વધુ એક ઝટકો, Amul બાદ હવે આ મોટી કંપનીએ વધાર્યા દૂધના ભાવ
Milk Price Hike: 1 માર્ચથી અમૂલ દૂધ (Amul Price Hike) ના ભાવ વધારા બાદ ડેરી પ્રોડક્ટ બનાવતી એક કંપનીએ દૂધના ભાવ વધાર્યા છે.
નવી દિલ્હી: 1 માર્ચથી અમૂલ દૂધના ભાવમાં વધારો કર્યા બાદ વધુ એક ડેરી કંપનીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. અમૂલની જાહેરાત બાદ ડેરી ઉત્પાદનો બનાવતી પરાગ મિલ્ક ફૂડ્સે પણ કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી હતી.
ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે ભાવમાં વધારો
પરાગ ડેરી ગોવર્ધન બ્રાન્ડ હેઠળ વિવિધ ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. પરાગ ડેરીએ ગોવર્ધન બ્રાંડના દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. વધેલી કિંમતો 1 માર્ચથી લાગુ કરવામાં આવી છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉત્પાદન ખર્ચમાં વધારો થવાને કારણે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
50 રૂપિયા પ્રતિ લીટરમાં વેચાશે ગોવર્ધન ગોલ્ડ મિલ્ક
કંપની દ્વારા ભાવમાં વધારો કર્યા બાદ હવે ગોવર્ધન ગોલ્ડ મિલ્ક 48 રૂપિયાને બદલે 50 રૂપિયા પ્રતિ લીટરમાં વેચવામાં આવશે. આ સિવાય ગોવર્ધન ફ્રેશ 48 રૂપિયા પ્રતિ લીટરમાં વેચાશે. ગોવર્ધન ફ્રેશ પરાગની ટોન્ડ વેરાયટી છે.
ખેડૂતોને પણ આપવામાં આવશે લાભ
ભાવ વધારા અંગે પરાગ મિલ્ક ફૂડ્સના ચેરમેન દેવેન્દ્ર શાહે જણાવ્યું હતું કે ઊર્જા, પેકેજિંગ, લોજિસ્ટિક્સ અને ઘાસચારાની કિંમતમાં વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. લગભગ ત્રણ વર્ષ બાદ કંપની દ્વારા કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ એમ પણ કહ્યું કે ભાવ વધારાનો ફાયદો ખેડૂતોને પણ આપવામાં આવશે.
અગાઉ સોમવારે સાંજે અમૂલ દ્વારા ભાવ વધારવાની જાહેરાત કરવામાં આવી હતી. 1 માર્ચથી ભાવમાં વધારા બાદ અમૂલ ગોલ્ડનું 500 ml પેકેટ 30 રૂપિયા, અમૂલ તાજા 24 રૂપિયા અને અમૂલ શક્તિ 27 રૂપિયામાં વેચાઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube