નવી દિલ્હી: લોકપ્રિય બ્રાન્ડ અમૂલના નામે દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરતા ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશને (જીસીએમએમએફ)તારીખ ૩૧ માર્ચ, ૨૦૨૦ ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ. ૩૮,૫૪૨ કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું છે, જે જીસીએમએમએફ દ્વારા ગત વર્ષમાં હાંસલ કરાયેલા ટર્નઓવર કરતાં ૧૭% વધારે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં, જીસીએમએમએફ અને તેના સભ્ય સંગઠનો દ્વારા અમૂલ બ્રાન્ડ હેઠળ વેચવામાં આવેલી પ્રોડક્ટસનું કુલ ટર્નઓવર રૂ. ૫૨,૦૦૦ કરોડથી વધુ (૭ અબજ યુએસ ડોલર) થયું છે. જીસીએમએમએફનો ઉદ્દેશ વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન રૂ. ૧ લાખ કરોડના બિઝનેસ સ્તરનો આંક વટાવવાનો છે. 


વર્ષ ૨૦૦૯-૧૦માં રૂ. ૮,૦૦૫ કરોડના ટર્નઓવરથી વર્ષ ૨૦૧૯-૨૦ સુધીમાં લગભગ પાંચ ગણા એટલે કે રૂ. ૩૮,૫૪૨ કરોડનું ટર્નઓવર હાંસલ કરવામાં અમૂલ ફેડરેશનને ઝડપી વિસ્તરણના મંત્રથી ઉત્તમ પરિણામ હાંસલ કર્યો છે. ગુજરાતના ડેરી સંગઠનોના ફેડરેશન દ્વારા યોજાયેલી ૪૬મી વાર્ષિક સામાન્ય સભામાં આ પરિણામો જાહેર કર્યા હતા. એ નોંધનીય છે કે વર્ષ ૨૦૧૧ દરમિયાન અમૂલ વિશ્વની ૧૮માં નંબરની ડેરી સંસ્થા હતી, જે હાલમાં વધીને વિશ્વના ૯મા ક્રમના ડેરી સંગઠન બની ગઇ છે અને લાંબાગાળે વિશ્વની ટોચની ૩ સંસ્થાઓમાં સ્થાન પ્રાપ્ત કરવા માંગે છે. 


મેનેજિંગ ડિરેક્ટર, ડૉ. આર એસ સોઢીએ પ્રધાનમંત્રી અને નાણાંમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો કે તેમના દ્વારા ‘ડેરી ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ’ માટે રૂપિયા ૧૫,૦૦૦ કરોડ ફાળવવાની અગત્યની જાહેરાત કરી છે. આ ફંડનો ઉપયોગ પુરવઠો પૂરી પાડવાની શૃંખલના નિર્માણ માટે તથા ડેરીઓની અને દૂધ – પ્રક્રિયા ક્ષમતા વધારવાના પ્લાન્ટ નાખવામાં માટે કરવામાં આવશે. 


ભારતનો ડેરી ઉદ્યોગ આ ફંડના ઉપયોગથી અંદાજીત ૪ થી ૫ કરોડ લિટર પ્રતિદિવસ ક્ષમતાના વધરના પ્રોસેસિંગ પ્લાન્ટ ઊભા કરી શકીશું. સંગઠિત ડેરીમાં ‘વધારાની ક્ષમતા’ નો સીધો અર્થ એ થાય કે વધારે નોકરી – ધંધાઓ, વધારે આજીવિકાનું નિર્માણ ગ્રામીણ ભારતમાં થશે. નવા પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના કરવાથી અને સંપાદિત થયેલ દૂધને પ્રોસેસ કરવાથી આગામી ૧૦ વર્ષમાં લગભગ ૩૦ લાખ લોકોને રોજગારીની તકો પૂરી પડી શકાશે. 


જીસીએમએમએફના ચેરમેન રામસિંહ પરમારે માહિતી આપતાં જણાવ્યું હતું કે “ગત ૧૦ વર્ષ દરમ્યાન અમારા દૂધના એકત્રીકરણમાં ખૂબ જ મોટો વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૦૯-૧૦ માં ૯૦.૯૩ લાખ લિટર પ્રતિદિવસ દૂધ સંપાદન હતું જે વર્ષ ૨૦૧૯-૨૦ માં વધીને ૨૧૫.૯૬ લાખ લિટર પ્રતિદિવસ થયો છે જે ૧૩૮  ટકા જેટલો અભૂતપૂર્વ વધારો દર્શાવે છે. આ વધારો અમારા ખેડૂત સભ્યોને આ ગાળા દરમ્યાન આપવામાં આવેલ ઊંચા ભાવને કારણે શક્ય બન્યું છે. વર્ષ ૨૦૦૯-૧૦ દરમિયાન દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતા ભાવ જે રૂપિયા ૩૩૭ પ્રતિકિલોગ્રામ ફેટ હતો જે વધીને રૂપિયા ૭૬૫ પ્રતિકિલોગ્રામ વર્ષ ૨૦૧૯-૨૦ માં થયેલ છે જે ૧૨૭ ટકા જેટલો વધારો દર્શાવે છે.” 


તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વૈશ્વિક મહામારી દરમિયાન અમૂલ સહકારી મંડળીઓએ આ કટોકટીના કાળને એક તકમાં પરિવર્તિત કરી દીધો છે. લોકડાઉનના સમય દરમિયાન આપણે પ્રતિદિવસ વધારાનું ૩૫ લાખ લિટર દૂધ એકત્ર કર્યું હતું. આનો અર્થ એ થાય કે આપણે વધારાના લગભગ રૂપિયા ૮૦૦ કરોડ ગામડાના દૂધ ઉત્પાદકોને ચુકવ્યા છે. 


લોકડાઉનના સમય દરમિયાન, જ્યારે ઘણાખરા ઉદ્યોગગૃહો સાવ બંધ જ હતા અને કોઈ ધંધો મળી નહતો રહ્યો તેવા સમયે આપણો કારોબાર સ્થિર ગતિથી આવા કપરા કાળમાં પણ ચાલ્યો. આ કપરા સમયે આપણાં દૂધ ઉત્પાદકો, દૂધ મંડળીઓ, દૂધ સંઘો અને ફેડરેશનના અધિકારીઓ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી.   


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube