10 સંગઠનોએ કૃષિ કાયદાનું કર્યું સમર્થન, કૃષિ મંત્રી બોલ્યા- UPથી કેરલ સુધી કિસાનો સાથે છે

કેન્દ્ર તરફથી પસાર કરાયેલા ત્રણેય કૃષિ કાયદાને રદ્દ કરવાની માગની સાથે કિસાનોનું આદોલન આગળ વધી રહ્યું છે તો સરકાર તરફથી સમાધાન કાઢવાને લઈને પ્રયાસો ચાલી રહ્યાં છે. 
 

10 સંગઠનોએ કૃષિ કાયદાનું કર્યું સમર્થન, કૃષિ મંત્રી બોલ્યા- UPથી કેરલ સુધી કિસાનો સાથે છે

નવી દિલ્હીઃ કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાની વિરુદ્ધ કિસાનોના આંદોલનનો આજે 19મો દિવસ છે. આ વચ્ચે વિભિન્ન રાજ્યોના 10 કિસાન સંગટનોએ કૃષિ કાયદાને ખેડૂતોના હિતમાં ગણાવ્યા છે. આ સંગઠનોએ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત કરી અને પોતાનું સમર્થન પત્ર સોંપ્યું છે. આ પહેલા હરિયાણા અને ઉત્તરાખંડના કિસાનોના પ્રતિનિધિમંડળે કૃષિ મંત્રી સાથે મુલાકાત કરી હતી. રવિવારે ઉત્તરાખંડના 100થી વધુ કિસાનોના પ્રતિનિધિમંડળે તોમર સાથે મુલાકાત કરી અને તેમને આગ્રહ કર્યો કે, આ કિસાનના હિતમાં રહેલા કાયદાને રદ્દ કરવામાં ન આવે. તો આંદોલનકારી કિસાન આ ત્રણેય કાયદાને પરત લેવાની માગ કરી રહ્યાં છે. 

10 કિસાન સંગઠનોએ કૃષિ મંત્રીને સમર્થનનો પત્ર સોંપ્યો
ઉત્તર પ્રદેશ, કેરલ, તમિલનાડુ, તેલંગણા, બિહાર અને હરિયાણા જેવા રાજ્યોના 10 કિસાન સંગઠનોએ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત કરી હતી. ઓલ ઈન્ડિયા કિસાન કો-ઓર્ડિનેશન કમિટી  (AIKCC)ના બેનર હેઠળ આ કિસાન સંગઠનોએ કેન્દ્ર સરકારના ત્રણેય કૃષિ કાયદાનું ખુલીને સમર્થન કર્યુ છે. તેમણે કહ્યું કે, ત્રણેય કાયદા કિસાનોના હિતમાં છે અને તેને પરત ન લેવા જોઈએ. બેઠક બાદ કૃષિ મંત્રીએ કહ્યુ, તમિલનાડુ, તેલંગણા, મહારાષ્ટ્ર, બિહારથી ઓલ ઈન્ડિયા કિસાન કો-ઓર્ડિનેસન કમિટીના સભ્ય આવ્યા હતા. તેમણે કૃષિ કાયદાનું સમર્થન કર્યુ અને આ વિશે અમને એક પત્ર આપ્યો છે. તેમણે કહ્યું કે, મોદી સરકારે આ કિસાનોના કલ્યાણ માટે કર્યુ છે અને તે તેનું સ્વાગત તથા સમર્થન કરે છે. 

એક-એક ક્લોઝ પર વાતચીત માટે તૈયારઃ તોમર
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે, કિસાનોની સાથે વાર્તાની આગામી તારીખ નક્કી કરવા માટે સરકાર તેમના સંપર્કમાં છે. તોમરે કહ્યુ, ચોક્કસપણે બેઠક થશે. અમે કિસાનો સાથે સંપર્કમાં છીએ. તેમણે કહ્યુ કે, સરકાર કોઈપણ સમયે વાતચીત માટે તૈયાર છે. કિસાન નેતાઓએ નક્કી કરવાનું છે કે તે આગામી બેઠક માટે ક્યારે તૈયાર છે. તેમણે કહ્યું, અમે કિસાનો અને કિસાન નેતાઓને મનાવવાનો પ્રયાસ કર્યો. અમારી ઈચ્છા છે કે દરેક ખંડ પર વાતચીત કરવામાં આવે. જો તે દરેક ખંડ પર પોતાના વિચાર વ્યક્ત કરવા માટે તૈયાર છે તો અમે વિચાર-વિમર્શ માટે તૈયાર છીએ. 

40 કિસાન યૂનિયનો સાથે થઈ રહી છે વાતચીત
પ્રદર્શનકારી કિસાનોની 40 યૂનિયનોના પ્રતિનિધિઓ સાથે સરકારની વાતચીતની આગેવાની તોમર કરી રહ્યા છે. તેમની સાથે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ તથા ખાદ્ય મંત્રી પીયૂષ ગોયલ તથા વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી સોમ પ્રકાશ સામેલ છે. કેન્દ્ર અને કિસાન નેતાઓ વચ્ચે અત્યાર સુધી થયેલા પાંચ રાઉન્ડની વાતચીતમાં કોઈ પરિણામ આવ્યું નથી. સરકારે કિસાન સંઘોને એક ડ્રાફ્ટ પ્રસ્તાવ તેના વિચાર માટે મોકલ્યો છે, જેમાં મિનિમમ સપોર્ટ પ્રાઇઝને જારી રાખવાનું આશ્વાસન પણ છે, પરંતુ કિસાન યૂનિયનોએ આ પ્રસ્તાવને નકારી દીધો હતો અને કાયદાને રદ્દ કરવાની માગ કરી છે. તોમરે કહ્યુ કે, આ કાયદા કિસાનોની જિંદગીમાં ફેરફાર લાવવાના છે અને આ કાયદાની પાછળ સરકારની નીતિ અને ઈરાદો સ્પષ્ટ છે. 

શાહ અને તોમરે કરી મુલાકાત
તો બીજીતરફ ગૃહ મંત્રી અમિત શાહે તેમની માગો અને સંબંધિત મુદ્દા પર ચર્ચા માટે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે બેઠક કરી હતી. કારણ કે 19 દિવસથી કિસાનોનું આંદોલન ચાલી રહ્યું છે, બંન્ને મંત્રીઓએ વિરોધ પ્રદર્શનને જલદી સમાપ્ત કરવા તેની માંગો પર ચર્ચા વિચારણા કરી હતી. જલદી સમાધાન તે માટે પણ જરૂરી છે કારણ કે કિસાનોના આંદોલનથી દિલ્હી અને તેના આસપાસના વિસ્તારના મુખ્ય રસ્તામાં મુશ્કેલી પડી રહી છે જેના કારણે વિભિન્ન જરૂરી વસ્તુઓનો પુરવઠો પ્રભાવિત થઈ રહ્યો છે. આ સાથે લોકોને અવર-જવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news