ડૂબતે કો તિનકે કા સહારા..!! ભાજપને જીતવા માટે કોંગ્રેસની જરૂર, લોકસભાના 27 ટકા ઉમેદવારો મૂળ કોંગ્રેસી
Loksabha Election 2024 : લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી જીતવા માટે ભાજપને કોંગ્રેસના સહારની જરૂર પડે છે. કોંગ્રેસના ઉમેદવાર વગર ભાજપની જીત શક્ય નથી, ભાજપ હવે કોંગ્રેસ યુક્ત બનતું જાય છે. હવે એ સવાલ છે કે મૂળ જનસંઘી કે ભાજપી હવે કોણ... કારણ કે પક્ષપલટુઓથી ભાજપ ભરાઈ ગઈ છે.
Trending Photos
BJP Candidate List : ભાજપની જીતની હેટ્રિકની નાવડીને પાર કરવી હશે તો કોંગ્રેસના મદદ વગર તે શક્ય નથી તે સ્પષ્ટ દેખાઈ ગયું છે. વિધાનસભાની 182 બેઠકો હોય કે પછી લોકસભાની 26 બેઠકો જીતવાનું લક્ષ્યાંક હોય, ભાજપને જીતવા માટે કોંગ્રેસના સહરાની જરૂર છે. આંકડો બતાવે છે કે, એક તરફ ભાજપ ‘કોંગ્રેસ મુક્ત ભારત’ કરાવવા દોડ લગાવે છે, તો બીજી તરફ ‘કોંગ્રેસયુક્ત ભાજપ’ બનાવી રહી છે. ભાજપમાં પક્ષપલટુ નેતાઓની હારમાળા સર્જાઈ છે. આ વચ્ચે હવે લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી જીતવા માટે ભાજપને કોંગ્રેસના સહારની જરૂર પડે છે. કોંગ્રેસના ઉમેદવાર વગર ભાજપની જીત શક્ય નથી. એટલે જ ભાજપે લોકસભા પહેલા મોટાપાયે ભરતી મેળો ચાલુ રાખ્યો છે.
પક્ષપલટુઓ માટે ભાજપના કાર્યકર્તા-નેતાઓ પ્રચાર કરશે
ભાજપના કાર્યકર્તાઓનું નસીબ એવું વાંકુ છે કે, જૂના જોગીઓ ઘરે બેસશે, અને કાર્યકર્તાઓ આયાતી ઉમેદવારો માટે પ્રચાર કશે. ગુજરાતમાં લોકસભામાં બાજપના 27 ટકા જેટલા ઉમેદવારો મૂળ કોંગ્રેસ પરિવારના છે. જે બતાવે છે કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપ વર્સિસ કોંગ્રેસનો જંગ નહિ, પરંતું કોંગ્રેસ વર્સિસ કોંગ્રેસનો જંગ થવાનો છે.
લોકસભા પહેલા જ ભાજપ કોંગ્રેસયુક્ત
લોકસભા પહેલા ભાજપ કોંગ્રેસયુક્ત બની ગયું છે. ભાજપના 26 બેઠકો પર જાહેર કરાયેલા ઉમેદવારોમાંથી 27 ટકા ઉમેદવારો મૂળ કોંગ્રેસી છે. 26 માંથી 7 ઉમેદવારો નાતો કોંગ્રેસ સાથે છે. જેમાં શોભનાબેન બારૈયા, ચંદુભાઈ શિહોરા, પ્રભુ વસાવા, દેવુસિંહ ચૌહાણ, ભરત ડાભી, વિનોદ ચાવડા, પુનમ માડમ સામેલ છે. જેમના ભૂતકાળના છેડા કોંગ્રેસ સાથે અડે છે.
પેટાચૂંટણી પણ કોંગ્રેસીઓના સહારે લડશે ભાજપ
વિજાપુર,પોરબંદર, ખંભાત, માણાવદર અને વાઘોડિયા. ગુજરાતની આ પાંચ વિધાનસભાની સીટ પરની પેટા ચૂંટણીના ઉમેદવારો ભાજપે જાહેર કરી દીધા છે. ચહેરા એ જ છે. પાટલી બદલાઈ ગઈ છે. વિધાનસભાની પેટાચૂંટણીના તો તમામ ઉમેદવારો કોંગ્રેસી છે. જે બતાવે છે કે, ભાજપ વિધાનસભાની પેટાચૂંટણી પણ કોંગ્રેસના ઉમેદવારના સહારે લડશે.
ભાજપમાં કોંગ્રેસીઓને મળી રહેલા તકને કારણે અંદરોઅંદર વિરોધની જ્વાળા પ્રગટી છે. ભાજપના લોકોએ આ જાનમાં હવે અણવર બનીને આવવાનું છે - માંડવો એનો એ જ છે, વરરાજા બદલાઇ ગયા છે. આયાતી ઉમેદવારોને મલાઈ મળી રહી છે, અને ઘરના છોકરા ઘંટી ચાલે તેવો ઘાટ સર્જાયો છે.
મહેસાણાના વિજાપુર ભાજપમાં ભડકો
સાબરકાંઠા બાદ હવે મહેસાણાના વિજાપુરમાં ભાજપમાં વિરોધ જોવા મળ્યો છે. વિજાપુરમાં પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે સીજે ચાવડાને ભાજપમાંથી ટીકીટ મળતા કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી છે. કુકરવાડાના પૂર્વ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખે રાજીનામુ આપ્યુ છે. કુકરવાડાના ગોવિંદભાઇ પટેલે વિજાપુર તાલુકા ભાજપ પ્રમુખને રાજીનામુ આપ્યું. પાર્ટીના કાર્યકર્તાઓને ટીકીટ ન આપતા અને કોંગ્રેસમાંથી આવેલાને ટીકીટ આપતા તેઓએ નારાજગી વ્યક્ત કરી. હજુ પણ રાજીનામાં પડે તેવી સંભાવના છે.
પાટીલે કહ્યું કે, હું બહાનું નહિ ચલાવી લઉ, 55 ધારાસભ્યો રહ્યાં ગેરહાજર
લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપમાં બેઠકોનો દોર શરૂ થયો છે. ગઈકાલે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની હાજરીમાં કમલમ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી. લોકસભામાં દરેક બેઠક પર 5 લાખની લીડ સાથે જીતવાના લક્ષ્યાંક સાથે યોજાયેલી બેઠકમાં પાટીલે ધારાસભ્યોનો ક્લાસ લીધો હતો. જોકે, આશ્ચર્ય વચ્ચે પાટીલના ક્લાસમાં 55 ધારાસભ્યો ગેરહાજર જોવા મળ્યા હતા. ત્યારે ટકોર કરતા પાટીલે કહ્યું કે, હું બહાનું નહિ ચલાવી લઉ. ગઈકાલે કમલમમાં યોજાયેલી બેઠકમાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકોને લઈને ચર્ચા કરાઈ હતી. જેમાં જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો અને ક્લસ્ટર ઈન્ચાર્જોની બેઠકમાં હાજરી જોવા મળી. આ બેઠકમાં લોકસભા ચૂંટણીને રણીનીતિ અને કામગીરી અંગે ચર્ચા કરાઈ હતી.
નેતાઓ મૌન રહ્યાં
સી.આર પાટીલની અધ્યક્ષતામાં દોઢ કલાક સુધી બેઠક ચાલી હતી. જેમાં તમામને બુથ સ્તર પર મજબૂતીથી કામ કરવા સૂચના અપાઈ. તેમજ દરેક સીટ પર 5 લાખથી વધુની લીડથી ચૂંટણી જીતવા કામે લાગી જવા સૂચના અપાઈ. સાથે જ બેઠકમાં નબળી બેઠકોની યાદી અને સૂચનો પણ માગવામાં આવ્યા. આ બેઠકમાં ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો અને ક્લસ્ટર ઈન્ચાર્જોને સી.આર પાટીલે પુછ્યું કે, નબળી બેઠકો હોય તો જણાવો. ત્યારે બેઠકમાં હાજર નેતાઓમાંથી કોઈ પણ કશું બોલ્યા ન હતા. જોકે, આ બેઠકમાં ગુજરાત ભાજપના 156 ધારાસભ્યોમાંથી 55 ધારાસભ્યોને ગેરહાજરી આંખે ઉડીને વળગે તેવી હતી. પાટીલે બેઠકમાં ચીમકી આપતા કહ્યુ હતું કે, ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાં દરેક સંસદાય વિસ્તારમાં કોઈને પાંચ લાખની લીડ મેળવવામાં મુશ્કેલી લાગતી હોય તો મને કહે. પછી પોણા પાંચ આવશે તો કોઈ બહાનું નહિ ચલાવી લેવાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે