Junagadh News અશોક બારોટ/જૂનાગઢ : પ્રાકૃતિક ખેતીનું વ્યાપ વધારવા અને લોકોના સ્વાસ્થયને ધ્યાન રાખીને જુનાગઢ કલેક્ટરે સરાહનીય પગલું ભર્યું છે. હવેથી કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક શાકભાજી હાટ શરૂ કરાયું છે. જિલ્લા કલેક્ટરના આ સરાહનીય પગલાને ખેડૂતો અને શહેરીજનો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દ્રશ્યો કોઈ શાકભાજી બજારના નથી, પરંતુ આ દ્રશ્યો છે જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણના છે. જ્યાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ પ્રાકૃતિક ખેતીનું વ્યાપ વધારવા સરાહનીય પગલું ભર્યું છે. દિવસેને દિવસે રાસાયણિક ખાતરોના વધારે વપરાશથી ખેતીની જમીન બંજર બની રહી છે અને ઉત્પાદિત પાક લોકોના સ્વાસ્થયને હાનિકારક સાબિત થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના રાજ્યપાલ દ્વારા આ ગંભીર સમસ્યાનો નિરાકરણ લાવવા માટે ખેડૂતોને જેમ બને તેમ પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટેના ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


જુનાગઢ જિલ્લાના 1 લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટેની ટ્રેનિંગ આપવામાં આવી છે. જેમાંથી 21 હજાર ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેમજ જુનાગઢ જિલ્લા કલેક્ટરે પ્રાકૃતિક ખેતીના સંદેશાને ઘર ઘર સુધી પહોંચાડવા માટે એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જેમાં જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક ખેતી હાટ શરૂ કર્યું છે. જેમાં દર ગુરૂવારના સાંજના સમયે ખેડૂતો પોતાના પ્રાકૃતિક શાકભાજી સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં તાલુકા કક્ષાની ઓફિસોમાં પણ પ્રાકૃતિક કૃષિ હાટ શરૂ કરવામાં આવશે.


પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પહેલ કરવામાં આવી છે, જેમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે અને કર્મચારીઓ તેમજ અધિકારીઓ શુદ્ધ અને પ્રાકૃતિક આહાર મેળવી શકે તે માટે આ નવતર પ્રયોગ કરવામાં આવ્યું છે. જુદા જુદા બાર જેટલા ખેડૂતોએ પોતાના પ્રાકૃતિક ખેતી ઉત્પાદનનું વેચાણ કરવા આવી પહોંચ્યા હતા. આ પ્રાકૃતિક ખેતી હાટ શરૂ કરાતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે, જ્યારે કર્મચારીઓ અને લોકો પણ આ પ્રાકૃતિક ખાદ્ય ચીજ વસ્તુઓની ખરીદી કરવા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં આવી પહોંચ્યા હતા અને જિલ્લા કલેકટરની આ કામગીરીને બિરદાવી હતી.


આમ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ સાથે લોકોને સ્વસ્થ અને આરોગ્યપ્રદ શાકભાજી સહિતની ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે નવીન આયામો ઉભા કરવામાં આવી રહ્યાં છે. જ્યારે જિલ્લા કલેક્ટરની આ કામગીરીને લોકોએ બિરદાવી છે.