ચમત્કાર ! કેદારનાથના 2013ના પૂરમાં તણાઈ ગયેલી 17 વર્ષીય યુવતીનું પરિવાર સાથે મિલન

ચંચલ નામની છોકરી એ વખતે 12 વર્ષની હતી અને તેના પરિજનોએ આ ભીષણ પૂરમાં તેને મૃત માની લીધી હતી, જોકે, એ સમયે રાહત-બચાવ કાર્યમાં લાગેલી ટૂકડીએ માનસિક રીતે વિકલાંગ એવી આ છોકરીને જમ્મુમાં એક અનાથાશ્રમમાં મોકલી આપી હતી

ચમત્કાર ! કેદારનાથના 2013ના પૂરમાં તણાઈ ગયેલી 17 વર્ષીય યુવતીનું પરિવાર સાથે મિલન

અલીગઢઃ કહેવત છે કે, 'રામ રાખે તેને કોણ ચાખે.' આ કહેવત આજની દુનિયામાં પણ આપણે અનેક વખત સાર્થક થતી જોઈએ છીએ. ખાસ કરીને કોઈ મોટી દુર્ઘટના કે પછી કુદરતી આફતમાં આવા કિસ્સા આપણને અનેક વખત જાણવા મળતા હોય છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં જ બહાર આવ્યો છે, જેમાં એક 17 વર્ષની માનસિક રીતે વિકલાંગ યુવતીનું 5 વર્ષ બાદ તેના પરિવાર સાથે મિલન થયું છે. આ યુવતી વર્ષ 2013માં કેદારનાથમાં આવેલા ભીષણ પૂરમાં તણાઈને પરિવાર સાથે વિખૂટી પડી ગઈ હતી અને પરિજનોએ તેને મૃત માની લીધી હતી. 

લાંબા સમયથી ખોવાઈ ગયેલી પોતાની પૌત્રીને જોતાં જ તેના દાદા-દાદી હરિશ ચંદ અને શકુંતલાદેવીની ખુશીનો પાર રહ્યો ન હતો. અહીં સ્થાનિક બન્નાદેવી વિસ્તારમાં રહેતા 17 વર્ષીય માનસિક વિકલાંગ ચંચલના દાદા-દાદીએ જણાવ્યું કે, "આ મિલન એક ચમત્કાર જ છે, બીજું કંઈ નહીં."

ચંચલના દાદાએ જણાવ્યું કે, તે તેના માતા-પિતા સાથે કેદારનાથની યાત્રાએ ગઈ હતી. એ સમયે સર્જાયેલી દુર્ઘટનામાં તેના પિતા તણાઈ ગયા હતા, જ્યારે તેની માતા કેટલાક સમય બાદ ઘરે પાછી ફરી હતી, પરંતુ ચંચલની તેમને કોઈ ભાળ મળતી ન હતી. વળી, ચંચલ માનસિક રીતે વિકલાંગ પણ હતી. 

આ યુવતીનું અલીગઢમાં તેના પરિવાર સાથે મિલન કરાવનારી એનજીઓ ચાઈલ્ડલાઈનના ડિરેક્ટર ગ્યાનેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે, "ચંચલના પરિજનોએ તેને મૃત માની લીધી હતી. જોકે, એ સમયે રાહત-બચાવ કાર્યમાં જોડાયેલા લોકોએ તેને જમ્મુ અનાથાશ્રમમાં મોકલી આપી હતી."

મિશ્રાએ વધુમાં જણાવ્યું કે, "આ અનાથાશ્રમના લોકોએ જોયું કે છેલ્લા કેટલાક મહિનાથી આ યુવતી વારંવાર અલીગઢ શહેર અંગે તેની મર્યાદિત બોલવાની શક્તિમાં વાતો કરી રહી છે." તેમનો એક વખત અલીગઢ શહેરના એક વકીલ સંજીવ રાજાનો સંપર્ક થઈ ગયો હતો, જેમણે મિશ્રાજીની મદદ લીધી હતી. 

ત્યાર બાદ મિશ્રાજીએ પોલિસની મદદથી આ યુવતીના માતા-પિતાને શોધી કાઢ્યા હતા અને પછી તેના પરિજનો સાથે મિલન કરાવ્યું હતું. ચંચલના દાદા હરીશચંદે જણાવ્યું કે, ચંચલ હજુ પણ તેના પિતા રાજેશને યાદ વારંવાર યાદ કરી રહી છે, જે હવે આ દુનિયામાં રહ્યા નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news