શેરબજારમાં મોટો કડાકો! રાતા પાણીએ રોયા રોકાણકારો, છેલ્લાં 4 દિવસમાં 13 લાખ કરોડથી વધુનું નુકસાન
Stock Market Updates Today: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લાં બે મહિનાથી છેડાયેલાં મહા વિનાશકારી યુદ્ધની અસર વૈશ્વિક બજારો પર પણ જોવા મળી રહી છે. એજ કારણ છેકે, છેલ્લાં 4 દિવસથી ભારતી શેરબજારમાં સતત મંદીનો મહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે.
નવી દિલ્લીઃ ભારતીય શેર બજારમાં સતત મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે સતત ચોથા દિવસે શેર બજારમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે. ઈન્ડિયન સ્ટોક માર્કેટ આજે ફરી એકવાર ઘટાડા સાથે ખુલ્યું છે. આ સમાચારોથી હાલ સ્ટોક માર્કેટમાં ઈવેન્સ્ટ કરનારા રોકાણકારોની ઊંઘ હરામ થઈ ગઈ છે.
સૌ કોઈ જાણે છેકે, એક તરફ હાલ સમગ્ર દુનિયા કોરોના કહેરમાંથી ધીરે-ધીરે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી છે. ત્યાં બીજી તરફ હાલ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લાં બે મહિનાથી ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. ઘણાં લોકોને એવું લાગતું હશે કે વિદેશમાં યુદ્ધ થાય એમાં આપણે શું? પણ એવું નથી હોતું દુનિયાના બીજા દેશો પણ આપણી સાથે આર્થિક વ્યવહારોથી જોડાયેલાં હોય છે. આપણો પણ દુનિયાના બીજા દેશો સાથે વિવિધ સ્તરે મૈત્રી કરારો, આર્થિક અને રાજકિય કૂટનૈતિક સંબંધોથી જોડાયેલો હોય છે. તેથી રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલાં યુદ્ધની અસર ભારતીય શેર બજાર પર પણ જોવા મળી રહી છે.
આજે સવારે 30 પોઈન્ટનો સેન્સેક્સ 53,320 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે 50 પોઈન્ટનો નિફ્ટી 15,956.45ના સ્તરે ખુલ્યો હતો. બીજી તરફ ભારતીય રૂપિયામાં પણ 23 પૈસાનો ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ખરાબ સંકેતો, રશિયા-યુક્રેન યુદ્ધની આર્થિક અસરો અને કોરોનાએ નોંધરેલી પાયમાલી આ બધાને કારણે હાલ ભારતીય શેર બજારની તબિયત લથડી ગઈ છે. હાલ માર્કેટ સહેજ પણ મજામાં નથી. શરૂઆતના ટ્રેડિંગમાં ઘણા શેરો તૂટ્યા છે. આવી સ્થિતિમાં, દિવસના ટ્રેડિંગ સેશનમાં માત્ર ઘટાડાની શક્યતા છે.
જોકે, બીજી તરફ બેંકોમાં સારું વળતક મળી રહ્યું છે. બેકિંગ સેક્ટરના કેટલાંક ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોને સારીએ કમાણી થઈ રહી છે. જેને પગલે હવે ઈનવેસ્ટર્સ એ દિશામાં આગળ વધી રહ્યાં છે. જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ઉભી થયેલી વૈશ્વિક સ્થિતિની સીધી અસર ભારત પર પણ પડી રહી છે. ભારતીય રૂપિયામાં પણ ઘટાડો થયો છે. ભારતીય રૂપિયો 23 પૈસાના ઘટાડા સાથે 77.46 ના સ્તર પર પહોંચી ગયો છે.
આજે 12 મે ને ગુરુવારે શેર બજારની તબિયત લથડી છે. જોકે, 11 તારીખની વાત કરવામાં આવે તો બુધવારે પણ ભારતીય શેરબજારની તબિયતમાં કોઈ ખાસ સુધારો નહોતો. બુધવારે દિવસભરની વોલેટિલિટી બાદ સેન્સેક્સ 276.46 પોઈન્ટ ઘટીને 54088.39 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 72.95 પોઈન્ટ ઘટીને 16167.10 પર બંધ થયો હતો. નિફ્ટી 16,000 ની નીચે જવાની સપાટી પર હતો. પરંતુ બેંકિંગ સેક્ટરના કારણે તેણે તેના મજબૂત સપોર્ટ લેવલને બચાવી લીધું.
ખાસ કરીને છેલ્લાં 4 દિવસથી ઈન્ડિયન શેર માર્કેટની સ્થિતિ કથડી છે. જેને પગલે રોકાણકારો હાલ રડી રહ્યાં છે. આ સ્થિતિને કારણે માર્કેટમાં છેલ્લાં 4 જ દિવસમાં ઓવરઓલ 13 લાખ કરોડથી વધારેનું ધોવાણ થયું છે.
ગઈકાલની વાત કરવામાં આવે તો 11 મે નો દિવસ પણ શેર માર્કેટ માટે કંઈ ખાસ નહોંતો. બુધવારે શેર માર્કેટમાં આવેલાં કડાકાને કારણે BSE લિસ્ટેડ કંપનીઓને પણ અંદાજે 5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. એટલું જ નહીં આ કંપનીઓની મૂડીમાં માત્ર ચાર ટ્રેડિંગ સેશનમાં 13,32,898.99 કરોડ રૂપિયાનો ઘટાડો થતા માલિકોની સ્થિતિ પણ સાવ કથડાઈ ગઈ છે.