IPL 2022: હસરંગાની પાંચ વિકેટ, આરસીબીએ હૈદરાબાદને 67 રને પરાજય આપ્યો

RCB vs SRH: રોયલ ચેલેન્જર્સ બેંગલોરે શાનદાર પ્રદર્શન કરતા હૈદરાબાદને 67 રને હરાવી સાતમી જીત મેળવી છે. આ જીત સાથે બેંગલોરની ટીમ 14 પોઈન્ટ મેળવી ટેબલમાં ચોથા સ્થાને છે. 

IPL 2022: હસરંગાની પાંચ વિકેટ, આરસીબીએ હૈદરાબાદને 67 રને પરાજય આપ્યો

મુંબઈઃ ફાફ ડુ પ્લેસિસ (73*) અને હસરંગા (18 રનમાં પાંચ વિકેટ) ના શાનદાર પ્રદર્શનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ-2022ની 54મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 67 રને પરાજય આપી પ્લેઓફની દાવેદારી મજબૂત કરી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બેંગલોરે 20 ઓવરમાં ત્રણ વિકેટે 192 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 125 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આરસીબીની આ સાતમી જીત છે અને તેના 14 પોઈન્ટ થઈ ગયા છે. 

હૈદરાબાદના બંને ઓપનર શૂન્ય પર આઉટ
આરસીબીએ આપેલાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન કેન વિલિયમસન પ્રથમ બોલ પર રનઆઉટ થયો હતો. તો અભિષેક શર્માને ગ્લેન મેક્સવેલે શૂન્ય રન પર બોલ્ડ કરી આરસીબીને બીજી સફળતા અપાવી હતી. 

રાહુલ ત્રિપાઠીની અડધી સદી
હૈદરાબાદે પાવરપ્લેમાં બે વિકેટે 39 રન બનાવ્યા હતા. એડન માર્કરમ 21 રન બનાવી હસરંગાનો શિકાર બન્યો હતો. નિકોલસ પૂરન 19 રન બનાવી આઉટ થયો હતો. સુચિથે 2, શશાંક સિંહે 8, કાર્તિક ત્યાગીએ 0 અને ઉમરાન મલિક પણ શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. 

હસરંગાની પાંચ વિકેટ
આરસીબીના સ્ટાર સ્પિનર વાનિન્દુ હસરંગાએ શાનદાર બોલિંગ કરી હતી. હસરંગાએ 4 ઓવરમાં 1 મેડન સાથે 18 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. 

વિરાટ કોહલી ગોલ્ડન ડકનો શિકાર
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોરની શરૂઆત ખરાબ રહી હતી. આ સીઝનમાં ખરાબ ફોર્મ સામે સંઘર્ષ કરી રહેલ વિરાટ કોહલી ઈનિંગના પ્રથમ બોલ પર સુચિથનો શિકાર બન્યો હતો. કોહલી હૈદરાબાદ સામે સતત બીજીવાર ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. 

ફાફ ડુ પ્લેસિસ અને રજત પાટીદાર વચ્ચે સદીની ભાગીદારી
શૂન્ય રન પર પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ ફાફ અને પાટીદારે ઈનિંગ સંભાળી હતી. પાવરપ્લેમાં આરસીબીએ એક વિકેટે 47 રન બનાવ્યા હતા. ફાફ અને પાટીદારે બીજી વિકેટ માટે 105 રનની ભાગીદારી કરી હતી. પાટીદાર 38 બોલમાં 4 ફોર અને બે સિક્સ સાથે 48 રન બનાવી આઉટ થયો હતો. ફાફ ડુ પ્લેસિસ 50 બોલમાં 8 ફોર અને બે સિક્સ સાથે 73 રન બનાવી અણનમ રહ્યો હતો. 

અંતિમ ઓવરોમાં દિનેશ કાર્તિકનો ધમાલ
ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલા ગ્લેન મેક્સવેલે 24 બોલમાં બે છગ્ગા અને ત્રણ ચોગ્ગા સાથે 33 રન બનાવ્યા હતા. પરંતુ અંતિમ ઓવરમાં દિનેશ કાર્તિકે ત્રણ છગ્ગા અને એક ચોગ્ગો ફટકારી ટીમનો સ્કોર 190ને પાર પહોંચાડ્યો હતો. દિનેશ કાર્તિકે 8 બોલમાં 4 સિક્સ અને એક ફોર સાથે અણનમ 30 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી સુચિથે બે અને કાર્તિક ત્યાગીએ એક સફળતા મેળવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news