Nipah Virus: સાવધાન! કોરોનાથી 70% વધુ ખતરનાક વાયરસની એન્ટ્રી, અહીં સ્કૂલ-કોલેજો બંધ

Nipah Virus: નિપાહ વાયરસ કોરોના વાયરસની જેમ ઝડપથી ફેલાતો નથી અને સમયાંતરે જો તેને કંટ્રોલ કરી લેવામાં આવે તો તેને મર્યાદિત વિસ્તારમાં રોકી શકાય છે. પરંતુ આ વાયરસથી જીવ જવાનું જોખમ રહે છે. આ બીમારીની સીધી રીતે કોઈ દવા નથી. 

Nipah Virus: સાવધાન! કોરોનાથી 70% વધુ ખતરનાક વાયરસની એન્ટ્રી, અહીં સ્કૂલ-કોલેજો બંધ

Outbreak Of Nipah Virus: દેશમાં એકવાર ફરીથી નિપાહ વાયરસનું જોખમ તોળાઈ રહ્યું છે. આઈસીએમઆરના ડાયરેક્ટર જનરલ ડો. રાજીવ બહલે સ્પષ્ટપણે કહ્યું છે કે નિપાહ વાયરસ વધુ જીવલેણ સાબિત થઈ શકે છે. કોરોનાના કેસમાં મૃત્યુ દર 2થી 3 ટકા હતો પરંતુ નિપાહ વાયરસના મામલે તે 40થી 70 ટકા વચ્ચે છે. કોરોનાની સરખામણીમાં આ વાયરસ વધુ ખતરનાક છે  અને લોકોએ તેને હળવાશમાં લેવો જોઈએ નહીં. 

જો કે રાહતની વાત એ છે કે નિપાહ વાયરસના સંક્રમણની ઝડપ કોરોના વાયરસની સરખામણીમાં ઘણી ઓછી છે. તે ફક્ત ત્યારે જ ફેલાઈ શકે છે જ્યારે તમે સંક્રમિત દર્દીના  બોડી ફ્લૂઈડ, જેમ કે લોહી, લાળ કે મળ મૂત્રના સંપર્કમાં આવો કે પછી લાંબા સમય સુધી એવા દર્દીઓની ખુબ નજીક રહો. 

નિપાહ વાયરસનું એલર્ટ
વાત જાણે એમ છે કે ICMR એ કહ્યું છે કે જો એક વિસ્તાર વિશેષમાં જ વાયરસને કન્ટેઈન કરી લેવામાં આવે તો બીમારીને મોટા સ્તરે ફેલાતી રોકી શકાય છે. જ્યારે બુધવારે સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટ કરી દીધુ હતું કે કેરળમાં નિપાહ વાયરસના બે કન્ફર્મ દર્દી છે અને ચાર સંદિગ્ધ સેમ્પલ તપાસ માટે મોકલાયા છે. ગત સોમવારે કેરળના કોઝિકોડ પ્રશાસને જિલ્લામાં નિપાહ વાયરસનું એલર્ટ જાહેર કર્યું હતું. આ એલર્ટ કોઝિકોડની પ્રાઈવેટ હોસ્પિટલમાં બે લોકોના તાવથી મોત બાદ જારી કરાયું હતું. મૃતકોમાંથી એકના પરિવારનો એક વ્યક્તિ પણ બીમારી છે જે આઈસીયુમાં દાખલ છે. દક્ષિણ ભારતના આ મલિયાલમ ભાષી રાજ્યમાં અત્યાર સુધીમાં 6 કેસ સામે આવી ચૂક્યા છે. 

શું હોય છે નિપાહ વાયરસ
નિપાહ વાયરસ ચામાચિડિયા અને સુવર દ્વારા માણસોમાં ફેલાય છે. જાનવરોમાંથી માણસોમાં આવતી આ બીમારીને જૂનોટિક ડિસિસ કહે છે. આથી નિપાહ વાયરસ zoonotic disease ની કેટેગરીમાં આવે છે.

લક્ષણો- નિપાહ વાયરસથી સંક્રમિત વ્યક્તિમાં અનેક પ્રકારના લક્ષણો જોવા મળે છે. શરૂઆતના લક્ષણોમાં માથાનો દુખાવો અને તાવ સામેલ છે. આ ઉપરાંત ઊધરસ, ગળામાં ખરાશ, શ્વાસ લેવામાં મુશ્કેલી, ઉલ્ટી થવી. ગંભીર રીતે બીમાર વ્યક્તિમાં નિપાહ વાયરસના આ લક્ષણો જોવા મળે છે જેમ કે ભ્રમની સ્થિતિ, ઊંઘ ન આવવી, માથામાં સોજો, કોમામાં જવું, મગજનો તાવ. ગંભીર રીતે બીમાર થવાની સ્થિતિમાં 40-70 ટકા સુધી  દર્દીના મોત થઈ શકે છે. 

નિપાહ પર ICMR નું વિસ્તૃત રિસર્ચ
2019માં આઈસીએમઆર અને NIV (national institute of Virology) એ નિપાહ વાયરસની ઓળખ અને સારવારના હેતુથી એક સ્ટડી  કર્યો હતો. ભારતમાં અત્યાર સુધીમાં નિપાહ વાયરસના સૌથી વધુ છ દર્દીઓ 2018માં મળી આવ્યા હતા. ત્યારબાદ જ આઈસીએમઆરને રિસર્ચનું કામ સોંપવામાં આવ્યું હતું. તેમાં પીડિત દર્દીઓના 330 પરિજનો અને નીકટના લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો. સ્ટડીમાં 55 એવા લોકોમાં વધુ જોખમ જોવા મળ્યું જે સીધા દર્દીના બોડી ફ્લૂઈડ જેમ કે લોહી, લાળ કે પછી મળમૂત્રના સંપર્કમાં આવ્યા હોય. આવા લોકોમાં મોટાભાગના પરિવારના લોકો કે હોસ્પિટલના સ્ટાફના હતા. 

આઈસોલેશન કરવાનો નિર્ણય
એક્સપર્ટ્સે તે વખતે કેરળના કેટલાક જિલ્લાઓમાંથી ચામાચિડિયા પકડીને તેમના પર રિસર્ચ કર્યો હતો જેમાંથી 4 ચામાચિડિયામાં નિપાહ વાયરસની હાજરીની પુષ્ટિ થઈ હતી. દર્દીના આઈસોલેશનની સાથે સાથે તમામ ચીજોને ડિકોન્ટેમિનેટ કરવામાં આવી. પીપીઈ કિટ્સ પહેરીને જ સ્વાસ્થ્યકર્મીઓને સારવારની સલાહ અપાઈ. જેના કારણે 2019માં હાલાત કાબૂમાં રહ્યાં. 

ભારતમાં પહેલા પણ આવી ચૂક્યો છે નિપાહ
ભારતમાં આ અગાઉ પણ નિપાહ આવી ચૂક્યો છે. 2001માં પશ્ચિમ બંગાળના સિલિગુડી જિલ્લામાં અને 2007માં નાદીયામાં પણ નિપાહ વાયરસ ગત વર્ષે ફેલાયો હતો. મે 2018માં નિપાહ કેરળના જ કોઝિકોડમાં મળી આવ્યો હતો. તે સમયે 23માંથી 21 દર્દીઓના મોત થયા હતા. જો કે તેમાં સંપૂર્ણ રીતે 6 દર્દીના વાયકસતી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ શકી હતી. ત્યારબાદ 2019માં એર્નાકુલમમાં એક દર્દી મળ્યો હતો. જે  બાદમાં સારવારથી ઠીક થઈ ગયો. ત્યારબાદ 2021માં પણ નિપાહના કેસ સામે આવ્યા હતા. 

મંગાવી એન્ટીબોડી
આખરે કેરળમાં નિપાહનું આટલું જોખમ કેમ છે. કેરળ સરકારના જણાવ્યાં મુજબ નિપાહ વાયરસમાં બાંગ્લાદેશી વેરિએન્ટ હોવાનું ચિંતાજનક છે. સુરક્ષાકારણોસર 14 અને 15 તારીખ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાનો બંધ રખાઈ. આઈસીએમઆરે એમ પણ કહ્યું છે કે તેઓ ઓસ્ટ્રેલિયાથી મોનોક્લોનર એન્ટીબોડીના 20 વધુ ડોઝ મંગાવી રહ્યા છે. નિપાહને NiV નામથી પણ ઓળખવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યાં મુજબ 1998માં મલેશિયાના સુંગઈ નિપાહ ગામમાં NiV વિશે ખબર પડી અને તેને નિપાહ નામ મળ્યું. આ વાયરસ સૂઅર અને ચામાચિડિયાના કારણે માણસોમાં ફેલાય છે. ખાસ વાત એ છે કે જ્યારે કોઈ જાનવર કે માણસ ચામાચિડિયાના એઠા ફળો કે શાક ખાય તો તેના નિપાહથી સંક્રમિત થવાની શક્યતા વધી જાય છે. તે ખુબ જ ચેપી છે. 

લેટેસ્ટ અપડેટ
- કેરળમાં કુલ સંક્રમિતોની સંખ્યા 6 છે. 
- ICMR ના જણાવ્યાં મુજબ આ બીમારી માટે અપાતી મોનોક્લોનલ એન્ટીબોડી ફક્ત 10 દર્દીઓ જેટલી બચી છે. 
- મોનોક્લોનલ એન્ટીબોડીના 20 ડોઝ વધુ મંગાવવામાં આવ્યા છે. જેથી કરીને સંક્રમણની શરૂઆતમાં જ દર્દીને આપી શકાય. 

બચવા માટે આ ટિપ્સ ફોલો કરો....

1. ડબલ માસ્ક પહેરો
2. વારે ઘડિયે હાથ બરાબર ધૂઓ. 
3. ભીડભાડવાળી જગ્યા પર ન જાઓ. 
4. પક્ષીઓ અને જાનવરોએ ચાખેલા ફળ ન ખાઓ. 
5. ચામાચિડિયા અને અન્ય પક્ષીઓથી અંતર જાળવો. કન્ટેનમન્ટ ઝોન કે આજુબાજુ બનેલા તાડી જેવા દ્રવ્યોનું સેવન ન કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news