ભાજપ માટે અલ્પેશ `શેષ` સિવાય કંઇ નહીં!!!
કમલમ બહાર ઢોલ વાગ્યા. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના સમર્થકો ગેલમાં ઝૂમ્યા. ભારત માતા કી જયના નારા સાથે કેસરિયાનો માહોલ જામ્યો. કોંગ્રેસ સાથે છેડો ફાડી અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાવા આવ્યા. ખીચોખીચ ભીડ વચ્ચે બંને નેતાઓને ખભે બેસાડીને કમલમની અંદર લઇ જવાયા, બાહુબલી પ્રકારનું કહી શકાય એવું શક્તિ પ્રદર્શન કરાયું. પરંતુ આ બધા વચ્ચે ન સંભળાતો એવો એક સૂર છે કે, ભાજપ માટે અલ્પેશ 'શેષ' સિવાય કંઇ નથી.
માથે પહોંચ્યા બાદ નીચે કેમ?
એક સમય હતો કે જ્યારે અલ્પેશ ઠાકોર ભાજપ માટે મોટો પડકાર હતો. ઉત્તર ગુજરાતમાં ઠાકોર અને ઓબીસી વર્ગને સાચવવા માટે ભાજપને પરસેવો પડી રહ્યો હતો. એ સમયે અલ્પેશ ઠાકોરનું કદ રાજકીય ફલક પર ઉંચુ હતું. કહેવાય છે કે એ સમયે અલ્પેશને ભાજપમાં લાવવા માટે પણ પ્રયાસ થયા હતા. જોકે કોઇ કારણોસર સમીકરણ ફીટ ન બેઠા અને અલ્પેશ ઠાકોરનું કદ કોંગ્રેસમાં વધુ મોટું થયું. પરંતુ વધુ પડતી મહેચ્છાઓ સહિતના પરીબળોને લીધે સ્થિતિ બદલાતી ગઇ અને છેવટે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો.
ભાજપે પાણી પહેલા બાંધી પાળ?
ઠાકોર સમાજમાં મોટું માથું કહેવાતા અલ્પેશ ઠાકોરની ભાજપમાં એન્ટ્રી થાય એ પહેલા ભાજપે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજને મોટું નેતૃત્વ આપ્યું છે. લોકસભાની પાટણ બેઠક પરથી ભરતસિંહ ડાભીને અને રાજ્યસભામાં જુગલ ઠાકોરને તક આપી ઠાકોર સમાજને રીઝવવા પ્રયાસ કર્યો છે. હવે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા છે ત્યારે ઉત્તર ગુજરાતમાં અન્ય ઠાકોર નેતાઓનું કદ મોટું કરી દેવાયું છે. જે જોતાં ભાજપ માટે અલ્પેશ શેષ સિવાય ખાસ કંઇ નથી એવી સ્થિતિ સર્જાઇ છે.
ગરીબોના નામે સત્તા માટે પ્રયાસ?
લોકસભાની ચૂંટણી સુધી અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીની ત્રિપુટી ભાજપ સરકાર સામે ગરીબોના મુદ્દાઓને લઇને પસ્તાળ પાડતા હતા. એવો સૂર હતો કે ભાજપ સરકાર ગરીબોને લૂંટી રહી છે. ગરીબો માટે કંઇ કરતી નથી. હવે અલ્પેશ ઠાકોરનો સૂર બદલાયો અને ગરીબોના કામો કરવાની વાત આગળ કરી તે ભાજપમાં જોડાયા છે. પરંતુ રાજકીય પંડિતો આને અલગ રીતે જોઇ રહ્યા છે. ગરીબોના નામે સત્તા માટે આ પ્રયાસ સિવાય વિશેષ કંઇ નથી એવું લાગી રહ્યું છે.
(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચાર લેખકના અંગત વિચાર છે)