નવી દિલ્હીઃ આ અઠવાડિયું શેરબજાર માટે ખુબ જ ખરાબ રહ્યું છે. સેન્સેક્સ એક સપ્તાહમાં કુલ 1,850 પોઈન્ટ તુટીને 35,000ના લેવલથી નીચે આવી ગયો છે. નિફ્ટી પણ 600 પોઈન્ટ તુટીને 11,400ના કી લેવલથી નીચે જઈ પહોંચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રવારે શેરબજાર બંધ થયું ત્યારે બીએસઈ સેન્સેક્સ 792 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો અને સેન્સેક્સ છ મહિનાના સૌથી નીચે પોઈન્ટ પર બંધ થયો. આજે આરબીઆઈ દ્વારા તેની ત્રિમાસિક નાણાનીતિની સમીક્ષા બાદ વ્યાજદરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરવો અને રૂપિયો તુટીને 74ના આંક સુધી પહોંચી જવાને કારણે શેરબજારમાં કડાકો જોવા મળ્યો હતો. 


રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરીને 6.5ટકા યથાવત રાખવામાં આવ્યો છે. જેની સામે આરબીઆઈ દ્વારા તેની નાણાનીતિની જાહેરાત કર્યાના તરત બાદ જ ભારતીય ચલણ રૂપિયો ડોલરની સામે 65 પૈસા ગગડીને ઈન્ટ્રા ડે 74.23 પૈસા સુધી પહોંચી ગયો હતો.


8 લાખ કરોડથી વધુનું ધોવાણ
ગુરૂવારે બજારમાં ચાલેલી વેચાવલીને કારણે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.5,02,895.97 કરોડ તુટીને રૂ.1,40,39,742.92 કરોડ પર પહોંચી ગયું હતું. આજે, શુક્રવારે બજાર વધુ તુટી જવાને કારણે કંપનીઓનું માર્કેટ કેપ વધુ રૂ.3,79,124.7 તુટીને રૂ.1,36,60,618.22 પર પહોંચ્યું હતું. એક સપ્તાહનો કુલ આંકડો જોઈએ તો ચાલુ સપ્તાહમાં શેરબજારમાં રોકાણકારોને રૂ.8.82 લાખ કરોડથી પણ વધુનું નુકસાન થયું છે. 


સમાચાર એજન્સી પીટીઆઈને બ્રોકરોએ જણાવ્યું કે, અમેરિકાની તિજોરી છેલ્લા કેટલાક વર્ષો બાદ ફરી છલકાઈ જવા અને તેના આર્થિક મજબૂત પરિણામો બાદ ફેડરલ રિઝર્વ બેન્ક દ્વારા તેને અપાયેલા સમર્થનથી વૈશ્વિક માર્કેટમાં વેચાવલીનું ચલણ બન્યું છે. જેના કારણે વિશ્વમાં મોંઘવારી ફેલાવાનો એક ભય પેદા થયો છે. 


શુક્રવારે સેન્સેક્સમાં 30 શેર તળિયે બેસી ગયા હતા, જેના કારણે તે 792.17 પોઈન્ટના ઘટાડા સાથે 34,202.22 સુધી પહોંચી ગયો હતો અને છેલ્લે 2.25 ટકાના ઘટાડા સાથે 34,376.99 પર બંધ થયો હતો. 23 એપ્રિલ બાદ આ સૌથી નીચો બંધ છે, જ્યારે સેન્સેક્સ 34,450.77 પર બંધ થયો હતો. પ્રથમ બે સેશનમાં ભારતીય રૂપિયાના તળિયે બેસી જવા અને ક્રૂડ ઓઈલના ભાવોમાં ઉછાળાને કારણે 1,356.98 પોઈન્ટની અફરાતરફી જોવા મળી હતી. 


નેશનલ સ્ટોક એસ્કચેન્જ ઈન્ડેક્સ 'નિફ્ટી' પણ 282.80 પોઈન્ટ તુટીને 10,316.45 પર બંધ થયો હતો. રિઝર્વ બેન્ક દ્વારા નાણાનીતિની જાહેરાત બાદ તે ઈન્ટ્રા ડે 10,261.90 જેટલો નીચે જતો રહ્યો હતો. 


આજે શુક્રવારે સૌથી વધુ ધોવાણ 16 ઓઈલ માર્કેટિંગ કંપનીઓના શેરોમાં જોવા મળ્યું હતું. જેનું કારણ ગુરૂવારે સરકાર દ્વારા ઈંધણની કિંમતો પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત હતી. દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં થયેલા વધારા બાદ નાણામંત્રી અરૂણ જેટલીએ ગુરૂવારે બનેમાં પ્રતિ લીટર રૂ.1.50ની ઘટાડો કરવાની અને સાથે જ ઓઈલ માર્કેટિંગ કંપનીઓને પ્રતિ લિટર રૂ.1નો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. 


કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત સાથે જ શેરબજારમાં એવો ભય ફેલાયો હતો કે સરકાર ફરી વખત પેટ્રોલ-ડીઝલના ભાવોને નિયંત્રણમાં લેવા માગે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012 પહેલાં સુધી પેટ્રોલના ભાવ પર અને વર્ષ 2014 સુધી ડીઝલના ભાવ પર કેન્દ્ર સરકારનું નિયંત્રણ હતું.