અમદાવાદમાં PM મોદીના કાર્યક્રમની તડામાર તૈયારી, 11 માર્ચે દોઢ લાખ જનપ્રતિનિધિઓને ચૂંટણીના વર્ષમાં આપશે 'ગુરુમંત્ર'

ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ પુરી થયા બાદ હવે ગુજરાતમાં ચૂંટણીઓની મોસમ ખીલવાની છે, ત્યારે ભાજપે તેની તૈયારીઓ આમ તો ક્યારની પણ શરૂ કરી દીધી છે. ભાજપ ફરીથી સત્તા મેળવવા માટે કમર કસી રહ્યું છે.

અમદાવાદમાં PM મોદીના કાર્યક્રમની તડામાર તૈયારી, 11 માર્ચે દોઢ લાખ જનપ્રતિનિધિઓને ચૂંટણીના વર્ષમાં આપશે 'ગુરુમંત્ર'

ઝી ન્યૂઝ/અમદાવાદ: અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમની તડામાર તૈયારી ચાલી રહી છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ પુરી થયા પછી હવે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ માટેનું કાઉનડાઉન શરૂ થયું છે. ત્યારે અમદાવાદ GMDC ગ્રાઉન્ડમાં પીએમ મોદીના કાર્યક્રમની તૈયારી આરંભી દેવામાં આવી છે, એટલું જ નહીં સ્ટેજ અને ડોમ બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં ''મારુ ગામ, મારુ ગુજરાત'' અંતર્ગત વડાપ્રધાન 1. 5 લાખથી વધુ જનપ્રતિનિધિઓનું સંબોધિત કરશે. 

ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ પુરી થયા બાદ હવે ગુજરાતમાં ચૂંટણીઓની મોસમ ખીલવાની છે, ત્યારે ભાજપે તેની તૈયારીઓ આમ તો ક્યારની પણ શરૂ કરી દીધી છે. ભાજપ ફરીથી સત્તા મેળવવા માટે કમર કસી રહ્યું છે. જેનો શંખનાદ 11મી માર્ચે પીએમ નરેન્દ્ર મોદીના વિરાટ પ્રદર્શન સાથે ફૂંકવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં ભાજપના જનપ્રતિનિધિઓ હાજર રહેવાના છે. અહીં કાર્યક્રમમાં પીએમ મોદી ભાજપના કાર્યકરોને ચૂંટણી અંગે ગુરુમંત્ર આપશે. બીજી બાજુ શહેરની વચ્ચોવચ GMDC ખાતે ભવ્ય કાર્યક્રમની તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 150 બેઠકો માટેનું ગણિત બનાવીને રાખ્યું છે. તેના માટે અત્યારથી માસ્ટરપ્લાન બનાવવાનું શરૂ થઈ ગયું છે. જાણવા મળી રહ્યું છે કે અમદાવાદમાં યોજાનારા કાર્યક્રમમાં પંચાયતથી લઈ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા દોઢ લાખથી વધારે જન પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, જાણવા એવું પણ મળી રહ્યું છે કે યુપીની ચૂંટણીમાં ભાજપનો વિજયોત્સવ ઉજવવાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. 

ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદ મનપાના વિકાસ કાર્યોનું પણ પીએમ મોદી લોકાર્પણ કરી શકે છે. 12 માર્ચે પીએમ મોદી રક્ષા શક્તિ યુનિવર્સિટીના પદવિદાન સમારોહમાં હાજરી આપશે. રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં પણ પીએમ મોદી સંબોધન કરશે. 12 માર્ચે અમદાવાદમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવશે. નવરંગપુરા સ્ટેડિયમમાં પીએમ મોદી ખેલ મહાકુંભને ખુલ્લો મુકશે. જેમાં પણ જંગી જનમેદનીને પીએમ મોદી સંબોધન કરશે. સાથે જ ખેલ મહાકુંભની સફળતાની વાત કરશે. 

32 વર્ષો બાદ RSS ની સર્વોચ્ય બેઠક ગુજરાતમાં 
32 વર્ષો બાદ RSS ની સર્વોચ્ય બેઠક ગુજરાતમાં મળવાની છે. દર વર્ષે માર્ચ મહિનામાં મળનારી બેઠક અમદાવાદના પીરાણા ખાતે યોજાશે. 11 થી 13 માર્ચ સુધી મઅમદાવાદ પિરાણા ખાતે RSSની બેઠક મળશે. RSS ની આ બેઠક વડા મોહન ભાગવત અને ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ જે.પી નડ્ડાની હાજરીમાં યોજાશે. 1988 બાદ પહેલીવાર ગુજરાતમાં આ બેઠક યોજાશે. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લઈને આ બેઠક મહત્વની ગણવામાં આવી રહી છે. RSSની બેઠકમાં શારીરિક પ્રચાર, સંપર્ક, પ્રચારક અભિયાન સહિતના મુદ્દાઓ અંગે મંથન થશે. જેમાં 2-3 કેન્દ્રીય મંત્રીઓ પણ બેઠકમાં ભાગ લેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news