Agriculture: ચીકુના ખેડૂતોને ચાંદી! સ્પેશિયલ ટ્રેન દ્વારા નવસારીથી દિલ્લી મોકલાયા 350 ટન ચીકુ
Agriculture News: દક્ષિણ ગુજરાતની ચીકુ સાથે સંકળાયેલા સહકારી મંડળીઓની લાંબા સમયથી જે માંગ હતી તે આખરે સંતોષાય ગઈ છે. ચીકુના ટ્રાન્સપોર્ટેશન માટે ડેડિકેટેડ ફ્રેઈડ કોરિડોર પર 15 ડબ્બાની ખાસ ટ્રેન ફાળવવામાં આવી. જેમાં 350 ટન ચીકુ નવસારીથી દિલ્લી રવાના કરાયા છે.
ધવલ પારેખ, નવસારીઃ બાગાયતી જિલ્લા નવસારીમાં મુખ્ય પાકમાંના એક ચીકુને ઉનાળાના પ્રારંભે દિલ્હીના બજારમાં પહોંચાડવામાં ટ્રાન્સપોર્ટની મોટી મુશ્કેલી નડે છે. શિયાળા અને ઉનાળામાં અન્ય ફળાઉ પાક પણ એક યા બીજા રાજ્યના બજારોમાં પહોંચાડતા હોવાથી ટ્રાન્સપોર્ટ માટે ટ્રકની અછત ઉભી થતી હોય છે અને તેના ભાડામાં પણ વધારો થઈ જાય છે. ત્યારે વહેલા પાકી જતા ચીકુ માટે રેલ્વે દ્વારા માલગાડી ફાળવવામાં આવે એવી માંગ લાંબા સમયથી નવસારી જિલ્લાની સહકારી મંડળીઓ કરી રહી હતી. ત્યારે માલ વહન માટે અલગથી બનાવવામાં આવેલ ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર તૈયાર થતા જ રેલ્વે દ્વારા આજે નવસારીના ન્યુ અંચેલી રેલ્વે સ્ટેશનથી વિશેષ માલગાડી ફાળવવામાં આવી છે.
ઉલ્લેખનીય છેકે, દક્ષિણ ગુજરાતની ચીકુ સાથે સંકળાયેલા સહકારી મંડળીઓની લાંબા સમયથી જે માંગ હતી તે આખરે સંતોષાય ગઈ છે. ચીકુના ટ્રાન્સપોર્ટેશન માટે ડેડિકેટેડ ફ્રેઈડ કોરિડોર પર 15 ડબ્બાની ખાસ ટ્રેન ફાળવવામાં આવી. જેમાં 350 ટન ચીકુ નવસારીથી દિલ્લી રવાના કરાયા છે. નવસારી જિલ્લામાં ચીકુનો પાક મોટા પાયે લેવામાં આવે છે. પરંતુ તેને દેશના અલગ અલગ ભાગોમાં પહોંચાડવામાં મુશ્કેલી પડતી હોવાની રજૂઆત પણ તેમના દ્વારા અગાઉ કરવામાં આવી હતી.
ચીકુ માટેની સ્પેશિયલ ટ્રેનથી ખેડૂતોને કેટલો ફાયદો થશે?
ટ્રક કરતા પ્રતિ બોક્ષ 9.50 રૂપિયા સસ્તા ભાડામાં નવસારીના અમલસાડી ચીકુ નવસારીથી 20 થી 22 કલાકમાં દિલ્હી પહોંચી જશે. આજે પ્રથમ દિવસે 10 મંડળીઓ અને APMC દ્વારા ચીકુ ભરેલા કુલ 34500 બોક્ષ એટલે 350 ટન ચીકુ માલગાડીમાં ભરવામાં આવ્યા હતા. ચીકુ માટે વિશેષ ટ્રેન ફાળવાતા ખેડુતો, સહકારી આગેવાનોમાં ખુશી જોવા મળી હતી. જોકે સરકાર અગાઉની જેમ સબસીડી આપે એવી આશા પણ વ્યક્ત કરી હતી.
સરકાર સબસીડી આપે તેવી ખેડૂતોને આશાઃ
લાંબા સમયથી નવસારી જિલ્લાની સહકારી મંડળીઓ માલવહન માટે અલગથી ફ્રેઈટ કોરિડોર તૈયાર કરી નવસારીને ન્યૂ અંચોલી રેલવે સ્ટેશનથી તેને ચાલુ કરવામાં આવામાં આવે તેવી રજૂઆત કરી હતી. આખરે નવસારીના ચીકુ માટે વિશેષ ટ્રેન ફાળવાતા ખેડુતો, સહકારી આગેવાનોમાં ખુશી જોવા મળી. જોકે સરકાર અગાઉની જેમ સબસીડી આપે એવી આશા પણ વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છેકે, મંગળવારે જ નવસારીના ન્યુ અંચેલી રેલ્વે સ્ટેશન ઉપર રાત્રે 10:40 વાગ્યા બાદ પહોંચેલી માલગાડીના 15 ડબ્બામાં જિલ્લાની નવસારી બાગાયત, વેડાછા, અબ્રામા, માણેકપોર, ગડત, અજારાઈ, ગણદેવી, ધનોરી, ખારેલ, અમલસાડની સહકારી મંડળીઓ અને અમલસાડ APMC દ્વારા ચીકુના બોક્ષ ભરવામાં આવ્યા હતા. એક ડબ્બામાં 2300 બોક્ષ એટલે કે 23 ટન ચીકુ ભરાયા હતા. રેલ્વે દ્વારા પ્રતિ બોક્ષ 33.50 રૂપિયાનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે, જે ખેડૂતો અને વેપારીઓને ટ્રક કરતા સસ્તું પડશે. રેલ્વે સ્ટેશન સુધી લાવવા અને દિલ્હી રેલવે સ્ટેશનથી બજાર સુધી પહોંચાડવામાં પણ આવતા ખર્ચને કારણે ખેડૂતોને ટ્રક અને ટ્રેનમાં કોઈ મોટો ફાયદો નહીં દેખાશે. પણ વહેલા પાકી જતા ચીકુ ટ્રકમાં એક ઉપર એક 8 બોક્ષમાં રહેતા પાકી જવા સાથે બગાડ થતા બજારમાં પૂરતો ભાવ પણ નથી આવતો હતો. પ્રતિ બોક્ષ 33.50 રૂપિયાના ભાડા સાથે આજે નવસારી રેલવે સ્ટેશનથી 11.72 લાખ રૂપિયાનું ભાડું રેલ્વેને ચૂકવાયું હતું.
લાંબા સમયથી ખેડૂતોએ કરી હતી ટ્રેનની માંગણીઃ
ખેડુત આગેવાનો સરકાર દ્વારા અગાઉ ટ્રેનના ભાડામાં 50 ટકા સહાય આપે, તો વાતાવરણની માર સહન કરી રહેલા ખેડૂતોને ફાયદો દેખાશે. સાથે જ ઓછા સમયમાં વ્યવસ્થિત પહોંચતા ચીકુનો બગાડ પણ ઓછો રહેશેની આશા વ્યક્ત કરી રહ્યા છે. નવસારીના ચીકુ પકવતા ખેડૂતો ગરમીમાં વહેલા પાકતા ચીકુના માટે ટ્રેનની વ્યવસ્થા થતા આનંદમાં છે. સાથે જ મંડળીઓ દ્વારા અઠવાડિયામાં ત્રણ દિવસ ટ્રેન ફાળવવામાં આવેની રજૂઆત કરી છે, જેમાં પણ યોગ્ય પ્રમાણમાં ચીકુની આવક થતી રહે તો ખેડૂતોને ટ્રેનના ટ્રાન્સપોર્ટથી ફાયદો ચોક્કસ થશેની સંભાવના વધી છે.