Post Office Monthly Income Scheme: દરેક વ્યક્તિ પોતાની કમાણીનો અમુક હિસ્સો બચત કરે છે અને એવી જગ્યાએ રોકાણ કરવાની યોજના બનાવે છે કે ભવિષ્યમાં માત્ર એક જંગી ભંડોળ જ એકઠું નહીં, પરંતુ નિવૃત્તિ પછી નિયમિત આવકની પણ વ્યવસ્થા કરી શકાય. આ સંદર્ભમાં પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ ખૂબ જ લોકપ્રિય છે. આમાં શામેલ પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં રોકાણ કરીને તમે દર મહિને 9,000 રૂપિયાની નિયમિત આવક મેળવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરક્ષિત રોકાણ મુદ્દે આગળ છે પોસ્ટ ઓફિસની યોજનાઓ
સુરક્ષિત રોકાણના સંદર્ભમાં ભારતમાં પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ્સ ખૂબ પસંદ કરવામાં આવે છે. તેની સાથે દરેક વય જૂથ માટે ઉપલબ્ધ યોજનાઓ છે એટલે કે બાળકોથી લઈને વૃદ્ધો સુધી કોઈપણ આ યોજનાઓનો લાભ લઈ શકે છે. વ્યાજના મામલે પણ તે કોઈથી કમ નથી. હવે જો આપણે પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ (POMIS) વિશે વાત કરીએ તો તે એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. આ યોજનામાં રોકાણ કર્યા પછી તમને દર મહિને એક નિશ્ચિત આવક મળશે અને તમારા પૈસા પણ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે.


5 વર્ષ માટે કરવું પડશે રોકાણ
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં માત્ર પૈસા જ સુરક્ષિત રહેતા નથી, પરંતું બેંકોની તુલનાએ વ્યાજ પણ વધારે મળે છે. જો તમે 5 વર્ષ માટે રોકાણ કરવા માંગો છો તો આ ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. પોસ્ટ ઓફિસની મંથલી સેવિગ્સ સ્કીમમાં તમે સિંગલ એકાઉન્ટ મારફતે ઓછામાં ઓછા 1,000 રૂપિયા અને સૌથી વધુ 9 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકો છો. જો તમે જોઈન્ટ એકાઉન્ટ ઓપન કરાવો છો, તો ફરી તેમાં સૌથી વધુ રોકાણની સીમા 15 લાખ રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે. એટલે પતિ-પત્ની બન્ને જણાં મળીને જોઈન્ટ એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકો છો. જોઈન્ટ એકાઉન્ટમાં સૌથી વધુ ત્રણ લોકો રોકાણ કરી શકો છો. 


નિવેશ પર મળે છે આટલું વ્યાજ
જો તમે નિવૃત્તિ પછી અથવા તે પહેલાં તમારા માટે માસિક આવકની વ્યવસ્થા કરવા માંગો છો, તો તમે પોસ્ટ ઓફિસની આ યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરી શકો છો. સરકાર હાલમાં આ બચત યોજનામાં 7.4 ટકાના દરે વાર્ષિક વ્યાજ આપી રહી છે. આ સ્કીમ હેઠળ ઈન્વેસ્ટમેન્ટ પર મળનાર આ વાર્ષિક વ્યાજને 12 મહિનામાં વહેંચવામાં આવે છે અને તે પછી તમને દર મહિને આ રકમ મળતી રહે છે. જો તમે માસિક પૈસા ઉપાડશો નહીં, તો તે તમારા પોસ્ટ ઑફિસ બચત ખાતામાં રહેશે અને તમને આ નાણાં મૂળ રકમ સાથે ઉમેરીને વધુ વ્યાજ મળશે.


આવી રીતે મળશે દર મહિને 9000 રૂપિયાથી વધારે
હવે જો તમારે દર મહીને 9000 રૂપિયાથી વધારે રકમ જોઈએ છે તો ફરી તેના માટે તમારે એક જોઈન્ટ એકાઉન્ટ ઓપન કરાવવું પડશે. માની લો તમે તેમાં 15 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને વર્ષે 7.4 ટકાના દરથી મળનાર વ્યાજની રકમ 1.11 લાખ રૂપિયા થશે. હવે જો તમે આ વ્યાજની રકમને વર્ષના 12 મહિનામાં સમાન રીતે વિભાજીત કરશો તો તમને દર મહિને 9,250 રૂપિયા મળશે. જો તમે એક ખાતું ખોલીને રોકાણ કરવાનું શરૂ કરો છો, તો આ યોજનામાં મહત્તમ રૂ. 9 લાખના રોકાણ પર તમને વાર્ષિક રૂ. 66,600 વ્યાજ તરીકે મળશે, એટલે કે દર મહિને રૂ. 5,550ની આવક.


ક્યાં ખોલાવી શકો છો POMIS ખાતું?
પોસ્ટ ઓફિસની અન્ય બચત યોજનાઓની જેમ પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં ખાતું ખોલાવવું પણ ખૂબ જ સરળ છે. તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને આ ખાતું ખોલાવી શકો છો. આ માટે તમારે ફક્ત નેશનલ સેવિંગ્સ મંથલી ઈન્કમ એકાઉન્ટ માટે એક ફોર્મ ભરવાનું રહેશે અને ભરેલા ફોર્મની સાથે તમારે એકાઉન્ટ ખોલવા માટે રોકડ અથવા ચેક દ્વારા નિયત રકમ જમા કરવી પડશે. આ યોજનામાં ખાતું ખોલવા માટે તમારી પાસે પાન કાર્ડ અને આધાર કાર્ડ હોવું આવશ્યક છે.