નવી દિલ્હી : હવે ચેક બાઉન્સના કિસ્સામાં ચેક આપનાર વ્યક્તિ મોટી મુસીબતમાં મુકાઇ શકે છે. ચેક બાઉન્સ થવાની સ્થિતિમાં ચેક જમા કરાવનારને વધુ રાહત આપતી જોગવાઇ કરવામાં આવી છે. આ માટે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ અમેંડમેન્ટ બિલ મંગળવારે લોકસભામાં પસાર કરવામાં આવ્યું. આ વિધેયક પરની ચર્ચામાં જવાબ આપતાં નાણા રાજ્ય મંત્રી પ્રતાપ શુકલે કહ્યું કે, સમય સમય પર સંબંધિત કાયદામાં સુધાર કરાયો છે અને જરૂર પડે હજુ વધુ સુધાર પણ કરી શકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંત્રીએ કહ્યું કે, આ સુધારા વિધેયકમાં જોગવાઇ કરવામાં આવી છે કે, જો ચેક બાઉન્સ થવાની સ્થિતિમાં આરોપી તરફથી પહેલા જ ચેકની રકમના 20 ટકા પૈસા કોર્ટમાં જમા કરાવવાના રહેશે. જો નીચેની કોર્ટે ચૂકાદો આરોપી વિરૂધ્ધ આપ્યો હોય અને આ સ્થિતિમાં જો એ અપીલમાં જાય તો બીજા 20 ટકા કોર્ટમાં જમા કરાવવાના રહેશે. મંત્રીએ આશા વ્યક્ત કરી કે આ સુધારાથી ચેક બાઉન્સના કિસ્સા પર લગામ લગાવી શકાશે. 


ચેક બાઉન્સના 16 લાખ કેસ
શુકલે સંસદમાં જણાવ્યું કે, હાલની સ્થિતિએ દેશમાં અંદાજે ચેક બાઉન્સના 16 લાખ જેટલા કેસ પેન્ડિંગ છે. મંત્રીએ વિધેયક રજૂ કરતાં કહ્યું કે, ચેક પ્રાપ્ત કરનારને રાહત આપવાના હેતુસર આ સુધાર કરવામાં આવ્યો છે.