BJPને મહબૂબા મુફ્તીના પ્લાનની ગંધ આવી જતા રમાયો 'છેલ્લો દાવ'?
રમઝાન વખતે કેન્દ્રએ આતંકીઓ વિરૂદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાન ઓપરેશન બ્લેકઆઉટની જાહેરાત કરી હતી
Trending Photos
નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાં પીડીપી-બીજેપી ગઠબંધન સરકાર પડી ભાંગી છે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે જાહેરાત કરીને જણાવ્યું છે કે કાશ્મીરમાં હાલની પરિસ્થિતિ જોઈને બીજેપી હવે મહબૂબા મુફ્તીના નેતૃત્વમાં પીડીપીને સમર્થન આપવાની સ્થિતિમાં નથી. તેમણે મહબૂબા મુફ્તી પર આરોપ લગાવીને કહ્યું કે હાલની પરિસ્થિતિમાં આતંકવાદ તેમજ હિંસામાં વધારો થયો છે તેમજ લોકોના મૌલિક અધિકાર ખતરામાં છે.
રામ માધવે ઉદાહરણ તરીકે પત્રકાર શુજાત બુખારીની હત્યાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે હાલની પરિસ્થિતિમાં પીડીપીને સમર્થન આપવા્નું શક્ય નથી. આમ, બીજેપી સમર્થન પરત ખેંચવા માટે ભલે આ કારણો ગણાવી રહી હોય પણ આ કારણો કેટલા યોગ્ય છે એ જાણવું રસપ્રદ સાબિત થશે.
રમઝાનના પ્રસંગે કાશ્મીરમાં કેન્દ્રએ આતંકીઓ વિરૂદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાન ઓપરેશન બ્લેકઆઉટની જાહેરાત કરી હતી પણ એની કોઈ સકારાત્મક અસર પડી નહોતી. આ સંજોગોમાં પત્થરબાજી તેમજ આતંકવાદી ગતિવિધિમાં વધારો થયો છે. ટોચના પત્રકાર શુજાત બુખારીની શ્રીનગરમાં ધમધમતા વિસ્તારમાં હત્યા કરી દેવામાં આવી છે. આ પછી 17 જૂને સરકારે સંઘર્ષવિરામની ઘોષણાને પરત ખેંચતા કહ્યું કે હવે પહેલાંની જેમ આતંકવાદીઓ સામે કડક હાથે કામ લેવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીનો પક્ષ પીડીપી આ નિર્ણયના વિરોધમાં હતો. પીડીપી આ સંઘર્ષવિરામને આગળ વધારવાના પક્ષમાં હતો.
કેન્દ્રની દલીલ હતી કે કાશ્મીની પરિસ્થિતિ બદતર બની રહી છે અને એટલે સંઘર્ષવિરામને આગળ વધારવો યોગ્ય નથી. સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી મહબૂબા આ મામલે અક્કડ બની ગયા હતા અને સંઘર્ષવિરામ આગળ વધે એ માટે રાજીનામું આપવાના મૂડમાં આવી ગયા હતા. જો મહબૂબા રાજીનામું આપી દેત તો પોતાની જાતને શહિદ ગણાવીને દોષનો બધો ટોપલો બીજેપી પર ઠાલવી દેત. છેલ્લા એક વર્ષથી મહેબૂબા પોતાના માટે જનતામાં સહાનુભુતિ ઉઘરાવી રહ્યા હતા.
ત્રણ વર્ષ પહેલાં થયેલી જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં રાજ્યની 87 સીટમાંથી પીડીપીને 28 અને બીજેપીને 25 સીટ મળી હતી. આ મામલે મહિનાઓ સુધી વાતચીત થયા પછી મુફ્તી મોહમ્મદ સઇદના નેતૃત્વમાં પીડીપી-બીજેપીની સરકાર અસ્તિત્વમાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે