બનાસકાંઠાના ખેડૂતો માટે સોનાનો સૂરજ ઉગ્યો, શેર માર્કેટની જેમ બટાકાના ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા
Potato Price Hike : બનાસકાંઠામાં ઘટી રહેલા બટાકાના ઉત્પાદન સામે ખેડૂતોને જીવનદાન મળ્યું, આ વર્ષે બટાટાના ભાવ 500 થી 550ને પાર થયા છે, ડીસાના ખેડૂતોના સુખના દિવસો આવ્યા
Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : ગુજરાતમાં સૌથી વધુ બટાટા પકવતા બનાસકાંઠાના ખેડૂતો માટે આ વર્ષે બટાટાની ખેતી ફાયદાકારક સાબિત થઈ છે. સતત છેલ્લા 5 વર્ષથી મંદીનો માર સહન કરતા ડીસા સહિતના પંથકના ખેડૂતો માટે આ વર્ષ બટાટા બમણી આવક રળી રહ્યા છે. કારણ કે આ વખતે બટાટાના ભાવો ઓલ ટાઈમ હાઇ પહોંચી ગયા છે. છેલ્લા ઘણા વર્ષથી નુકશાનકારક સાબિત થતી બટાટાની ખેતીમાં આ વર્ષે ઉત્પાદન ઘટવા છતાં ભાવો ઊંચા રહેતા ખેડૂતો સહિત કોલ્ડસ્ટોરેજના માલિકો અને વેપારીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.
ગુજરાતમાં સહુથી વધુ બટાટાનું વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય છે. અને બનાસકાંઠા જિલ્લામાં આવેલા ડીસામાં રવિ સિઝનમાં ખેડૂતો ખૂબ જ મોટા પ્રમાણમાં બટાટાનું વાવેતર કરતાં હોય છે. પરંતુ છેલ્લા એક દાયકાથી બટાટાના ભાવો ખૂબ જ નીચા રહેતા હોવાથી ખેડૂતોને બટાટાની કરવામાં આવતી ખેતીની પડતર જેટલું પણ વળતર મળતું નહોતું. અને ડીસા તાલુકાના ખેડૂતો ધીમે ધીમે બટાટાની ખેતી કરવાનું ટાળવા માંડ્યા હતા. છેલ્લા પાંચ વર્ષથી ડીસામાં ઘટી રહેલા બટાટાના વાવેતરને આ વર્ષે જીવનદાન મળ્યું છે. આ વર્ષે બટાટાના ભાવો પાછલા તમામ વર્ષોના ભાવોની સપાટી કૂદાવી દીધી છે.
હવે આ જિલ્લાઓનો વારો : આજે 11 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
બટાકાના ભાવ સતત વધતા ગયા
બટાટાનું ઉત્પાદન શરૂ થયું ત્યારથી જ બટાટાના ભાવો આસમાને હતા. અને અત્યારે ડીસાના બજારમાં બટાટાના ભાવ પ્રતિ 20 કિલોએ 500 રૂપિયાથી માંડીને 550 રૂપિયા સુધીના છે. છેલ્લા પાંચ વર્ષના બટાટાના ભાવોની વાત કરીએ તો વર્ષ 2020માં બટાટાના ભાવો પ્રતિ મણે 300થી 325 રૂપિયા હતા. વર્ષ 2021માં 150 થી 200 રૂપિયા તેમજ વર્ષ 2022માં બટાટાના ભાવો 300 રૂપિયાથી 350 રૂપિયા હતા, જોકે વર્ષ 2023 એટ્લે કે ગત વર્ષે બટાટાના આ સમયે ભાવ પ્રતિ મણે 200 રૂપીયાથી 250 રૂપિયા હતા. જ્યારે આ વર્ષની વાત કરીએ તો વર્ષ 2024માં બટાટાના ભાવો 500ની સપાટી કૂદાવીને પ્રતિ 20 કિલોના 500 થી 550 રૂપિયા જેટલા થઈ ગયા છે. બટાટાના ભાવોમાં આવેલી તેજી પાછળ વેપારીઓનું માનવું છે કે બટાટાની ખેતી બનાસકાંઠા જિલ્લા સિવાય ઉત્તર ભારતમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે. પરંતુ આ વર્ષે ઉત્તર ભારતમાં બટાટાનું વાવેતર ખૂબ જ ઓછું થયું હોવાના લીધે બટાટાની માંગ સામે પુરવઠો ઘટતા બટાટાના ભાવો આસમાને પહોંચી ગયા છે.
ગેનીબેનના ગઢ બનાસકાંઠામાં હારની જવાબદારી સ્વીકારી પાટીલે, કહી દીધી મોટી વાત