પ્રોપર્ટી, વાહન વગેરે તમામ જરૂરિયાતોને પૂરી કરવા માટે આજકાલ લોકો લોન લે છે. લોન અપ્રુવલ બાદ જેવું તમારા એકાઉન્ટમાં બેંક તરફથી લોનની રકમ મોકલવામાં આવે છે, ત્યારબાદ લોનના હપ્તા પણ શરૂ થઈ જતા હોય છે. પરંતુ અનેકવાર એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે તમારા માટે લોનના હપ્તા ભરવા મુશ્કેલી ઊભી થતી હોય છે. આવા સમયે જો તમે લોનના હપ્તા ન ચૂકવો તો પેનલ્ટી ભરવાનો વારો આવે છે. પરંતુ જો તમે ઈચ્છો તો બેંક પાસેથી લોન મોરેટોરિયમ (Loan Moratorium) દ્વારા હપ્તો ચૂકવવા માટે થોડા સમયની મુદ્દત માંગી શકો છો. લોન મોરેટોરિયમ વિશે ખાસ જાણો....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું હોય છે આ લોન મોરેટોરિયમ?
લોન મોરેટોરિયમમાં તમને લોનની ચૂકવણી માટે થોડો સમય આપવામાં આવે છે. તેમાં વ્યક્તિને એક નિશ્ચિત સમય સુધી હપ્તા નહીં ચૂકવવાની સગવડ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં આર્થિક સમસ્યા સામે ઝઝૂમી રહેલા વ્યક્તિને ઘણી રાહત મળી રહે છે. સાધારણ શબ્દોમાં સમજીએ તો તમે જો થોડા સમય માટે લોન લીધી છે તો મોરેટોરિયમ દ્વારા તમે લોનના હપ્તા ચૂકવવામાં એક નિશ્ચિત સમય માટે રાહત મળી શકે છે. 


કેવી રીતે કામ કરે છે મોરેટોરિયમ
મોરેટોરિયમ દ્વારા તમે તમારા લોનના હપ્તાને થોડા સમય માટે જરૂર રોકી શકો છો. જો કે અહીં તમારે એ વાત ખાસ સમજવાની છે કે આમાં તમારા હપ્તા માફ થતા નથી કે તેના પર લાગતા વ્યાજમાં તમને કોઈ પણ છૂટ મળતી નથી. એટલે કે જે સમયગાળા માટે તમને લોનના હપ્તા ભરવામાંથી છૂટ મળી છે તેમાં પણ તમારે લોન પર લાગતું વ્યાજ તો ચૂકવવાનું રહે જ છે. લોનના પૂરા હપ્તાની સરખામણીમાં ફક્ત વ્યાજની અમાઉન્ટ જો કે ઓછી હોય છે. 


શું છે લોન મોરેટોરિયમનો ફાયદો
લોકોને લાગે છે કે જ્યારે વ્યાજ આપવાનું જ હોય તો પછી આખરે લોન મોરેટોરિયમનો ફાયદો શું? તો તેનો ફાયદો એ છે કે જો તમે સામાન્ય રીતે હપ્તો ન ભરો તો વ્યાજ સાથે પેનલ્ટી પણ ભરવી પડે છે. આ સાથે જ તમારો સિબિલ સ્કોર પણ ખરાબ થાય છે. પરંતુ લોન મોરેટોરિયમથી ઈએમઆઈને થોડા સમય સુધી રોકવાની મુદ્દત બેંક તરફથી મળી જાય છે. આવામાં તમારા ક્રેડિટ સ્કોર ઉપર કોઈ અસર પડતી નથી. 


મોરેટોરિયમ માટે કોણ અરજી કરી શકે
હવે તમને કદાચ એમ થાય કે લોન મોરેટોરિયમ માટે કોણ કોણ અરજી કરી શકે તો તેનો જવાબ એ છે કે કોઈ કંપની કે વ્યક્તિ..ગમે તે લોન મોરેટોરિયમ માટે અરજી કરી શકે છે. જો તમારું કારણ વ્યાજબી હોય તો તમે હોમ લોન, કાર લોન, કે  ક્રેડિટ કાર્ડ રિપેમેન્ટ વગેરે કોઈના પણ માટે તમે અરજી કરી શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube