લોભામણી જાહેરાતથી ગરીબના નાણા પચાવનાર તત્વોને નાથવા સરકાર કટિબદ્ધ: પ્રદિપસિંહ જાડેજા

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગરીબ મધ્યમ વર્ગના પરસેવાના પૈસા કોઇ લોભામણી જાહેરાતો આપીને છેતરીને પડાવી ન જાય એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે

લોભામણી જાહેરાતથી ગરીબના નાણા પચાવનાર તત્વોને નાથવા સરકાર કટિબદ્ધ: પ્રદિપસિંહ જાડેજા

ગાંધીનગર: ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગરીબ મધ્યમ વર્ગના પરસેવાના પૈસા કોઇ લોભામણી જાહેરાતો આપીને છેતરીને પડાવી ન જાય એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ GPID એક્ટ – 2003 અમલી બનાવીને નાગરિકોને સુરક્ષિત કર્યા છે. જેના અનુસંધાને અમે કડકમાં કડક કાર્યવાહી કરી રહ્યા છીએ.

વિધાનસભા ખાતે દાહોદ અને વડોદરા જિલ્લામાં ચીટ ફંડ કંપની સામે નોંધાયેલ ગુનાના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી જાડેજાએ કહ્યું કે, લોભામણી જાહેરાતો દ્વારા લોકોને છેતરવા સંદર્ભે આ એક્ટ હેઠળ રાજ્યમાં 147 ગુનાઓ નોંધાયા છે. જેમાં 1036 આરોપીઓ પૈકી 628 આરોપીઓની ધરપકડ કરાઇ છે. તથા 375 આરોપીઓ ભાગેડુ જાહેર કરાયા છે અને 26 આરોપીઓની ધરપકડ સામે હાઇકોર્ટનો ‘સ્ટે’ છે. ભાગેડુ આરોપીઓને શોધીને તેમની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાડેજાએ જણાવ્યું હતું કે, દાહોદ અને વડોદરામાં એચ.વી.એન. રિયલ્ટી એન્ડ એન્ટરપ્રાઈસીઝ ઈન્ડીયા લિ. દ્વારા 293 રોકાણકારો પાસેથી ડીપોઝીટ લઇને રૂા. 5.91 કરોડની છેતરપીંડી આચરી છે, તે કંપની સામે કડક કાર્યવાહી કરીને અંદાજે રૂા. 10 કરોડથી પણ વધુ રકમની મિલકતો જપ્ત કરાઇ છે. જે અંગે કોર્ટમાં યોગ્ય નિર્ણય થયે તેની હરાજી કર્યા બાદ જે રકમ ઉપજશે એમાંથી આ 293 રોકાણકારોને નાણાં પરત કરવામાં આવશે.

મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યમાં આવી છેતરપીંડી આચરનારા સામે GPID એક્ટ અંતર્ગત થાપણદારની થાપણ પરત ન કરનાર ડાયરેક્ટર – જવાબદારો સામે 3 થી 6 વર્ષની કેદ, અને રૂા. 10 લાખ સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે. અને આ નાણાંમાંથી જે મિલકતો વસાવવામાં આવી હોય તો તેવી મિલકત ટાંચમાં લેવાની પણ જોગવાઇ છે. આવા કેસો ચલાવવા માટે રાજ્યના અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા એમ ચાર સ્થળોએ ખાસ ડેઝીગ્નેટ કોર્ટની સ્થાપના પણ કરાઇ છે.

જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, આ કાયદા હેઠળના ગુનાઓ આર્થિક બાબતોને લગતા હોઇ, આર્થિક આટી-ઘુટીને કારણે આરોપીઓને કોઇ લાભ ન મળે તે હેતુસર આવા ગુનાઓની તપાસમાં ફોરેન્સીક ઓડીટની લાયકાત ધરાવતા ચાર્ટડ એકાઉન્ટન્ટોની પેનલ બનાવવામાં આવી છે. તપાસ અધિકારી આવા ગુનાઓની તપાસમાં ચાર્ટડ એકાઉન્ટન્ટની મદદ લઇ શકે છે. જપ્ત કરવામાં આવેલ મિલકતોની યોગ્ય આકારણી થાય તે સારૂ વેલ્યુઅરની સેવાઓ લેવાની બાબત પણ હાલ વિચારણા હેઠળ છે.

રાજ્ય સરકાર આ પ્રકારના આર્થિક ગુનાઓ સંબંધમાં સતર્ક છે. નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવના અધ્યક્ષતામાં સમયાંતરે મળતી સ્ટેટ લેવલ કમિટીમાં આ પ્રકારના ગુનાઓની સમીક્ષા કરી આ કાયદાની જોગવાઇ મુજબ સામાન્ય લોકોને છેતરપીંડીથી કેવી રીતે બચાવી શકાય તે માટે આગળની કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત સી.આઇ.ડી. ક્રાઇમ હેઠળ આર્થિક ગુના શાખા ઉભી કરવામાં આવી છે. રાજ્યમાં નોંધાતા આવા ગુનાઓનું સંકલન અને નિરીક્ષણ પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા કરવામાં આવે છે.

આ કાયદાની જોગવાઇઓના સંદર્ભમાં મંત્રી જાડેજાએ જણાવેલ કે, અમદાવાદના કિસ્સામાં આરોપીઓ દ્વારા ભોળા નાગરિકોને રૂા. 65 હજારની કિંમતનું હોન્ડા એક્ટિવા રૂા. 38 હજારમાં અપાવવાની લાલચ આપી લોકો પાસેથી પૈસા ઉઘરાવી વાયદા પ્રમાણે ટુ વ્હીલરની ડીલેવરી ન આપી વિશ્વાસઘાત અને ઠગાઇના કિસ્સામાં આરોપીઓની તેમના બેંક ખાતામાં જમા રૂા. 10 લાખની રકમ ટાંચમાં લઇ ડેઝીગ્નેટ કોર્ટના હુકમથી આ રકમ 130 ભોગ બનનારાઓના બેંક ખાતામાં 56.70 ટકા પ્રમાણે તેમના સરખા ભાગે આવતી વહેંચી આપવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ કાયદા હેઠળ છેલ્લા ચાર વર્ષમાં 147 ગુનાઓમાં 1,10,172 ભોગ બનનાર વ્યક્તિઓની રૂા. 768,90,32,071/- (સાતસો અડસઠ કરોડ નેવું લાખ) ની રકમની છેતરપીંડી થયેલ છે. જેની સામે રૂ. 249,31,20,355/- (બસો ઓગણ પચાસ કરોડ એકત્રીસ લાખ) ની મિલકત તથા રૂા. 27,52,08,570 /- (સત્યાવીસ કરોડ બાવ્વન લાખ) ની રોકડ સરકાર દ્વારા ટાંચમાં લેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news