મુંબઈઃ વૈશ્વક અર્થતંત્રમાં મંદીના માહોલ રહેવાની આશંકાઓ અને અમેરિકન ઉત્પાદનમાં વધારાના સંકેત વચ્ચે ક્રૂડ ઓઈલનો ભાવ એક વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ આ અઠવાડિયે 11 ટકાથી વધુના ઘટાડા સાથે 60 ડોલર પ્રતિ બેરલના સ્તરથી પણ નીચે પહોંચી ગયો હતો. તો વળી, અમેરિકન લાઈટ ક્રૂડ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિએટ (WTI)નો ભાવ છેલ્લા એક અઠવાડિયામાં લગભગ 10.70 ટકા જેટલો નીચે ઉતરીને 50 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયો છે. તેના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં હજુ વધુ ઘટાડો થાય એવી સંભાવના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માગમાં ઘટાડા સાથે કિંમતો ધડામ 
એન્જલ બ્રોકિંગ હાઉસના ઊર્જા વિશેષજ્ઞ અનુજ ગુપ્તાએ જણાવ્યું કે, અમેરિકામાં ક્રૂડ ઓઈલનો ભંડાર વધવા અને વૈશ્વિક માગમાં ઘટાડાને કારણે કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે. ક્રૂડ ઓઈલનો વૈશ્વિક પૂરવઠો વધવા અને માગ ઘટવાને કારણે છેલ્લા એક અઠવાડિયાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 3 ઓક્ટોબર બાદ બ્રેન્ડ ક્રૂડના ભાવમાં 30 ટકા કરતાં વધુનો અને ડબલ્યુટીઆઈના ભાવમાં લગભગ 33 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. 


ઓપેકની બેઠક પર રહેશે નજર 
ક્રૂડ ઓઈલના ભાવમાં તાજેતરમાં થયેલા ઘટાડા બાદ એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે, આગામી 6 ડિસેમ્બરના રોજ વિયેનામાં 'ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ' (OPEC)ની બેઠકમાં તેલના પૂરવઠામાં કાપ મુકવા પર ભાર મુકવામાં આવશે. જેના અંગે ક્રૂડ ઓઈલના ઉત્પાદક દેશ સાઉદી અરબ છેલ્લા અનેક દિવસથી કહી રહ્યું છે. 


જોકે, કેડિયા કોમોડિટીના ડાયરેક્ટર અજય કેડિયાએ જણાવ્યું કે, "ક્રૂડ ઓઈલનો ભાવ એક વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. આથી સ્પષ્ટ છે કે સાઉદી અરબ ઓપેક દેશો પર તેલના પૂરવઠામાં પ્રતિ દિન 14 લાખ બેરલનો કાપ મુકવા પર ભાર મુકશે. જોકે, તેના પર અમલ થવાની સંભાવના નહિંવત છે. તેનાથી ઓપેક દેશો વચ્ચે મતભેદની સ્થિતિ ઊભી થઈ શકે છે, કેમ કે, વેનેઝુએલા પહેલાથી જ મોંઘવારીના સંકટનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં તે તેલના ઉત્પાદનમાં કાપ મુકવાનું દબાણ સહન કરવા તૈયાર થશે નહીં."


અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરની અસર 
અમેરિકા અને ચીન વચ્ચે જે ટ્રેડ વોર ચાલી રહ્યો છે, તેની વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસર પડી છે. સમગ્ર વિશ્વમાં અત્યારે મંદીનો માહોલ છે. આ કારણે બજારની નજર આગામી દિવસોમાં યોજાનારી G20 બેઠક પર પણ રહેશે, જેમાં અમેરિકા અને ચીન ભાગ લેવાના છે. આથી વ્યાપારિક તણાવ અંગે બંને દેશો વચ્ચે થનારી વાટાઘાટો અંગે પણ અસમંજસની સ્થિતિ છે. 


આંતરરાષ્ટ્રીય વાયદા બજાર ઈન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ એટલે કે આઈસીઈ પર બ્રેન્ટ ક્રૂડનો જાન્યુઆરી ડિલીવરી વાયદો શુક્રવારના છેલ્લા સત્રની સરખામણીએ 3.28 ડોલર એટલે કે 5.40 ટકાના ઘટાડા સાથે 59.22 ડોલર પ્રતિ બેરલ પર બંધ થયો હતો. વેપાર દરમિયાન આ ભાવ 58.45 ડોલર પ્રતિ બેરલ સુધી નીચે જતો રહ્યો હતો. ઈરાન પર અમેરિકાના પ્રતિબંધોને કારણે ક્રૂડ ઓઈલના પૂરવઠાને અસર પહોંચવાની આશંકાની વચ્ચે ગયા મહિને 3 ઓક્ટોબરના રોજ બ્રેન્ટ ક્રૂડનો ભાવ 86.74 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે, જે છેલ્લા ચાર વર્ષનું સર્વોચ્ચ સ્તર છે.