Power Crisis: દેશમાં અંધારપટનું જોખમ, 81 પાવર પ્લાન્ટ પાસે 5 દિવસ કરતા પણ ઓછો કોલસાનો સ્ટોક

Power Crisis in India: અસહ્ય ગરમી વચ્ચે દેશ હાલ વીજ સંકટ સામે ઝઝૂમી રહ્યો છે. દેશમાં શુક્રવારે 207 ગીગાવોટની રેકોર્ડ ઉર્જાની માગણી પૂરી કરાઈ. પરંતુ આમ છતાં દેશમાં અનેક જગ્યાઓ પર લાંબા પાવરકટની સમસ્યા રહી.

Power Crisis: દેશમાં અંધારપટનું જોખમ, 81 પાવર પ્લાન્ટ પાસે 5 દિવસ કરતા પણ ઓછો કોલસાનો સ્ટોક

Power Crisis in India: અસહ્ય ગરમી વચ્ચે દેશ હાલ વીજ સંકટ સામે ઝઝૂમી રહ્યો છે. દેશમાં શુક્રવારે 207 ગીગાવોટની રેકોર્ડ ઉર્જાની માગણી પૂરી કરાઈ. પરંતુ આમ છતાં દેશમાં અનેક જગ્યાઓ પર લાંબા પાવરકટની સમસ્યા રહી. કોલસાની અછતના કારણે જે સંકટ ઊભું થયું છે તેને પહોંચી વળવા માટે રેલવેએ 42 ટ્રેનો પણ શરૂ કરી. હવે દેશમાં આ ઉર્જા સંકટ કયા કારણે પેદા થયું તે જાણવું પણ જરૂરી છે. 

ઉર્જાની રેકોર્ડ ડિમાન્ડ
ઉર્જા મંત્રાલયે 29 એપ્રિલના રોજ રાતે એક ટ્વીટ  કરીને જણાવ્યું કે દેશમાં શુક્રવારે બપોર 2.50 મિનિટ પર 207 ગીગાવોટ ઉર્જાની માંગણી પૂરી કરવામાં આવી. ભારત માટે ઉર્જા આપૂર્તિનો આ અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. થોડા દિવસ પહેલા જ ઉર્જા મંત્રાલયે ટ્વીટ કરીને ઉર્જા આપૂર્તિનો ગત વર્ષ જુલાઈ 2021નો રેકોર્ડ તોડ્યો હતો. મંત્રાલયે આડકતરી રીતે સંકેત આપી દીધો હતો કે મે જૂનના મહિનામાં ઉર્જાની માગણી 215-22- ગીગા વોટ સુધી પહોંચી શકે છે. 

ખેડૂતો ઝેલી રહ્યા છે આ સમસ્યા
દેશમાં ઉર્જાની વધતી માગણી અર્થવ્યવસ્થા માટે સારો સંકેત મનાય છે પરંતુ હાલની સ્થિતિમાં આ મામલો ફક્ત ઉદ્યોગોની માંગણીનો નથી. આ વર્ષ માર્ચ અને એપ્રિલ બંને મહિનામાં ગરમીએ અનેક દાયકાના રેકોર્ડ તોડ્યા છે. આવામાં ગ્રાહકોના વપરાશમાં પણ ભારે વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત ખેડૂતો પણ પોતાના ખેતરોમાં વાવણી કરી રહ્યા છે. ગરમીના કારણે તેમને વાવણી માટે પૂરતો ભેજ મળી રહ્યો નથી. આવામાં તેમને પણ સિંચાઈ માટે વધુ વીજળીની ખપત થઈ રહી છે. 

દેશમાં આટલી છે વીજ અછત
મંત્રાલયની વેબસાઈટ National power portal મુજબ 28 એપ્રિલના રોજ દેશમાં 10770 મેગાવોટની કમી હતી. અનેક રાજ્યોમાં લાંબા લાંબા પાવરકટ જોવા મળ્યા. મંત્રાલયના ડેટા મુજબ 29 એપ્રિલની પીક ડિમાન્ડ 199,000 મેગાવોટની હતી જેમાંથી 188,222 ની આપૂર્તિ થઈ શકી. 

ઉર્જાની માગણી (મેગાવોટમાં)

પીક માગણી 199000 
પીક આપૂર્તિ  188222 
કમી- 10778  
સ્ત્રોત: NPP, 28 એપ્રિલ, 2022 

કોલસાની ભારે અછત સર્જાઈ
કોલસાની આપૂર્તિને વધારવા માટે રેલવેએ વિશેષ ટ્રેનો કામે લગાડી છે. દેશમાં કોલસા આધારિત વીજ પ્લાન્ટ માટે 26 દિવસના કોલસાનો સ્ટોક નિર્ધારિત કરાયેલો છે. પરંતુ દેશના લગભગ 81 પાવર પ્લાન્ટમાં 5 દિવસથી પણ ઓછા સમયનો કોલસો બચ્યો છે. જ્યારે 47 પ્લાન્ટ એવા છે કે જેમાં 6-15 દિવસનો કોલસાનો સ્ટોક છે. 16 દિવસથી 25 દિવસના કોલસા સ્ટોકવાળા પાવર પ્લાન્ટ ફક્ત 13 છે. 

આ રાજ્યોની સ્થિતિ વિકટ
દેશમાં અનેક એવા રાજ્યો છે જ્યાં કોલસાનો સ્ટોક 10 ટકા કે તેનાથી પણ ઓછો છે. આ રાજ્યોમાં સૌથી ગંભીર સ્થિતિ પશ્ચિમ બંગાળની છે. જ્યાં નિર્ધારિત માપદંડ કરતા સાવ ઓછો એટલો કે માત્ર 5 ટકા સ્ટોક જ વધ્યો છે. આ ઉપરાંત તામિલનાડુ, ઝારખંડ, અને આંધ્ર પ્રદેશમાં કોલસાનો સ્ટોક ક્રમશ: 7%, 9% અને 10% છે. જ્યારે મધ્ય પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને પંજાબમાં નિર્ધારિત માપદંડનો 25 ટકા કોલસા સ્ટોક છે. 

દેશ વીજ ઉત્પાદન માટે લગભગ 1/3 કોલસો આયાત કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાની કિંમત છેલ્લા ચાર વર્ષમાં ચાર ગણી વધી છે. જેનાથી વીજળી કંપનીઓ પર દબાણ વધ્યું છે. આયાત કરાયેલા કોલસા પર 17255 મેગાવોટથી વધુની ક્ષમતાના થર્મલ પાવર પ્લાન્ટ કામ કરે છે. જાણકારી મુજબ આ પ્લાન્ટમાં પણ આયાતનો સ્ટોક નિર્ધારિત સ્ટોકના માત્ર 30 ટકા જ છે. 

કોલસાના વધતા ભાવે સંકટ ઘેરું કર્યું
ન્યૂકૈસ્લ કોલના વાયદા બજાર મુજબ હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાની કિંમત 320 ડોલર પ્રતિ ટનની આસપાસ જોવા મળી છે. ગત વર્ષ 2021માં આ જ સમયે કોલસાનો ભાવ 90 ડોલર પ્રતિ ટનથી પણ ઓછો હતો. જો કે કોલસાની કિંમતમાં સમગ્ર વર્ષ દરમિયાન વધારો થતો રહ્યો. કુદરતી ગેસના ભાવમાં વધારાથી વીજળી બનાવવામાં કોલસાની માગણી પર અસર જોવા મળી. ડિસેમ્બર 2021માં કોલસાની કિંમત 150 ડોલર પ્રતિ ટન પર પહોંચી ગઈ. ત્યારબાદ ફરીથી યુક્રેન અને રશિયા વચ્ચે તણાવના કારણે  તેમાં તેજી જોવા મળી. યુદ્ધ શરૂ થયા બાદ માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં કોલસો 400 ડોલર પ્રતિ ટનના ભાવને પાર કરી ગયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news