નવી દિલ્હી: દેશના સૌથી મોટા બેંકિંગ કૌભાંડના સામે આવ્યાં બાદ વર્ચ્યુઅલ કરન્સી બિટકોઇનથી થયેલા હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. બિટકોઇન દ્વારા 8000 લોકોને 2000 કરોડ રૂપિયાનો ચૂનો લગાવનારા એક વ્યક્તિની પૂણે પોલીસે ધરપકડ કરી છે. પૂણે પોલીસે દિલ્હી એરપોર્ટથી કૌભાંડના મુખ્ય આરોપી અમિત ભારદ્વાજને દબોચી લીધો હતો. ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ અમિતે પોતાની બિટકોઇન માઈનિંગ ઓપરેશન (બિટકોઇન મેળવવાની પ્રક્રિયા) શરૂ કરી હતી. પૂણે પોલીસ અમિત ભારદ્વાજના સાત સાથીઓની અગાઉ ધરપકડ કરી ચૂકી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી પોલીસે જણાવ્યું કે અમિત ભારદ્વાજે જ દેશની અંદર વર્ષ 2014માં પહેલી ઓનલાઈન રિટેલ માર્કેટ પ્લેસ ખોલી હતી. અમિતનું બિટકોઇન ઓપરેશન ચીન સહિત અનેક દેશોમાં ચાલતુ હતું. હાલમાં જ તેણે એમકેપ નામથી નવા બિટકોઇન લોન્ચ કરી છે. બેગકોકની એક એજન્સીએ પૂણે પોલીસને અમિત અંગે જાણકારી આપી હતી. પૂણે પોલીસ કમિશ્નર રશ્મિ શુક્લાએ અમિત ભારદ્વાજની ધરપકડની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે અમિતની દિલ્હી એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે.


પોલીસે જણાવ્યું કે અમિતે બિટકોઇન ખરીદવા પર રોકાણકારોને વધુ રિટર્ન આપવાનો વાયદો કર્યો હતો. તેના દ્વારા ચાલતી સ્કીમમાં રોકાણકારોને 10 ટકાથી વધુ રિટર્નનો વાયદો કરાતો હતો. તે રોકાણકારો સાથે એક કોન્ટ્રાક્ટ કરતો હતો જે 18 મહિના સુધી કાયદેસર માન્ય રહેતો હતો. આ ઉપરાંત તે રોકાણકારોને બિટકોઇન માઈનિંગનું ઓપ્શન આપતા હતાં. જેમાં લોકો પોતે બિટકોઇન માઈન કરી શકતા હતાં. પોલીસે જણાવ્યું કે અમિતે ક્યારેય રોકાણકારોને તેનો ફાયદો આપ્યો નથી.


અગાઉ આ લોકોની કરાઇ ધરપકડ
અમિતના દેશ છોડીને ભાગી ગયા બાદ ઈડીની મુંબઈ શાખાએ અમિત વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી હતી. પોલીસના જણાવ્યાં મુજબ અમિતે મુંબઈ, પૂણે, નાંદેડ, અને કોલ્હાપુર સહિત અનેક શહેરોના રોકાણકારોને ચૂનો ચોપડ્યો હતો. આ અગાઉ પોલીસે અમિતના સાત સાથીઓ આકાશ સંચેતી, કાજલ સિંઘવી, વ્યાસ સાપા, હેમંત સૂર્યવંશી, હેમંત ચૌહાણ, અજય જાધવ અને પંકજ અધાલકાની ધરપકડ કરી હતી.