ નહીં પરંતુ જંગી માર્જિનથી જીતવાના પડકારનો સામનો કરી રહ્યા છે. ગુજરાતમાં ભાજપ ભલે દાવાઓ કરે અને પાટીલ ધોકો પછાડે પણ કેટલીક સીટો ર 5 લાખની લીડથી જીતવું ભાજપ માટે મુશ્કેલ છે. હવે આગામી દિવસોમાં મોદીની સભાઓ પર તમામ વસ્તુ નિર્ભર છે. 

5. કોંગ્રેસીઓને મહત્વ અપાતાં ભાજપીઓ નારાજ

લોકસભા જ નહીં પાંચ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે. જેમાં કોંગ્રેસના 4 આયાતી ઉમેદવાર અને એપ અપક્ષને ભાજપે ટિકિટ આપી છે. આવા સંજોગોમાં ભાજપનું સ્થાનિક સંગઠન કોંગ્રેસમાંથી આવેલા લોકો માટે કેવી રીતે વોટ માંગે તેવી વિચિત્ર સ્થિતિ છે. કેટલીક જગ્યાએ વિરોધ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે તો કેટલીક જગ્યાએ વિરોધ આંતરિક છે. આવી સ્થિતિમાં હજુ પણ ઘણી બેઠકો પર કોંગ્રેસ સામે લડી ચૂકેલા ભાજપના નેતાઓ ચૂંટણીમાં રસ લઈ રહ્યા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news