આફ્રિદીનો મોટો ખુલાસો, પાકિસ્તાની ખેલાડીઓ ભારત વિરુદ્ધ 'સ્યુસાઈડ બોમ્બર' જેવા બની જતા હતાં

ભારત-પાકિસ્તાન વચ્ચેની કટ્ટર હરિફાઈ જગજાહેર છે. આ લડાઈ ક્રિકેટના મેદાન ઉપર પણ બંને દેશોના વચ્ચે જોવા મળતી હોય છે.

આફ્રિદીનો મોટો ખુલાસો, પાકિસ્તાની ખેલાડીઓ ભારત વિરુદ્ધ 'સ્યુસાઈડ બોમ્બર' જેવા બની જતા હતાં

નવી દિલ્હી: ભારત-પાકિસ્તાન વચ્ચેની કટ્ટર હરિફાઈ જગજાહેર છે. આ લડાઈ ક્રિકેટના મેદાન ઉપર પણ બંને દેશોના વચ્ચે જોવા મળતી હોય છે. હાલમાં જ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ પણ બંને કટ્ટર હરિફ દેશો વચ્ચે મેદાન પર થતા સંગ્રામને લઈને પાકિસ્તાનની રણનીતિનો ખુલાસો કર્યો છે. આફ્રિદીનું માનીએ તો રમતના મેદાન પર પાકિસ્તાનના ખેલાડીઓ કોઈ સ્યુસાઈડ બોમ્બરની જેમ જ ભારતીય ટીમને તબાહ કરવાના ઈરાદે ઉતરતા હતાં. 

ઓલરાઉન્ડર ક્રિકેટર આફ્રિદીએ પોતાની આત્મકથા ગેમ ચેન્જરમાં લખ્યું છે કે, "બાળપણથી જ ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ મને ખુબ રોમાંચક લાગતી હતી. જ્યારે મે ભારત સામે રમવાનું શરૂ કર્યું તો દરેક પાકિસ્તાનીની જેમ જ અમારી ભાવનાઓ રહેતી હતી, જેનાથી ખેલ એક યુદ્ધમાં ફેરવાઈ જતો હતો."

પાકિસ્તાની ખેલાડીએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે, "મેદાનમાં ભારત વિરુદ્ધ અમારા માટે આદેશ ખુબ સરળ હતાં; જેમ કે જાઓ અને તેમને તબાહ કરી નાખો. લગભગ એક આત્મઘાતી હુમલાખોરની જેમ." જો કે આફ્રિદીએ તરત જ ત્યારબાદ સ્પષ્ટતા કરતા લખ્યું કે, "હું જાણું છું કે રાજકીય રીતે તેનો ખોટો અર્થ નીકળી શકે છે. જો કે તેના માટે અમને સીધી રીતે આવા કોઈ ઓર્ડર અપાતા નહતાં, આથી મને છોડી દેજો અને માફ કરજો. પરંતુ તમે મારા કહેવાનો અર્થ તો સમજો છો. કઈ પણ વણઉકેલાયેલું કે અસ્પષ્ટ ન રહેવા દો."

પાકિસ્તાનનો શાહિદ આફ્રિદી જ્યારે પોતાની લયમાં રહેતો તો દુનિયાના દિગ્ગજ બોલરો પણ તેનાથી ગભરાતા હતાં. પરંતુ હકીકત એ પણ છે કે આ બેટ્સમેન જ્યારે પણ ભારત વિરુદ્ધ મેદાનમાં ઉતરતો તો થર થર કાંપતો હતો. આ દાવો કોઈ બીજાએ નહીં પરંતુ ખુદ આફ્રિદીએ કર્યો છે. આ ઓલરાઉન્ડર ખેલાડીએ પોતાની આત્મકથા 'ગેમ ચેન્જર'માં આ યાદગાર કિસ્સાનો ખુલાસો કર્યો છે. 

પોતાની આત્મકથા ગેમ ચેન્જરમાં એક મોટો ખુલાસો કરતા આફ્રિદીએ કહ્યું કે, "મને એ સ્પષ્ટપણે યાદ છે કે જ્યારે અમે ચેન્નાઈમાં ભારત વિરુદ્ધ રમવા માટે ગયા તો હું બેટ્સમેન સઈદ અનવર સાથે મેદાનમાં ઓપનિંગ કરવા ઉતર્યો હતો. જ્યાં ભીડ જોર જોરથી બૂમો પાડી રહી હતી. મેં પહેલીવાર આટલો અવાજ સાંભળ્યો. તે દરમિયાન મને મહેસૂસ થતું હતું કે જાણે ધરતી હલી રહી હોય. હું કસમ ખાઈને કહું છું કે મને એવું લાગતું હતું કે જાણે મારા હાથમાં બેટ જ ન હોય."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news