સસ્તી લોનથી લઈને સબસિડી સુધી...ખેડૂતોને ભરપૂર ફાયદો કરાવે છે આ 5 સરકારી યોજનાઓ, વિગતો જાણો
ખેડૂતો માટે સરકાર ઘણી યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓ વિશે તમારે જાણવું ખુબ જરૂરી છે જેથી કરીને તમે પણ તેનો લાભ લઈ શકો.
ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. અહીં વસ્તીનો એક મોટો ભાગ ખેતી દ્વારા પરિવારની રોજીરોટી ચલાવે છે. આવામાં દેશના અન્નદાતાઓને લાભ પહોંચાડવા માટે ભારત સરકાર અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓમાં ખેડૂતોની જરૂરિયાતો પૂરી કરવા માટે લોનથી લઈને સબસિડી સુધીના અનેક ફાયદા થાય છે અને તેમનો ફાળો બિલકુલ નહીંવત હોય છે. તમે પણ જાણો આ યોજનાઓ વિશે....
પ્રધાનમંત્રી પાક વીમા યોજના
પ્રધાનમંત્રી પાક વીમા યોજના (PMFBY) હેઠળ કુદરતી આફતોથી પાકને નુકસાન થવાની સ્થિતિમાં ખેડૂતોને રાહત આપવામાં આવે છે. તેમાં કમોસમી વરસાદની સાથે સાથે કરા પડવા, ભૂસ્ખલન, વીજળી પડવી, આંધી અને વાવાઝોડાથી પાક ખરાબ થવાની સ્થિતિમાં નુકસાનની ભરપાઈ કરવામાં આવે છે. ખેડૂતોની આ પ્રકારની સમસ્યા જોતા કેન્દ્ર સરકારે તેને 13 જાન્યુઆરી 2016ના રોજ શરૂ કરી હતી.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા તમામ નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે ત્રણ સમાન હપ્તામાં 6000 રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે. આ એક 100 ટકા સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે. કૃષિ અને કિસાન કલ્યાણ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક મદદ કરીકે દર ચાર મહિનામાં ત્રણ સમાન હપ્તામાં 6000 રૂપિયા પ્રતિ વર્ષ આવકની મદદ આપવામાં આવે છે.
પીએમ કિસાન માનધન યોજના
ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે સરકાર પીએમ કિસાન માનધન યોજના ચલાવે છે. આ યોજના હેઠળ લાભાર્થીને 60 વર્ષની ઉંમર પછી 3000 રૂપિયા પ્રતિ માસ પેન્શન તરીકે આપવામાં આવે છે. આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિ દીઠ ફાળા આધારિત પેન્શન યોજના છે. જેમાં ખેડૂતોએ 55 થી 200 રૂપિયા પ્રતિ માસ જમા કરવાના હોય છે. 18 વર્ષ કે તેનાથી વધુ અને 40 વર્ષ કરતા ઓછી ઉંમરના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે. 60 વર્ષની ઉંમર બાદ તમને 3000 રૂપિયા માસિક કે 36000 રૂપિયા વાર્ષિક પેન્શન મળે છે.
કિસાન ક્રેડિટ કાર્ડ
ભારત સરકારની આ યોજના હેઠળ બેંક કિસાન ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરે છે. સરકારનો હેતુ ખેડૂતોને ખેતી સંલગ્ન ચીજો જેમ કે ખાતર, બીજ, કીટનાશક, વગેરેની ખરીદી કરવા માટે સસ્તા વ્યાજ દર પર કરજ ઉપલબ્ધ કરાવવાનો છે. બીજો હેતુ ખેડૂતોને શાહૂકારો પાસેથી કરજ લેવાની જરૂર ન પડે, જે મન ફાવે તેમ વ્યાજ વસૂલે છે. જો સમયસર દેવું ચૂકતે કરી દેવામાં આવે તો કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ આપવામાં આવતું કરજ 2-4 ટકા સુધી સસ્તું હોઈ શકે છે.
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના
આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને સિંચાઈ કરવા માટે નવી ટેક્નિક પર ફંડ પ્રોવાઈડ કરે છે. ડ્રિપ અને સ્પ્રિંકલર સિંચાઈનો ઉપયોગ કરીને કિસાન પાણીની બરબાદીને મહદ અંશે ઓછી કરી શકે છે. આ યોજનાથી ખેડૂતોનું પ્રોડક્શન ખુબ વધી શકે છે. વધુ જાણકારી માટે ઓફિશિયલ વેબસાઈટ pmksy.gov.in પર વિઝિટ કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube