Agriculture News: ગુજરાતના ખેડૂતો માટે આ સમાચાર અગત્યના બની રહેશે. કારણકે, ગુજરાતના રાજ્યપાલે આપ્યો છે ખેતી પરના સંકટને દૂર કરવાનો કાયમી ઉપાય. દેશમાં અને રાજ્યમાં પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહક વાતાવરણ સર્જાઈ રહ્યું છે ત્યારે ગુજરાતને ઝેરમુક્ત બનાવવા સહિયારો પુરુષાર્થ કરવાની વાત પર રાજ્યપાલે ભાર મુક્યો હતો. કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે કરા પડવાની પરિસ્થિતિમાં પણ પ્રાકૃતિક ખેતી ટકાઉ ખેતી છે. ગ્લોબલ વૉર્મિંગની વિપરીત પરિસ્થિતિમાં પણ પ્રાકૃતિક ખેતીના પાકને ઓછી અસર થાય છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, હવે પ્રાકૃતિક ખેતી વર્તમાન સમયની આવશ્યકતા બની રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનના સારંગપુર મંદિર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિસરની તાલીમ આપવા માટે કાયમી ધોરણે 'મહંતમ્' પ્રાકૃતિક કૃષિ સંશોધન અને તાલીમ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે રાજભવનથી વર્ચ્યુઅલી જોડાઈને આ કેન્દ્રનો શુભારંભ કરાવતાં પ્રથમ તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.


ગંભીર બીમારીઓથી બચવું હોય તો પ્રાકૃતિક ખેતી એક માત્ર સમાધાનઃ
રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગના દુષ્પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ. ધરતી બિનઉપજાઉ અને ઝેરીલી બની છે. હવા અને પાણી પ્રદૂષિત થયા છે. મોટાભાગના વ્યક્તિઓ કોઈને કોઈ ગંભીર રોગ સાથે જીવી રહ્યા છે. માનવ સમાજ સામે ગંભીર પડકારો સર્જાયા છે ત્યારે પ્રાકૃતિક ખેતી જ એક માત્ર સમાધાન છે એમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું.


ખેડૂતોને પ્રેરણા અને પ્રોત્સાહન આપનારું મોડેલ તાલીમ કેન્દ્ર બની રહેશેઃ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે કહ્યું હતું કે, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા જનકલ્યાણના અનેક પ્રકલ્પો સેવારત છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિના વિકાસ માટેનો આ પ્રયત્ન વિશેષ કલ્યાણકારી સિદ્ધ થશે. ખેડૂતો માટે ભોજન અને આવાસની વ્યવસ્થા ઉપરાંત ગૌશાળા અને ડ્રીપ ઇરીગેશન પદ્ધતિથી સુસજ્જ પ્રાકૃતિક ફાર્મ તથા સંતોના આધુનિક ટેકનોલોજી પ્રત્યેના સર્જનાત્મક અભિગમને કારણે સારંગપુરનું આ 'મહંતમ્' પ્રાકૃતિક કૃષિ સંશોધન અને તાલીમ કેન્દ્ર ખેડૂતોને પ્રેરણા અને પ્રોત્સાહન આપનારું મોડેલ તાલીમ કેન્દ્ર બની રહેશે. તેમણે આ માટે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનો આભાર માનીને અભિનંદન પાઠવ્યા હતા.


આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ માત્ર કૃષિ નથી; પર્યાવરણની રક્ષા, ગાયમાતાની સેવા અને સંવર્ધન, લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા, રાસાયણિક ખાતર અને દવાઓ પાછળ વેડફાતા ખેડૂતોના અને દેશના નાણાંની બચત અને જળ સંચયનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી પદ્ધતિ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રાકૃતિક કૃષિ માટે હંમેશા પ્રેરિત કરી રહ્યા છે, સરકારના અથાગ પ્રયાસોથી હવે દેશમાં અને રાજ્યમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ માટે પ્રોત્સાહક વાતાવરણ સર્જાઈ રહ્યું છે ત્યારે ગુજરાતને ઝેરમુક્ત પ્રદેશ બનાવવાની દિશામાં સહિયારો પુરુષાર્થ કરીએ.