રખડતાં આતંક સામે ગુજરાત હાઈકોર્ટનું સખ્ત વલણ; અધિકારીઓ સામે કન્ટેમ્પ્ટ પીટિશનમાં ચાર્જફ્રેમ થશે

ગુજરાત હાઈકોર્ટ વારંવાર તંત્ર અને સરકારને કાર્યવાહી અંગે સવાલ કરે છે, ડેટા માગે છે. અધિકારીઓ કાર્યવાહીના આંકડા કોર્ટ સમક્ષ રજૂ કરી દે છે. જો કે આ કાર્યવાહીની અસર રસ્તા પર ક્યાંય જોઈ શકાતી નથી.

રખડતાં આતંક સામે ગુજરાત હાઈકોર્ટનું સખ્ત વલણ; અધિકારીઓ સામે કન્ટેમ્પ્ટ પીટિશનમાં ચાર્જફ્રેમ થશે

ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્યમાં રખડતાં ડોર અને બિસ્માર રસ્તાની સમસ્યા અંગે હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. વારંવાર અપાતા આદેશોને અધિકારીઓ ઘોળીને પી જતાં હોવાથી હવે હાઈકોર્ટે જવાબદાર અધિકારીઓ સામે આરોપ નક્કી કરવા સુધીનું પગલું ભર્યું છે. હાઈકોર્ટના આ સખ્ત વલણને જોતાં તંત્ર ફરી દોડતું થયું છે. રખડતાં ઢોર અને બિસ્માર રસ્તાની સમસ્યાથી આખું રાજ્ય પરેશાન છે. રખડતાં ઢોર સતત જીવલેણ સાબિત થઈ રહ્યા છે, લોકો આ સમસ્યા સામે લાચાર છે, પણ તંત્રમાં જરૂરી સંવેદનશીલતાનો અભાવ છે.

ગુજરાત હાઈકોર્ટ વારંવાર તંત્ર અને સરકારને કાર્યવાહી અંગે સવાલ કરે છે, ડેટા માગે છે. અધિકારીઓ કાર્યવાહીના આંકડા કોર્ટ સમક્ષ રજૂ કરી દે છે. જો કે આ કાર્યવાહીની અસર રસ્તા પર ક્યાંય જોઈ શકાતી નથી. અધિકારીઓ કોર્ટની સૂચના અને આદેશોને ઘોળીને પી જતાં તંત્રની આ પ્રકારની ગંભીર બેદરકારીને જોતાં આ વખતે હાઈકોર્ટે સખ્ત વલણ અપનાવ્યું છે. 

ગુજરાત હાઈકોર્ટ ગુરુવારે જવાબદાર અધિકારીઓ સામે કન્ટેમ્પ્ટ પીટિશનમાં ચાર્જફ્રેમ કરવાની હતી, જો કે રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ વધુ સમય માગતા હાઈકોર્ટે શુક્રવાર સુધીનો સમય આપ્યો છે. હવે શુક્રવારે શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી, મનપા અને નગરપાલિકાઓના જવાબદાર અધિકારીઓ તેમજ પોલીસ કમિશનરે હાઇકોર્ટ સમક્ષ હાજર રહેવું પડશે.

હાઈકોર્ટે તંત્ર અને સરકાર સામે અપનાવેલા સખ્ત વલણ પાછળનું કારણ છે આ દ્રશ્યો, હાઈકોર્ટના આદેશ બાદ પણ રસ્તા પર ઢોર અડિંગો જમાવીને બેઠેલા જોવા મળે છે. આખલા રસ્તા પર કબ્જો કરીને યુદ્ધ માંડે છે. વાહનચાલકોની પાછળ દોડીને ઢોર આતંક મચાવે છે. આ જ પ્રકારના કિસ્સા જીવલેણ સાબિત થતાં રહે છે. તેમ છતા તંત્ર જાગતું નથી. આ તમામ ઘટનાઓ ત્યારની છે, જ્યારે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. હાઈકોર્ટે સખ્ત વલણ અપનાવતાં હવે શહેરોમાં તંત્ર સક્રિય થયું છે. રખડતાં ઢોર પકડવાની ગતિ વધી છે.

જો કે આંકડા તંત્રની કામ કરવાની પદ્ધતિ અને હતિ દેખાડે છે. છેલ્લા પોણા બે વર્ષમાં રાજ્યમાં રખડતાં ઢોર અને શ્વાનને કારણે 10 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. વર્ષ 2022માં 5346 લોકોને રખડતા પશુના કારણે ઈજા થઈ હતી, 2023માં અત્યાર સુધી 4890 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અમદાવાદમાં વર્ષ 2022માં 623 લોકોને પશુના કારણે ઈજા થઈ હતી, જ્યારે વર્ષ 2023માં અત્યાર સુધી 642 લોકોને ઈજા પહોંચી છે. આ તો એ ઘટનાઓ છે, જે સરકારી ચોપડે નોંધાઈ છે. વણનોંધાયેલા બનાવોની યાદી અલગ બની શકે છે. 

રખડતાં ઢોર પકડવાનું કામ તંત્ર માટે પણ સરળ નથી. પશુપાલકો સાથે ઘર્ષણની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. બુધવારે રાત્રે અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર રખડતાં ઢોર પકડવા ગયેલી AMCની CNCD વિભાગની ટીમ પર પથ્થરમારો કરાયો. મામલો ઉગ્ર બની જતાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સહિતની ટીમને કાર્યવાહી વિના જ રવાના થવું પડ્યું. 

બુધવારે જ અમદાવાદની સિવિલ હોસ્પિટલની બહાર કરાયેલા દબાણો દૂર કરવા ગયેલી મનપાની ટીમ પર લારીવાળાઓએ હુમલો કર્યો હતો, જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ લોહીલુહાણ થઈ ગયા. આ બનાવમાં 16 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાંથી પાંચની ધરપકડ કરાઈ છે. આ પ્રકારના બનાવ ઢોરના માલિક અને દબાણ કરનારા લોકોની અસામાજિક હરકતો દેખાડે છે. જેનો ઉકેલ લાવવો જરૂરી છે. અને આ કામ તંત્રનું જ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news