Shocking! બાળકને કૂતરું કરડ્યું પણ ઘરમાં કોઈને ખબર જ નહીં, આખરે તડપી તડપીને પિતાના ખોળામાં દમ તોડ્યો

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં કૂતરાના કરડવાથી 15 વર્ષના માસૂમ બાળકને હડકવા થયો અને આખરે સ્થિતિ એવી વકરી કે તેનું દર્દનાક મોત નિપજ્યું. આ સમગ્ર ઘટના હચમચાવી નાખે તેવી છે. દરેક માતાપિતાએ ખાસ જાણવા જેવી છે. 

Shocking! બાળકને કૂતરું કરડ્યું પણ ઘરમાં કોઈને ખબર જ નહીં, આખરે તડપી તડપીને પિતાના ખોળામાં દમ તોડ્યો

હડકવા એક એવી બીમારી છે જેનો સમયસર ઈલાજ કરવામાં ન આવે તો માણસ કોમામાં જઈ શકે છે કે તેનું તડપી તડપીને મોત થઈ શકે છે. આ મોત ખુબ જ દર્દનાક હોય છે. મંગળવારે યુપીના ગાઝિયાબાદમાં હડકવાનો આવો જ એક મામલો સામે આવ્યો જ્યાં 15 વર્ષના છોકરાનું તરફડીને મોત નિપજ્યું. આ મામલામાં કોની ભૂલ એ મોટો સવાલ ઉઠી રહ્યો છે. 

આ મામલો વિજયનગર પોલીસ મથક હદની ચરણસિંહ કોલોનીનો છે. અહીં લગભગ 5 દિવસ પહેલા સાવેજ નામના બાળકમાં હડકવાના લક્ષણો જોવા મળ્યા હતા. તે હવા પાણીથી ડરવા લાગ્યો હતો અને અંધારામાં રહેતો હતો. છોકરાની હાલત ખરાબ જોતા પરિજનો તેને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ડોક્ટરોએ દાખલ કરવાની ના પાડી દીધી. સાવેજને યોગ્ય સારવાર ન મળી અને તેનું મોત નિપજ્યું. 

હકીકતમાં યાકુબના પુત્ર સાવેજને લગભગ એક મહિના પહેલા ગલીના જ એક કૂતરાએ બચકું ભર્યું હતું. પણ બાળકે ડરના માર્યા કોઈને આ વાત ઘરમાં જણાવી નહીં. પણ 5 દિવસ પહેલા જ તેના શરીરમાં અજીબ ફેરફાર જોવા મળવા લાગ્યા. તેના મોઢામાંથી લાળ ટપકી રહી હીત અને તે પાણી પીવાથી પણ ડરતો હતો. ચહેરો પણ વિચિત્ર થઈ ગયો હતો. 

ત્યારે ઘરના લોકોને ચિંતા થવા લાગી પરંતુ તેઓ કશું સમજી શક્યા નહીં. ચોંકાવનારી વાત એ કે ઘરવાળાઓએ આવી સ્થિતિ જોતા પણ બાળકની ક્યાંય તપાસ કરાવી નહીં. ત્યારબાદ બાળકે જ્યારે ઘરમાં જણાવ્યું કે તેને એક મહિના પહેલા કૂતરું કરડ્યું હુતં ત્યારે ઘરવાળા તેને લઈને હોસ્પિટલ દોડ્યા. પરંતુ ત્યાં સુધીમાં તો માસૂમ બાળકની તબિયત વધુ બગડી ચૂકી હતી હતી. 

ડોક્ટરોએ જ્યારે ચેક કર્યું તો કૂતરાના કરડવાના કારણે હડકવાના લક્ષણોની પુષ્ટિ થઈ હતી. તેની અંદર બીમારીનું ઈન્ફેક્શન ખુબ વધી ગયું હતું. સાવેજના પરિજનોના જણાવ્યાં મુજબ ડોક્ટરોએ સારવાર કરવાની જગ્યાએ હાથ ઊંચા કરી દીધા. કોઈ પણ  હોસ્પિટલે તે બાળકને દાખલ કરવાની તસદી લીધી નહીં. સાવેજ સતત તડપી રહ્યો હતો. પરિજનો પણ રડી રડીને અધમૂઆ થઈ ગયા હતા. આમ તેમ બાળકની સારવાર માટે દોડી રહ્યા હતા. સાવેજનો પરિવાર સારવાર માટે 3 દિવસ સુધી એમ્બ્યુલન્સમાં જ ભટકતો રહ્યો. 

દિલ્હીની તમામ મોટી હોસ્પિટલોમાં સાવેજને લઈને ગયા. ગાઝિયાબાદમાં દાખલ કરવાની કવાયતમાં લાગેલા પરિજનો પાસેથી મળેલી માહિતી મુજબ 10,000 જેટલા રૂપિયા તો ફક્ત ગાડીના  ભાડામાં જ ખર્ચાઈ ગયા આમ છતાં બાળકને કોઈ હોસ્પિટલમાં દાખલ કરાયો નહીં. બાળકનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે એમ્બ્યુલન્સમાં બેઠેલો જોઈ શકાય છે. જે રીતે તેના શ્વાસ ફૂલે છે અને બાળકને પકડી રખાયો છે તે જોઈને ગમે તેવા કઠણ કાળજાની વ્યક્તિની આંખોમાં પણ આંસુ આવી જાય. જ્યારે ડોક્ટરે સારવાર કરવામાં અસર્થતા દર્શાવીને બીમારીની કોઈ સારવાર નથી એવું કહી દીધુ ત્યારે માસૂમના પિતાનું હૈયાફાટ રૂદન કોઈને પણ હચમચાવી જાય. 

અત્યંત દર્દનાક સ્થિતિ ત્યારે જોવા મળી જ્યારે આવી હાલતમાં બાળકે પિતાની ગોદમાં જ દમ તોડ્યો. પરિવારના જણાવ્યાં મુજબ સાવેજને જે કૂતરો કરડ્યો તે પાડોશમાં રહેતી એક મહિલાનો છે. મહિલાની પાસે આ કૂતરા ઉપરાંત બીજા પણ 5 થી 6 કૂતરા છે અને તે અવારનવાર લોકોને કરડે છે. 

કાર્યવાહીની ગુહાર
સાવેજના પરિજનોનું કહેવું છે કે જેવું તેમના બાળક સાથે થયું તેવું કોઈના બાળક સાથે ન થાય. આ માટે પ્રશાસન જરૂરી પગલાં ભરે અને કાનૂની કાર્યવાહી કરે. જ્યારે નગર નિગમે સ્ટ્રીટ ડોગને ફીડ  કરાવતી મહિલાને નોટિસ પણ મોકલી છે. 

શું છે હડકવા
હડકવાનો વાયરસ  રેબીઝ એક ઘાતક વાયરસ છે. જે સંક્રમિત જાનવરોની લાળથી લોકોમાં ફેલાય છે. એકવાર જ્યારે કોઈ વ્યક્તિમાં હડકવાના લક્ષણો જોવા મળવાના શરૂ થઈ જાય ત્યારે આ રોગ લગભગ મૃત્યુનું કારણ બની જતો હોય છે. ગણતરીના કેસો બાદ કરતા હડકવામાં મોતના ચાન્સ વધુ હોય છે. એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ લોકોને લાગે છે કે હડકવા ફક્ત કૂતરાના કરડવાથી જ થાય છે પરંતુ આ બીમારી બિલાડી, ઘોડા અને ચામાચિડિયાના બચકા ભરવાથી પણ થાય છે. જાનવરોના બચકા ભરવાના અનેક કેસોમાં ઘરેલું નુસ્ખા લોકો અપનાવે છે. પરંતુ આવું કરવું જોઈએ નહીં. જાનવર બચકું ભરે ત્યારે તરત જ રેબીઝની રસી લેવી જરૂરી છે. 

WHO ના જણાવ્યાં મુજબ રેબીઝ એક વાયરલ ઈન્ફેક્શન છે જેનાથી નર્વસ સિસ્ટમ અને મગજ પ્રભાવિત થાય છે. રેબિઝનો વાયરલ શરીરમાં 30થી 60 દિવસ સુધી રહી શકે છે. સારવાર ન મળતા મૃત્યુદર ઘણો વધુ હોય છે. રેબીઝ જાનવરોમાંથી માણસોમાં ફેલાય છે અને મોટાભાગે જાનવરોના બચકા ભરવાથી કે કરડવાથી ફેલાય છે. જો કે જાનવરોની લાળનો જો સ્કીન પર કોઈ ઘા સાથે સંપર્ક થાય તો પણ સંક્રમણ થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news