બેંકરપ્સી કાયદો વધારે કડક બનાવાશે : દેવાળીયાઓની મુશ્કેલી વધશે
દેવાળીયા કંપની અથવા પ્રમોટર ફરી ક્યારે પણ અન્ય કંપનીમાં રોકાણ નહી કરી શકે
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં બેંકરપ્સી કાયદામાં ફેરફારનાં ઓર્ડિનન્સને મંજુરી આપવામાં આવી છે. આ અધ્યાદેશ સંસદનાં શીતકાલીન સત્રમાં રજુ કરવામાં આવશે. આ અધ્યાદેશ લાગુ થયા બાદ દેવાળીયા કંપનીઓનાં પ્રમોટર્સની મુશ્કેલી વધી જશે. બીજી તરફ કેબિનેટની બેઠકમાં થનારા બીજા સૌથી મોટા નિર્ણયોમાં લેધર સેક્ટરને રાહત આપવાનો મુદ્દો હાલ ટાળવામાં આવ્યો છે.
સરકારી બેંકોને થશે ફાયદો
કેબિનેટ દ્વારા બેંકરપ્સી કાયદામાં ફેરફારનાં ઓર્ડિનન્સને મંજુરી મળી ચુકી છે. આ અધ્યાદેશને સંસદનાં શીતકાલીન સત્રમાં રજુ કરવામાં આવશે. અધ્યાદેશ લાગુ થવાથી દેવાળીયા કંપનીનાં પ્રમોટર્સની મુશ્કેલીઓ વધશે અને તે બીજીવાર કંપનીઓમાં હિસ્સેદારી નહી ખરીદી શકે.બેંકરપ્સી કાયદામાં થનારા પરિવર્તનથી સરકારી બેંકોને મોટો ફાયદો થશે. બીજી તરફ બેંકરપ્સી પ્રક્રિયામાંથી પસાર થઇ રહેલ ભૂષણ સ્ટીલ, મોનેટ ઇસ્પાત જેવી કંપનીઓ માટે આ માઠા સમ સમાચાર છે.
15 ડિસેમ્બરથી શિયાળુ સત્ર ચાલુ થશે
સંસદનું શિયાળુ સત્ર 15 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી ચાલશે. બીજી તરફ 15માં નાણા પંચની રચનાને પણ કેબિનેટ દ્વારા મંજુરી મળી ચુકી છે. કેબિનેટ બેઠક બાદ નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે 15મું નાણા પંચ એપ્રીલ 2020થી 2025 સુધી લાગુ થશે.
લેધર સેક્ટર પર કોઇ નિર્ણય નહી
કેબિનેટની બેઠકમાં લેધર સેક્ટરને રાહત પેકેજ આપવા અંગે કોઇ જ નિર્ણય નથી થયો. માનવામાં આવી રહ્યું હતું કે સરકાર 2500 કરોડ રૂપિયાનાં રાહત પેકેજ આપી શકે છે. કંપનીઓ ટેક્નોલોજી વધારે સારી બનાવવા માટે રાહત પેકેજની જાહેરાત કરવાની હતી. જો કે સરકારે હાલ પુરતું તે ટાળ્યું છે.