અમેરિકાની ધમકી ઘોળીને પી જઈ ભારતે રશિયા સાથે કરી S-400 ડીલ, એક તીરથી બે નિશાન

ભારત અને રશિયાએ પોતાની મિત્રતામાં એક નવો અધ્યાય જોડ્યો. બે દેશોએ એસ-400 ડીલ પર હસ્તાક્ષર કર્યાં.

અમેરિકાની ધમકી ઘોળીને પી જઈ ભારતે રશિયા સાથે કરી S-400 ડીલ, એક તીરથી બે નિશાન

મોસ્કો/નવી દિલ્હી: ભારત અને રશિયાએ પોતાની મિત્રતામાં એક નવો અધ્યાય જોડ્યો. બે દેશોએ એસ-400 ડીલ પર હસ્તાક્ષર કર્યાં. બે દિવસના ભારત પ્રવાસ પર આવેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને પીએમ નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આ ડીલને આખરી ઓપ આપવામાં આવ્યો. આ ડીલ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ ડીલ માટે અમેરિકા સતત ભારતને ધમકી આપી રહ્યું હતું. તેનું દબાણ હતું કે જો ભારતે રશિયા સાથે આ ડીલ કરી તો તે તેના ઉપર આકરા પ્રતિબંધો લગાવશે. પરંતુ ભારતે અમેરિકાની તમામ ધમકીઓને બાજુ પર હડસેલીને આજે આ ડીલ પર હસ્તાક્ષર કર્યાં. 

આ ડીલ હેઠળ ભારત રશિયા પાસેથી એસ-400 મિસાઈલ સિસ્ટમની પાંચ રેજિમેન્ટ ખરીદશે. તેની આપૂર્તિ રશિયા ભારતને 2020 સુધીમાં કરી દેશે. આ ઉપરાંત સ્પેસ કોર્પોરેશનને લઈને પણ બંને દેશો વચ્ચે  ડીલ થઈ છે. આ ડીલ હેઠળ સાઈબેરિયામાં રશિયન શહેર પાસે ભારત એક મોનિટરિંગ સ્ટેશન બનાવશે. ભારત અને રશિયા વચ્ચે આ કરાર પણ મહત્વનો છે. 

આ કારણસર ભારતે રશિયા સાથે કરી  ડીલ
અમેરિકાએ ધમકી આપી હતી કે જો ડીલ થઈ તો તે Countering America's Adversaries Through Sanctions Act (CAATSA) નો ભંગ ગણાશે. આવી સ્થિતિમાં ભારતે આકરા પ્રતિબંધોનો સામનો કરવો પડશે. અમેરિકા ભારતને ઈરાન અને નોર્થ કોરિયાની શ્રેણીમાં રાખશે, જેના પર ચીન સાથે હથિયારોની ડીલ કરવા પર પ્રતિંબધ લગાવવામાં આવ્યાં છે. પરંતુ આમ છતાં ભારતે આ ડીલ કરીને એક નહીં પરંતુ બે મોરચે નિશાન સાધ્યું છે. 

ભારત-રશિયા વચ્ચેની જે ડીલથી અમેરિકા લાલચોળ છે, ચીન-PAK થથરી રહ્યાં છે, તેનું મહત્વ જાણો

1. ભારત અને રશિયા વચ્ચે ઐતિહાસિક સંબંધ રહ્યાં છે. અનેકવાર મુશ્કેલીના સમયમાં રશિયાએ ભારતને સાથ આપ્યો છે. પરંતુ એ વાત પણ સાચી છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશો વચ્ચે સંબંધોમાં એ જૂનો ગરમાવો ગાયબ હતો. આ દરમિયાન પાકિસ્તાને રશિયા નજીક જવાની પણ કોશિશ કરી. જેની કડીમાં પાકિસ્તાને રશિયા સાથે સૈન્ય અભ્યાસ પણ કર્યો હતો. આવામાં ભારત માટે જરૂરી હતું કે તે પોતાના જૂના વ્યુહાત્મક ભાગીદાર સાથેના પોતાના સંબંધો ફરી મજબુત કરે. જ્યારે ભારત અને રશિયા આ ડીલ માટે આગળ વધ્યાં તો અમેરિકાએ વિધ્ન નાખ્યું. પરંતુ ભારતે અમેરિકાને જરાય ગણકાર્યુ નહીં. આમ આ ડીલ કરીને બંને દેશો વચ્ચેના સંબંધને નવી મજબુતાઈ મળી છે. જો ભારત આ ડીલમાંથી પાછળ હટત તો બંને દેશોના સંબંધો વચ્ચે ખટાશ આવી જાત.

2. દક્ષિણ એશિયામાં ચીન જે રીતે પોતાની તાકાત વધારી રહ્યું છે એવા સંજોગોમાં ભારતે પોતાની સ્થિતિ પણ મજબુત બનાવવાની હતી. હાલમાં જ ચીને તિબ્બતમાં નવા એરબેઝ બનાવ્યાં છે અને ત્યાં ફાઈટર જેટ્સની સ્થાયી તહેનાતી પણ શરૂ કરી છે. ચીનની મિસાઈલ ક્ષમતા પણ ખુબ અસરકારક છે. એટલે કે હાલ ભારતની હવાઈ સુરક્ષા ખાસ્સી નબળી કહી શકાય. ભારત માટે એસ-400 ડીલ ખુબ જરૂરી હતી. આ ડીલથી ભારતીય વાયુસેનાની હવાઈ હુમલાથી બચવાની ક્ષમતાને વધારી શકાય. આ ડીલથી ભારતે પોતાની વ્યુહાત્મક તાકાતમાં વધારો કર્યો છે. 

શું છે તેની ખાસિયતો?
- ભારત રશિયા પાસેથી લગભગ 5.5 બિલયન અમેરિકી ડોલરના ભાવે S-400ની પાંચ રેજિમેન્ટ ખરીદી રહ્યું છે. 
- દરેક રેજિમેન્ટમાં કુલ 16 ટ્રક હોય છે. જેમાં 2 લોન્ચર ઉપરાંત 14 રડાર અને કંટ્રોલ રૂમના ટ્રક્સ હોય છે. 
- S-400, 400 કિમીની રેન્જમાં આવનારા કોઈ પણ ફાઈટર એરક્રાફ્ટ્સ, મિસાઈલ કે હેલિકોપ્ટરને તોડી પાડી શકે છે. 
- તેને આદેશ મળ્યા બાદ 5 મિનિટની અંદર તહેનાત કરી શકાય છે અને તે એકસાથે 80 ટારગેટને નિશાન પર લઈ શકે છે. 
- તે 600 કિમીના અંતરેથી દરેક પ્રકારના ટારગેટનો પીછો કરવાનું શરૂ કરી દે છે.
- એક અંદાજ મુજબ માત્ર 3 રેજિમેન્ટ તહેનાત કરીને પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારના હવાઈ હુમલાથી સુરક્ષિત થઈ શકા છે. 
- આ સિસ્ટમ -70 ડિગ્રીથી લઈને 100 ડિગ્રીના તાપમાન પર કામ કરે છે. 
- તેની મારક ક્ષમતા અચૂક છે કારણ કે તે એકસાથે 3 દિશાઓમાં મિસાઈલ છોડી શકે છે. 
- 400 કિમીની રેન્જમાં એક સાથે અનેક ફાઈટર વિમાનો, બેલિસ્ટિક તથા ક્રુઝ મિસાઈલ અને ડ્રોન પર તે હુમલો કરી શકે છે. 

S-400ના સંદર્ભમાં વાયુસેનાની હાલની શક્તિ?
ભારતીય વાયુસેનાને ચીન અને પાકિસ્તાન એમ બંને સ્તરે પહોંચી વળવા માટે 42 ફાઈટર સ્ક્વોડ્રનની જરૂર છે. પરંતુ હાલ વાયુસેના પાસે ફક્ત 31 સ્ક્વોડ્રન છે. જેમાં મિગ-21, મિગ-27, જગુઆર અને મિરાજની સંખ્યા વધુ છે. જેને ચાર દાયકા પહેલા ખરીદાયા હતાં. જો મિગ-29 અને સુખોઈ-30ને છોડી દેવામાં આવે તો વાયુસેના પાસે ફાઈટર જેટ્સ પોતાની ઉંમર પૂરી કરી ચૂક્યા છે. 

રાફેલની 2 સ્ક્વોડ્રનોથી આ કમી પૂરી થઈ શકે નહીં. સ્વદેશી વિમાનો તેજસના આગમનને હજુ ખાસ્સો સમય છે અને હળવા ફાઈટર વિમાનો હોવાના કારણે તેની ક્ષમતા પણ સીમિત છે. જ્યારે ચીનની હવાઈ તાકાતમાં જબરદસ્ત વધારો થયો છે. હાલમાં જ તેણે તિબ્બતમાં નવા એરબેઝ બનાવ્યાં છે અને ત્યાં ફાઈટર જેટ્સની સ્થાયી તહેનાતી પણ શરૂ કરી દીધી છે. ચીનની મિસાઈલ ક્ષમતા પણ ખુબ અસરકારક છે. એટલે કે હાલ ભારતની હવાઈ સુરક્ષા ખાસી નબળી હાલતમાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news